ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો મહાસંગ્રામ શરૂ થઈ ચૂકયો છે. દરેક રાજકીય પક્ષના ઉમેદવારે પોતાનું ઉમેદવારીપત્ર ભરી પ્રચારનો શ્રી ગણેશ કર્યો છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાઈ સામે ભાઈ, પિતા સામે પુત્ર, નણંદ સામે ભાભીની ટક્કર થઈ રહી છે. ત્યારે હવે પતિને હરાવવા માટે પત્ની અને પુત્રવધૂ પણ મેદાને પડ્યા છે. તાજેતરમાં ભાજપને અલવિદા કરીને કોંગ્રેસમાં જોડાયેલા માજી સાંસદ રહી ચૂકેલા પ્રભાતસિંહ ચૌહાણને આ વખતે કોંગ્રેસમાંથી ટિકિટ આપવાનાં એંધાણ ચાલી રહ્યાં છે, પરંતુ ઉતાવળા પ્રભાતસિંહ તો કોંગ્રેસમાંથી મેન્ડેટ મળ્યા વિના જ ફોર્મ ભરી આવ્યા છે. ત્યારે પ્રભાતસિંહ ચૌહાણનાં પત્ની અને પુત્રવધૂ ભાજપના ઉમેદવારને જિતાડવા માટે ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે.
બંને પાર્ટીના ઉમેદવારો સામસામે આવતાં જીતની શુભેચ્છાઓ પાઠવી
સોમવારે વિધાનસભાની ચૂંટણી માટે કાલોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણે ઉમેદવારીપત્ર ભર્યું હતું. કોંગ્રેસમાંથી મેન્ડેટ આપ્યા વગર પ્રભાતસિંહ ચૌહાણે ફોર્મ ભર્યું. ત્યારે બંને પાર્ટીમાંથી ફોર્મ ભરવા માટે આવેલા ઉમેદવારો સામસામે આવી જતાં તેમણે એકબીજાને હાથ મળાવી જીતની શુભેચ્છાઓ પણ આપી હતી. મજાની વાત તો એ છે કે પ્રભાતસિંહ ચૌહાણનાં પત્ની અને પુત્રવધૂએ ભાજપના ઉમેદવારનો પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે આ વખતે કાલોલનું રાજકારણ જોરદાર ગરમાયું છે.
પુત્રવધૂ સુમન ચૌહાણ ગત ટર્મમાં ભાજપનાં ધારાસભ્ય
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રભાતસિંહ ચૌહાણ પૂર્વ પંચમહાલ જિલ્લાના પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે. તેમના પુત્રવધૂ સુમન ચૌહાણ ગત ટર્મ ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે, જ્યારે પત્ની રંગેશ્વરી ભાજપ સાથે જ છે, આથી બંને સાસુ અને પુત્રવધૂએ આ વખતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણને જંગી બહુમતીથી જિતાડવા માટે દઢ નિર્ધાર કર્યો હતો.
કાલોલની ધરતી ઉપર કોણ બાજી મારશે
કાલોલ ખાતે ઉમેદવારીપત્ર ભરવા માટે આવેલા પ્રભાતસિંહ ચૌહાણ અને ફતેસિંહ ચૌહાણે ઉમેદવારીપત્ર ભર્યા બાદ બંને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. હવે જોવાનું રહ્યું કે કાલોલની ધરતી ઉપર કોણ બાજી મારશે. ઉલ્લેખનીય છે કે ભાજપ કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ બારિયા પણ આ વખતે મેદાનમાં છે. ત્યારે ગેમ ઓફ ગુજરાતના ત્રિપાંખિયા જંગમાં મતદારો કોના પર કળશ ઢોળે છે એ તો આવનારો સમય જ બતાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.