પ્રોફેશનલ રાખડીઓને ટક્કર આપે તેવી...:આત્મવિશ્વાસ અને સાચા દિલથી પ્રેમ અને લાગણીના મોતી પરોવીને બનાવે છે રાખડીઓ

પંચમહાલ (ગોધરા)9 દિવસ પહેલા
  • વિદ્યાર્થીઓએ બનાવેલી કલાત્મક રાખડીઓનુ નગરવાસીઓ કરી રહ્યા છે ખરીદી

ગોધરા શહેરમાં આવેલી ગાંધી સ્પેશીયલ બહેરા મૂંગા વિદ્યાલયના બાળકો દિવ્યાંગ હોવા છતાં પોતાનામાં રહેલી હુન્નર અને આગવી કુશળતા અને પગભર થવાની તત્પરતા વચ્ચે વર્ષ દરમિયાન આવતા અનેક તહેવારો અને પ્રવૃત્તિઓમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. દિવ્યાંગ બાળકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પર્વને અનુલક્ષીને રાખડીઓ બનાવવામાં આવી રહી છે. જે ખરીદવા માટે વહિવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત શહેરભરમાંથી લોકો ઉત્સાહભેર આ મૂક બધિર બાળકોની પાસે આવી રહ્યા છે.

બાળકોએ એક એકથી ચડિયાતી ડિઝાઇનર વાળી રાખડી બનાવી
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધી સ્પેશીયલ બહેરા મૂંગા વિદ્યાલયમાં મૂક બધિર દિવ્યાંગો દ્વારા એક એકથી ચડિયાતી ડિઝાઇનર વાળી રાખડી બનાવવામાં આવી રહી છે. 116 જેટલા દિવ્યાંગ મૂક બધિર બાળકો દ્વારા લગભગ 2500 જેટલી ડિઝાઈનર રાખડીઓ તૈયાર કરી ગોધરાના કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં પ્રદર્શન સાથે વેચાણ કરવામાં આવી રહ્યું છે. રાખડીના તહેવાર સાથે પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરના બજારમાં આકર્ષક અને અવનવી ડિઝાઈનવાળી રાખડીઓનું ધુમ વેચાણ થઈ રહ્યું છે. પરંતુ તેની વચ્ચે ગોધરાના ગાંધી સ્પેશિયલ બહેરા મૂંગા વિદ્યાલયના શિક્ષકો વેચાણ કરીને પગભર થવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ બાળકોની રાખડી બજારની રાખડી જેવી કદાચ આકર્ષક ન હોય પણ તેઓમાં વધતો આત્મવિશ્વાસ અને સાચા દિલથી ભગવાનને પ્રાર્થના કરી પ્રેમ અને લાગણીના મોતી પરોવીને લાગણીસભર રીતે બનાવેલી રાખડી પ્રોફેશનલ રાખડીઓને ટક્કર આપી રહી છે.

બાળકોએ બનાવેલી રાખડીમાં તેમની ભાવના છુપાયેલી છેઃ શિક્ષક
સ્કુલના મદદનીશ શિક્ષક સાથે બાળકોમાં રહેલી શક્તિ બહાર કાઢવાનો પ્રયાસ કર્તા શિક્ષકો કહે છે, અમારા બાળકો જે રાખડી બનાવે છે તે કદાચ બજારમાં મળતી રાખડી જેવી આકર્ષક ન હોય. પરંતુ અમારા બાળકો સાચા દિલથી પ્રેમ અને લાગણીના મોતી વિશ્વાસના દોરામાં પરોવી રાખડી બનાવી રહ્યાં છે. આ બાળકોએ બનાવેલી રાખડીમાં તેમની ભાવના છુપાયેલી છે અને આ રાખડી લોકો ખરીદે છે ત્યારે બાળકો વધુ આત્મનિર્ભર બની રહેવાની ઉત્સુકતા જગાડે છે.

દિવ્યભાસ્કરની ટીમ બાળકોની મુુલાકાતે પહોંચી
દિવ્યભાસ્કરની ટીમે ગોધરામાં આવેલી ગાંધી સ્પેશીયલ બહેરા મૂંગા વિદ્યાલયના મૂક બધિર દિવ્યાંગ બાળકોની મુલાકાત લીધી હતી. વિદ્યાલયમાં મદદનીશ શિક્ષક તરીકે છેલ્લા 16 વર્ષથી ફરજ બજાવતા હિરેન ગોહિલે જણાવ્યું હતું કે અમારી વિદ્યાલયમાં મૂક બધિર બાળકો માટે શૈક્ષણિક અને વ્યવસાયિક પુનર્વસન માટે કામ કરે છે. અહીં 116 જેટલા દિવ્યાંગ બાળકો અભ્યાસ કરે છે અને આ બાળકો સાથે અલગ અલગ તહેવાર દરમિયાન એક અનોખા અંદાજમાં ઉજવીએ છીએ. જેના થકી બાળકોને તહેવારનું મહત્વ સમજે સાથે સાથે પોતાની અંદર રહેલી સ્કીલ ડેવલોપ કરી શકે. ભગવાન દ્વારા જે હુન્નર મુકેલ છે તેને ઉજાગર કરી લોકો સુધી પહોંચે તેવા આશયથી અત્યારે અમે રક્ષાબંધન પર્વ નિમિત્તે અવનવી રંગબેરંગી સુદર કલાત્મક રાખડીઓ બનાવી રહ્યા છે અને બજારમાં સમસ્ત લોકો સુધી પહોંચે અને દિવ્યાંગ બાળકોની કૌશલ્ય લોકો જાણે તેઓ પ્રયત્ન કરવામાં આવે છે.

દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રાખડી ખરીદવા અપીલ
વધુમાં હિરેન ભાઈએ કહ્યું હતું કે, ગોધરાના નગરજનો અમારા મૂક બધિર દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રાખડીઓ ફેન્સી તો નહીં પણ તેઓની લાગણીઓ સાથે બનાવેલ રાખડી ખરીદી કરી દિવ્યાંગ બાળકોને મદદ કરો જેનાથી તેમાં રહેલી હુન્નર કલા બહાર આવે અને પગભર થઈ શકે.

અન્ય સમાચારો પણ છે...