પંચમહાલ જિલ્લાના વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા આર.આર.ગોહિલને વિશિષ્ટ કામગીરી કરવા બદલ રાજ્ય કક્ષાએ પોલીસ વિભાગના D.G.P વિકાસ સહાય દ્વારા 'ઈ-કોપ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા છે. કહેવાય છે કે પોલીસ પ્રજાની મિત્ર બને છે અને આ જ સંદર્ભમાં આર.આર.ગોહિલે મોબાઈલ ચોરી, વાહન ચોરી, ઘરફોડ ચોરી તથા લૂંટધારના આરોપીઓ ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે. તેમણે યુવાધનને બરબાદ કરતા ગાંજા , અફીણના કાલા તથા કોડીન સીરપ જેવો એનડીપીએસનો કરોડો રૂપિયાનો જથ્થો તથા લાખો રૂપિયાનો વિદેશી દારૂના જથ્થાને પંચમહાલમાંથી પકડી પાડવામાં સફળતા મેળવી છે. તેમણે મર્ડર કેસના ચાર જેટલા આરોપીઓની 36 કલાકમાં ધરપકડ કરી ચાર્જશીટ રજૂ કરવાનું ગુજરાતમાં પ્રથમવાર કામ કર્યું છે.
ગૌવંશ હેરાફેરી કરતા ઇસમોને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે. તેમજ પ્રજાલક્ષી હિતના કાર્યો તેમજ આકસ્મિક અકસ્માત જેવા કે વાહન અકસ્માત, આગ, વરસાદી પૂરની સ્થિતિ, કુવામાં ફસાઈ જવા જેવા બનાવમાં તથા કોરોના જેવા કપરા સમયમાં પણ નીડરતાપણે નિષ્ઠાપૂર્વક પોતાના કાર્ય ક્ષેત્રમાં કામગીરીની ફરજો બજાવેલ છે. આ સાથે તેમના દ્વારા વાહન સર્ચ એપ્લિકેશનનો ઉપયોગ કરી બે ચોરીના આરોપીઓની ધરપકડ કરી રૂપિયા 23,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુના શોધવાની ઉત્તમ કામગીરી કરી છે. તે બદલ તેઓને ગુજરાત રાજ્યના પોલીસ મહા નિર્દેશક વિકાસ સહાયની ઉપસ્થિતિમાં એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા છે. પંચમહાલમાં આર. આર. ગોહિલ દ્વારા ઉત્તમ કામગીરી કરવા બદલ સમગ્ર વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને લોકોમાં આનંદ અને ઉત્સાહ અને લાગણી પ્રસરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.