ગૃહકલેશનો ઝગડો આખરે લોહીના ખાબોચિયામાં ફેરવાયો...
શહેરા તાલુકાના સુરેલી ગામની સ્મિતાબેન રમેશભાઈ બારીઆના લગ્ન તાલુકાના નવાગામ નવી વસાહત ખાતે રહેતા રમણભાઈ બાલુભાઈ બારીઆ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન સ્મિતાએ સંતાનમાં બે પુત્રોને જન્મ આપ્યો હતો. સ્મિતાના પતિ રમણભાઈ ટીવી તથા અન્ય ઇલેક્ટ્રિક ચીજવસ્તુઓ રીપેરીંગ કરવાનું કામ કરતા અને તેઓ ઘરેથી રીપેરીંગ કામ કરતા હતા. છેલ્લા એકાદ બે માસથી શહેરા નગરમાં આવેલી અણીયાદ ચોકડી વિસ્તારમાં જે.કે. ઈલેક્ટ્રોનિક્સની ભાડાની દુકાન ધરાવતા હતા.
ત્યારે ગત તારીખ 3જી માર્ચના રોજ સ્મિતા અને રમણ આ બંને પતિ-પત્ની બાળકો સાથે પિયર સુરેલી ગામે આવ્યા હતા અને રમણભાઈ હોળી બાદ પણ અણીયાદ ચોકડી વિસ્તારમાં તેઓની ઈલેક્ટ્રોનિક્સની દુકાન જોવા માટે સુરેલીથી અવરજવર કરતા હતા. ત્યારે ગત તારીખ 14મી માર્ચના રોજ પતિ-પત્ની અને બંને બાળકો પિયરથી નવાગામ ખાતે પહોંચ્યા હતા. જ્યા સ્મિતાનો પતિ રમણભાઈ બારીઆ સાંજના સમયે ક્યાંકથી આવી પોતાની પત્ની સ્મિતાને કટુ વેણ બોલતા સ્મિતાએ એવું ના બોલવા જણાવતા તેને મારવા લાગ્યો હતો અને ગળુ દબાવી દીધેલું જ્યાંથી ગમે તે રીતે છુટી ગઈ હતી.
પરંતુ તેના પતિએ અહીંથી ક્યાં પણ જઈશ તો મારી નાખવાની ધમકી આપી હતી. પરંતુ સ્મિતાએ યુક્તિ પ્રયુક્તિથી પોતાના પિયર સુરેલી ફોન કરી પાછા લઈ જવા જણાવ્યું હતું. આથી થોડીવારમાં સ્મિતાના પપ્પા રમેશભાઈ, કાકા રંગીતભાઈ અને તેનો ભાઈ પ્રકાશ તેને લઈ જવા આવતા સ્મિતાના પિતા અને ભાઈએ ઠપકો આપતા પતિ રમણ અને સસરા બાલુભાઈએ ઉશ્કેરાઈ જઈ લાડકી લઈ આવ્યા હતા. જ્યાં સાળા અને બનેવી વચ્ચે ઝપાઝપી થતાં સ્મિતા વચ્ચે છોડાવવા પડી હતી. દરમિયાન સાળાએ પોતાના બનેવીને દારૂ પીવાનો છોડતો ન હોય બહેનને લઈ જવા માટે આવ્યો હોવાનું જણાવી પોતાની મોટરસાયકલ પર બેસી જતા સ્મિતા ઘરની અંદર કપડા લેવા ગઈ તે વખતે ફરીથી સાળા બનેવી વચ્ચે ઝપાઝપી થવા લાગેલી અને આથી બંનેને છોડાવવા વચ્ચે પડતા સ્મિતાનો ભાઈ એકદમ મોટર સાયકલ પર ઢળી પડ્યો હતો. ગળાના ભાગેથી ખૂબ લોહી વહેવા લાગ્યું હતું,
જેથી તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે શહેરા સરકારી દવાખાને લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે પ્રકાશને મૃત ઘોષિત કર્યો હતો. ઘટનાની જાણ શહેરા પોલીસ મથકના પી.આઈ આર.કે.રાજપુતને થતાં તેઓએ પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને કાર્યવાહી હાથધરી હતી. પ્રકાશના મૃતદેહને પી.એમ. માટે મોકલી આપ્યો હતો. આ સમગ્ર મામલે સ્મિતાએ હત્યારા પતિ અને સસરા બાલુભાઈ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવતા આરોપી હત્યારા બનેવી રમણ અને રમણના પિતા બાલુભાઈને પકડવા માટે પોલીસે તજવીજ હાથધરી હતી.
