ગોધરાના ચાંચપુર ગામની જમીનના બોગસ દસ્તાવેજ બનાવતાં સબરજિસ્ટ્રારે ગોધરાના બી ડિવિઝન પોલીસ મથકે 7 લોકો સામે ફરીયાદ નોધાવી હતી. ગોધરા તાલુકાની ચાંચપુર ખાતે ખેતી જમીનનો બોગસ દસ્તાવેજ થયો હોવાની જમીન માલિક કૈલાસબેન વિક્રમભાઇ રાઠોડે જિલ્લા જમીન તકેદારી સમીતિમાં કરી હતી.
અરજીની તપાસ કરતાં ચાંચપુર ખાતેની ખેતીની જમીનનો દસ્તાવેજ ફેબ્રુઆરી 2021 ના રોજ તત્કાલિક સબ રજિસ્ટ્રારની રૂબરૂમાં કરવામાં આવ્યો હતો. જમીનના વેચાણ દસ્તાવેજ કરી આપનાર કૈલાસબેન દશરથભાઇ રાઠોડની જગ્યાને બદલે અન્ય વ્યક્તિ કૈલાસબેન જેઠાભાઇ રાઠોડે ખોટી ઓળખાણ આપી તેમજ ચંપાબેન રયજીભાઇ રાઠોડની જગ્યાએ અન્ય વ્યક્તિ ચંપાબેન ગણપતભાઇ ગોહિલની ખોટી ઓળખાણ આપનાર કાલોલના કાનોડ ગામના ચૌહાણ મંગળસિંહ શંકરભાઇ અને ચૌહાણ મહેન્દ્રસિંહ લક્ષ્મણસિંહે સાચી વ્યક્તિની જગ્યાએ ખોટી વ્યક્તિને ઉભી કરીને બોગસ દસ્તાવેજ રજુ કરીને સરકાર સમક્ષ ખોટા પુરાવા રજુ કરીને વેચાણ દસ્તાવેજ કર્યો હતો.
જમીન વેચાણ આપનાર સુર્યાબેન સોમાભાઇ રાઠોડ તથા જમીન દલાલો નીરવકુમાર ગણપતસિંહ રાઠોડ, મહેશભાઇ સોમાભાઇ ઉર્ફે દેવો ચૌહાણ તથા વેચાણ આપનાર તેમજ વેચાણ લેનારાઓ પૂર્વ આયોજીત કાવત્રરૂ રચીને ખોટી વ્યક્તિઓને સબ રજિસ્ટ્રાર સમક્ષ ખોટી કબુલાત અપાવી હોવાથી ગોધરાના ઇન્ચાર્જ સબ રજિસ્ટ્રારે ગોધરાના બી ડિવિઝન પોલીસ મથકે કચેરીમા થયેલ બોગસ દસ્તાવેજ તથા કબુલાતની સીડી રજુ કરીને 7 લોકો સામે ફરીયાદ નોધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.