લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના પ્રજાજનોને અવકાશીય વિજ્ઞાન અંગે માહિતી પ્રાપ્ત થાય તેવા હેતુથી ખાસ વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના વક્તા તરીકે ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના પ્રમુખ ડૉ. જે.જે. રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પંચમહાલ જિલ્લા કલેક્ટર તથા લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરાના પ્રમુખ સુજલકુમાર મયાત્રા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરાએ પંચમહાલ જિલ્લામાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે અભિગમ કેળવાય તે અંગે કાર્ય કરી રહ્યું છે. ડૉ. જે.જે. રાવલે બ્રહ્માંડ, તેનું અસ્તિત્વ અને તેમાં રહેલા કેટલાંક ગુઢ રહસ્ય વિશે ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમનું પ્રારંભિક ઉદબોધન લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરાના કાર્યકારી પ્રમુખ ડૉ. સુજાત વલી કર્યું હતું.
ડૉ. જે.જે. રાવલ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, બ્રહ્માંડ અવકાશના કમ સે કમ ત્રણ અને સમયનું એક પરિમાણ ધરાવે છે, અલબત્ત પ્રાયોગિક ધોરણે અતિશય નાનાં પરિમાણોને ગણતરીમાં લઈ શકાયાં નથી. અવકાશ-સમય, અવકાશનાં ત્રણ અને સમયનું ચોથું એમ ચાર અરસપરસ સંબંધિત સ્થિતિના ચાર પરિમાણ એકબીજા સાથે નિર્વિધ્ને અને સ્પષ્ટપણે જોડાયેલાં છે, અને અવકાશ ખૂબ નાનો, મધ્યમસર વળાંક ધરાવે છે.
આ કાર્યક્રમમાં ગોધરા અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો, પ્રાધ્યાપકો, ડૉક્ટર્સ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌ શ્રોતાઓએ બ્રહ્માંડ અંગે પોતાને મૂંઝવતા પ્રશ્નો પણ પૂછ્યા હતા. જેનો સંતોષકારક રીતે ઉત્તર ડૉ. જે.જે. રાવલ દ્વારા આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરાના ભારતસિંહ સોલંકી, અવિનાશ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરાની ટીમનો સહયોગ પડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.