સાંસદ રતનસિંહ રાઠોડ પેન્સનરોની વ્હારે:નિવૃત્ત કર્મચારીઓને હૈયા ધારણા આપી; 1001 રૂપિયા ભેગા કરી પ્રમુખ સહિત ચીફ ઓફિસરને સુપ્રત કર્યા

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા

ગોધરા નગરપાલિકા કચેરી ખાતે આજરોજ નિવૃત્ત પેન્શનર કર્મચારીઓ દ્વારા ભીખ માંગી ફંડ એકઠો કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દરેક નિવૃત કર્મચારીઓમાં ક્લાસ વનથી લઈને ચોથા વર્ગના કર્મચારીઓ આજે મુખ્ય માર્ગ ઉપર અવર જવર કરતા રાહદારીઓ અને વાહનચાલકો પાસેથી વાટકો લઈને ભીખ માંગી હતી. જેમાં સવારના 10:00 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રસ્તા ઉપર અવર-જવર કરતા રાહદારીઓ અને વાહનચાલકો પાસેથી અંદાજિત 1001 રૂપિયા ભેગા કરી નગરપાલિકાના પ્રમુખ સહિત ચીફ ઓફિસરને સુપ્રત કર્યા હતા.

સાંસદ રતનસિંહ રાઠોડ પેન્સનરોની વ્હારે આવ્યા
નિવૃત્ત પેન્શનરોની ચિંતા કરીને પંચમહાલ જિલ્લાના સાંસદ રતનસિંહ રાઠોડ ગોધરા નગરપાલિકા કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. જેમાં પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા નિવૃત્ત કર્મચારીઓને હૈયા ધારણા આપી હતી. પેન્શનના પ્રશ્નનો વહેલી તકે નિરાકરણ આવે તે માટે જિલ્લા કલેક્ટર સહિત ચીફ ઓફિસર અને પ્રમુખ જોડે મુલાકાત કરી હતી.

સફાઈ કામદારો પણ હડતાળ ઉપર ઉતરી આવ્યા હતા
ગોધરાના નગરપાલિકા કચેરી ખાતે છેલ્લા છ દિવસથી પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા નિવૃત કર્મચારી મંડળના 295 જેટલા નિવૃત પેન્શનરો સાથે 150 જેટલી વિધવા મહિલાઓ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં જાહેર રોડ ઉપર આવતા જતા રાહદારીઓ અને વાહન ચાલકો પાસે ભિક્ષા માંગી નગરપાલિકાને ફંડ એકઠું કરી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો બીજી બાજુ નગરપાલીકાના સફાઇ કામદારોને નગરપાલિકાના સેનેટરી ઇસ્પેક્ટર દ્વારા ઉતારી મુકવામાં આવતા આજરોજ તમામ સફાઈ કામદારો સફાઈ કામથી અળગા રહી હડતાળ ઉપર ઉતરી આવ્યા હતા.

'ભીખ આપો અમારે ભીખ નગરપાલિકા કચેરીને આપવાની છે'
ગોધરા નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર મહિનાઓથી નિવૃત્ત પેન્શનરોને પેન્શન ન આપવાના કારણે પેન્શનરોની હાલત કથળાઈ ગઈ છે. વારંવાર નગરપાલિકા પ્રમુખ સહિત ચીફ ઓફિસરને રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાના કાન ઉઘડતા નથી. જે માટે આજે ગોધરા નગરપાલિકાના 295 નિવૃત પેન્શનરો સાથે 150 જેટલી વિધવા મહિલા પેન્શનરો જાહેર માર્ગ ઉપર આવતા જતા રાહદારીઓ અને વાહન ચાલકોને સાહેબ ભીખ આપો અમારે ભીખ નગરપાલિકા કચેરીને આપવાની છે. જેથી અમારું પેન્શન વહેલી તકે કરે કેમ કે નગરપાલિકાની તિજોરીમાં પૈસા ખાલી થઈ ગયા છે. માટે આ ભીખ માંગી તેમને ફંડ આપવા માટે આજે અમે જાહેરમાં ભીખ માંગી રહ્યાં છે.