અકસ્માતમાં એકનું કરૂણ મોત...
દામાવાવ પોલીસ મથકની હદમાં આવેલા ખડપા ગામે એક નંબર પ્લેટ વગરની બાઇક ચાલકે પોતાની બાઈક બેફામ હંકારી લાવી સામે આવતા પલ્સર બાઈકના ચાલકને ટક્કર મારતા પ્લસર બાઈકની પાછળ બેઠેલા 20 વર્ષના યુવાનને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત થયું હતું.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે આવેલા દેવીરામપુરા બારી ફળિયામાં રહેતા છગનભાઈ લલવાભાઈ બામણીયાએ જણાવ્યું હતું કે, દામાવાવ પોલીસ મથકની હદમાં આવેલા ખડપા ગામ કાપડી ફળિયામાં રોડ ઉપર એક નંબર પ્લેટ વગરની હોન્ડા એસપી 125 મોટર સાયકલ બાઇક બેફામ પુર ઝડપે હંકારી લઈ આવતા હતા.
ત્યારે સામેથી મહેશ ગોવિંદભાઈ નાયક પોતાની નંબર વગરની બજાજ પલ્સર મોટર સાયકલ ઉપર નરેન્દ્ર છગનભાઈ બામણીયાને બેસાડીને આવી રહ્યા હતા. ત્યારે સામે આવી રહેલી નંબર પ્લેટ વગરના બાઇક ચાલકે સામેથી અથડાવી દેતા મહેશભાઈને ઓછી વત્તી ઇજાઓ પહોંચી હતી. જ્યારે તેમની પાછળ બેઠેલા નરેન્દ્ર છગનભાઈ બામણીયાના માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
કારની પાછળના ભાગે માંસનો જથ્થો મળી આવ્યો...
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટાફ આજરોજ વહેલી પરોઢના સમયે પેટ્રોલીંગમાં નીકળ્યો હતો. ત્યારે ગોધરા શહેરના કોઠી સ્ટીલ ત્રણ રસ્તા પાસે એક મારૂતિવાનનો ચાલક શંકાસ્પદ ગતિવિધિથી પસાર થઈ રહ્યો હતો. જેના આધારે પોલીસે મારૂતિ વાનચાલકનો પીછો કર્યો હતો. જેને લઇને મારૂતિ વાનચાલકે કાર ઝડપથી હંકારી મૂકી હતી અને રહેમતનગર જવાના રસ્તે વાન મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે કારચાલકનો પીછો કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ કારચાલક અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. બનાવને પગલે પ્રાણી અગ્નિવીર ટીમના કાર્યકરો પણ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પોલીસ તથા અગ્નિવીર કાર્યકર્તાઓએ વાનમાં તપાસ કરતા કારની પાછળના ભાગે સીટને બદલે માંસનો જથ્થો મળી આવ્યો હતો. માંસના જથ્થા સાથે કતલ કરેલા ગૌવંશના માથા પણ મળી આવ્યા હતા. જેને લઇને પ્રાથમિક દૃષ્ટિએ માંસનો જથ્થો ગૌમાંસ હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસે વેટરનરી તબીબને જાણ કરી પુષ્ટિ કરતા ગૌમાંસ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે પકડાયેલા ગૌમાંસના જથ્થાનું વજન કરતા કુલ 415 કિલોગ્રામ વજન થયું હતુ. પોલીસે રૂ. 83 હજારની કિંમતનો 415 કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો અને 1 લાખની કાર મળીને કુલ રૂ. 1.83 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે કસાઈઓ પર ભીંસ વધારી છે. વીતેલા બે દિવસ દરમિયાન પોલીસે અગ્નિવીર ટીમની મદદથી બે સ્થળેથી જંગી ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે ગૌવંશનું કતલ કરતા કસાઈઓમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં કસાઈઓ અન્ય સ્થળે ગૌવંશની કતલ કરીને ગૌમાંસનો જથ્થો ગોધરા ખાતે પહોંચાડી રહ્યા છે. ત્યારે પોલીસ વધુ સતર્ક બનીને કસાઈઓ પર વોચ રાખી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.