લઘુત્તમ વેતનની માંગ:પંચમહાલ જિલ્લા મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન, વિવિધ માંગો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

પંચમહાલ (ગોધરા)13 દિવસ પહેલા

પંચમહાલ જિલ્લામાં આવેલી વિવિધ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેઓ જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી લઘુત્તમ વેતન સહિતના મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે માંગ કરી હતી. આ આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં જિલ્લામાં ફરજ બજાવતા મધ્યાહન ભોજનના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આવેદનપત્ર આપવા માટે આવેલા કર્મચારીઓ દ્વારા તેઓની સમસ્યાનો ઉકેલ લાવવામાં નહિં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી પક્ષને ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

ગુજરાત સરકારના નાણાં વિભાગનો તા.16/07/2019ના રાજ્યની કચેરીઓમાં ફરજ બજાવતા અંશકાલીન કર્મીઓના મહેનતાણાંમાં વધારો કરવાનો ઠરાવ મુજબ ચાર કલાકથી વધુ સમયની કામગીરી માટે મુકવામાં આવેલ અંશકાલીન કર્મીઓને રૂ.220 પ્રતિદિન મહેનતાણું મુક્વાની જોગવાઇ મુજબના ઠરાવથી રૂ.14000 ચુકવવાનો નામદાર હાઇકોર્ટ કરેલ હુકમ મુજબ આ પ્રકારના કર્મી રાજ્ય સરકાર ચુકવી રહી છે. તે મુજબ મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને ચૂકવવામાં આવે. તે મુજબ આ મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને પણ આ ઠરાવ મુજબ પ્રતિદિન રૂ.220 મહેનતાણું ચુકવાને આ જ ઠરાવ મુજબ ફીક્સ વેતન ચુકવવાની જોગવાઇ કરવામાં આવે એ મુખ્ય માંગણી છે.

શ્રમ રોજગારના અસંગઠીત શ્રમિકો તરીકે નોંધાયેલા આ યોજનાના કામદારોને શ્રમ કાયદા મુજબ મળતા લાભો જેવા કે પ્રસુતી, રજા, વિમો, ગ્રેજ્યુઇટી, સહીતની જોગવાઇ મુજબનાં લાભો શીડ્યુલ વર્કર ગણીને આપવામાં આવે. નવી શિક્ષણનીતી મુજબના દરેક પ્રાથમિક શાળાના પ્યુન/ક્લાર્કની જગ્યા ઉપર આ યોજનાનાં કર્મીઓને અગ્રતા ક્રમ આપી નીમણૂંક આપવામાં આવે. આ યોજનાના મુખ્ય પાયાના કામદારો એવા શ્રમ અને રોજગાર વિભાગમાં નોંધાયેલા અસંગઠીત ક્ષેત્રના કામદારો તરીકે આઈડેંટીફાઇ થઇને રસોયા અને મદદનીશોને તેમની પ્રતિદિનની કામગીરીના મુલ્યાંકનના આધારે પોષણયુક્ત મહેનતાણાની જોગવાઇ કરવામાં આવે. આ યોજનાના રસોયા અને મદદનીશોને વીમા કવચથી સુરક્ષીત કરી એપ્રન, સાડી, ગ્લોઝથી સુસજ્જ કરી ભારત સરકારની નવી શિક્ષણનીતીની જોગવાઇ મુજબ ભોજનમાતાનું નામકરણ કરવાની અમારી માંગણી છે.

આમ ઉપરોક્ત માંગણીઓ તાકીદે સંતોષવામાં નહી આવે તો ભારતીય મજદૂર સંઘને તા.૨.૯.૨૦૨૨ ના રોજ યોજાયેલી પ્રદેશ કક્ષાની હાઇલેવલની બેઠકમાં લેવાયેલ નિર્ણય અને ઠરાવ મુજબ તા.૫.૯.૨૦૨૨ થી તા.૧૯.૯.૨૦૨૨ સુધીમાં જીલ્લા કક્ષાએ મોટી સંખ્યામાં હાજર રહી આવેદનપત્ર આપવાથી માંડી આગામી ચુંટણીમાં સત્તાધારી પાર્ટીનો વિરોધ કરવાના નિર્ણય મુજ્બ આ યોજનાના કર્મીઓ પણ એ ભારતીય મજદૂર સંઘના આદેશને અનુસરીને ચુંટણીના પરિણામો ઉપર ગંભીર અસરો ઉભી કરશે.

અન્ય સમાચારો પણ છે...