'સત્તાધીશોનું પેટનું પાણી હાલતું નથી'
ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા છેલ્લા ચાર માસથી પેન્શન ન આપવાના કારણે આજે છઠ્ઠા દિવસે જાહેર માર્ગ ઉપર વાટકાઓ લઈ જાહેરમાં ભીખ માંગવામાં આવી રહી છે. ત્યારે નિવૃત પેન્શનરોએ પોતાના રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં નિવૃત પેન્શન એસ એમ સરપોતદાર એ જણાવ્યું હતું કે, આજે અમે 28મી તારીખથી પ્રતીક ઉપવાસ ઉપર બેઠેલા છે અને આજે બીજી તારીખ થઈ ગઈ છતાંય અમારું ચાર મહિનાનું પેન્શન બાકી છે. તે છતાં નગરપાલિકામાં બેઠેલા સત્તાધીશોનું પેટનું પાણી હાલતું નથી માટે આજે અમે ભિક્ષા માંગવાનો કાર્યક્રમ રાખ્યો છે અને આજે જેટલી ભીખ આવશે તે તમામ ભીખ નગરપાલિકાના પ્રમુખને સ્વ હસ્તે આપી દેવામાં આવશે અને આ ભીખ એડ કરે એટલે અમારું પેન્શન થાય...

ભીખ માંગવાનો અનોખો અભિગમ
ત્યારબાદ નિવૃત્ત કર્મચારી મુરલીધર પદવાણીએ જણાવ્યું હતું કે, આજે છઠ્ઠો દિવસ અને અમારી માંગ ઉપર ધ્યાન આપતા નથી અને એક જ વસ્તુનું રટણ કરી રહ્યાં છે. નગરપાલિકા કે અમારી પાસે પૈસા નથી એટલે આજે અમે નગરપાલિકા માટે ભીખ માંગવાનો અનોખો અભિગમ રાખ્યો છે અને અમે ભીખ માંગી આ પૈસા નગરપાલિકાને આપવાના છે. માટે પ્રજાને પણ ખબર પડે કે નગરપાલિકાની સ્થિતિ શું છે.

પેન્શનરોનું નવતર પ્રયોગ
જ્યારે રાજેશભાઈ સોનીએ જણાવ્યું હતું કે, નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે અને પેન્શનરોનું પેન્શન કરી શકતી નથી. તેથી અમે એક નવતર પ્રયોગ ચાલુ કર્યો છે. જેમાં નગરપાલિકા માટે ભીખ માંગી નગરપાલિકાને ફંડ આપવાનું આયોજન કર્યું છે.

ચાર માસથી પેન્શનરો પેન્શન બાકી ​​​​​​​
ત્યારબાદ નગરપાલિકાના માજી પ્રમુખ અને હાલના સભ્ય રાજુભાઈ દરજીએ જણાવ્યું હતું કે, નગરપાલિકાની અંદર ચાર માસથી પેન્શનરો પેન્શન બાકી છે તથા કાયમી રોજમદાર સફાઈ કામદારોના પગાર પણ બાકી છે. તે માટે કંઈક ને કંઈક એવું દેખાઈ રહ્યું છે કે વહીવટની અંદર કોઈ પ્રોબ્લેમ હશે અથવા તો થઈ રહ્યો છે. તે માટે કર્મચારી મિત્રોએ અને નગરપાલિકાના સત્તાપક્ષ વાળાઓએ ભેગા મળીને આની વ્યવસ્થા કરવી જોઈએ અને સમયસર કર્મચારીઓ અને પેન્શનરોનો પગાર થવો જોઈએ.

પેન્શનરોની ​​​​​​​પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની
ત્યારબાદ નિવૃત પેન્શનર કાશીબેને જણાવ્યું હતું કે, આજે ચાર મહિનાઓથી પેન્શન આવતું નથી, અમારી પરિસ્થિતિ હાલ બેહાલ થઈ ગઈ છે. અમારા છોકરાઓ નોકરી ધંધો કરતા નથી. અમે કઈ રીતે પરિવારનું ગુજરાન ચલાવીએ અમારે પૈસાની જરૂર હોય ને, અમારી મજબૂરી તો સમજો. આજે ચાર મહિના થઈ ગયા કોની જોડે ખાઈએ અને કોની પાસેથી લાવીએ અમારી પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે.

મોંઘવારીમાં અમે શું કરીએ?
ત્યારબાદ પાણીબેન પરમાભાઈ એ જણાવ્યું હતું કે, અમને ખૂબ જ તકલીફ પડી રહી છે અને પેન્શન નગરપાલિકા દ્વારા આપવામાં આવતું નથી. જેના લીધે અમારા નાના છોકરાઓ છે અમે કઈ રીતે ગુજરાન ચલાવીએ. અનાજ વાળો પણ કરિયાણું આપતો નથી. શું કરીએ. અત્યારે મોંઘવારીની અંદર અમે શું કરીએ અને કારમી મોંઘવારીમાં કોઈ પણ ઉધાર આપતું નથી અને અમે પેન્શન ઉપર જ નિર્ભર રહીએ છીએ સાજા માદા થઈએ તો પૈસા કઈ રીતે લાવીએ...

સફાઇ કામદારોને ​​​​​​​છુટ્ટા કરી દેવતા પાલીકા સામે કામદારોની હડતાળ
​​​​​​​બીજી બાજુ ગોધરા નગરપાલિકામાં ફરજ બજાવતા રોજમદાર સફાઇ કામદારોને નગરપાલિકાના સેનેટરી ઇસ્પેક્ટર દ્વારા ઉતારી મુકવામાં આવતા આજરોજ તમામ સફાઈ કામદારો સફાઈ કામથી અળગા રહી હડતાળ ઉપર ઉતરી આવ્યા હતા. જેમાં 15 થી 20 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સફાઈની કામગીરી કરી હોય. ત્યારે આજે મહેકમનો પ્રશ્ન લાવીને 50 જેટલા રોજમદાર સફાઈ કામદારોને ઉતારી મૂકવામાં આવતા સફાઈ કામદારોમાં નગરપાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો હતો. જેમાં કેટલાક સફાઈ કામદારોએ પોતાની વેદનાઓ દર્શાવી હતી.

અમારી આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે​​​​​​​
જેમાં શકુંતલાબેન બાબુભાઈ એ જણાવ્યું હતું કે, નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કોઈપણ કારણ વગર અમને નોકરીમાંથી ઉતારી મૂકવામાં આવ્યા હતા. જેના કારણે અમારી રોજી રોટી છીનવાઈ ગઈ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમારા પરિવારનું ગુજરાન નગરપાલિકાની નોકરીથી થાય છે. આજે અમે છેલ્લા 15 વર્ષથી નોકરી કરીએ છીએ ત્યારે આજે અમને નોકરીમાંથી ઉતારી મૂકવામાં આવતા અમારી આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે.

કોઈપણ જાતની જાણ કર્યા વગર નોકરીમાંથી ઉતારી મૂકવામાં આવ્યા
ત્યારે ગોધરા નગરપાલિકામાં રોજમદાર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા રૂપાબેન રોહિતભાઈએ જણાવ્યું હતું કે, અમે કડકડતી ઠંડીમાં નોકરી કરીએ છીએ અને અમને કોઈપણ જાતની જાણ કર્યા વગર નોકરીમાંથી ઉતારી મૂકવામાં આવ્યા હતા. નગરપાલિકા દ્વારા ત્રણ મહિના સુધી પગાર કરવામાં આવતા નથી. ત્યારે આજે અમને નોકરીમાંથી ઉતારી મુકતા અમારા પરિવારનો ભરણપોષણ કઈ રીતે કરીએ તેની અમને સમજણ પડતી નથી. કારણ કે અમારા પરિવારમાંથી હું એકલી જ નગરપાલિકામાં છેલ્લા આઠ વર્ષથી ફરજ બજાવું છું. ત્યારે આજે મને નોકરીમાંથી ઉતારી મુકતા અમારા સમાજના સફાઈ કામદારો ભેગા મળી આજે અમે હડતાલ ઉપર ઉતરી આવ્યા છે જ્યાં સુધી અમને નોકરી ઉપર લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે સફાઈની કામગીરીથી અળગા રહી નોકરી ઉપર જઈએ નહીં.

48 જેટલા રોજમદાર કામદારોને ઉતારી મૂકવામાં આવ્યા ​​​​​​​
ત્યારબાદ સામજિક કાર્યકર ધનજીભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, આજે અમારી વાલ્મિકી સમાજ ઉપર ઘોર અન્યાય થઈ રહ્યો છે. નગરપાલિકા દ્વારા આજે મહેકમની વાત કરી અને છેલ્લા 15 થી 20 વર્ષ સુધી નોકરી કરતા સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે. આજે ચાર ઝોનમાંથી 48 જેટલા રોજમદાર કામદારોને ઉતારી મૂકવામાં આવ્યા છે. અને મહેકમ નડતી હોય તો એકલા સફાઈ કામદારોને નડે છે. બીજા સ્ટાફના કર્મચારીઓને ​​​​​​​નડતી નથી. ખાલી વાલ્મીકિ સમાજના સફાઈ કામદારોને ભીંસમાં લઇ ઉતારી મૂકવામાં આવ્યા હતા. તે માટે જ્યાં સુધી સફાઈ કામદારોને કયા કારણે ઉતારી મૂક્યા છે તેનું કારણ બતાવવામાં નહિ આવે ત્યાં સુધી અમે અમારી માંગ સાથે અડગ રહીશું.

અન્ય સમાચારો પણ છે...