ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં વ્યાજના વિષચક્રમાં કેટલાક લોકો પાયમાલ થઈ ગયા છે. વ્યાજખોરો ધાક ધમકી આપીને મિલકતો પડાવી રહ્યા છે અને કોરા ચેક પર સહી કરાવી નિર્દોષ પ્રજાજનો ઉપર મજબૂરીઓમાં ધાક ધમકીઓના સામ્રાજ્ય ઊભું કરવામાં આવ્યું છે. જેના કારણે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા વ્યાજખોરોના ભયભીત સામ્રાજ્ય સામે લાલ આંખ કરીને એક લોક દરબારનું આયોજન 9/ 1/ 2023 કરીને 31 જાન્યુઆરી સુધી વ્યાજખોરોના વિષચક્રને નષ્ટ કરવા કરવામાં આવ્યું છે. માટે પોલીસ તંત્ર દ્વારા સૌ પ્રથમ વખત એક ડ્રાઇવનું આયોજન કરવામાં આવતા માથાભારે વ્યાજખોરોમાં પોલીસ તંત્રના તીખા તેવરોથી સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.
ગોધરા સમેત પંચમહાલ જિલ્લામાં નાના મોટા વ્યાપારીઓ પોતાની આજીવિકા ટકાવી રાખવા માટે વ્યાજે નાણા લેવા મજબૂર બનતા હોય છે. તો કેટલાક મધ્યમ અને ગરીબ વર્ગના લોકો ક્યાંક સારવાર માટે તો સામાજિક પ્રસંગોપાત પણ વ્યાજે નાણા લેવા મજબૂર થતા હોય છે. લાયસન્સ વગર ધમધમતા ગેરકાયદે ઊંચાદરના વ્યાજના વ્યાપારમાં ક્યાંક વ્યાજ દરના દર 20% વસૂલ કરવામાં આવતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં વ્યાજે લીધેલા નાણા પરત કરી દીધા હોય તો પણ ઉંચાદરના વ્યાજમાં આ રકમ અનેક ઘણી કરીને વ્યાજખોરો નાણા વસૂલતા હોય છે.
વ્યાજના આ નાણા વસૂલ કરવા માટે કેટલાક માથાભારે વ્યાજખોરો રાજકીય અને વહીવટી તંત્રના સંબધોના પ્રભાવમાં નિર્દોષ લેણદારો પર શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારતા હોવાના અનેક કિસ્સાઓ બહાર આવવા પામ્યા છે. તો કેટલાક લેણદારો વ્યાજના આ વિષચક્રને લઈને આત્મહત્યા કરવા સુધી મજબૂર બન્યા છે. ત્યારે ગોધરા સમેત પંચમહાલ જિલ્લામાં અજગરી ભરડાની જેમ ફેલાયેલા વ્યાજખોરોના આ વિષચક્રને નેસ્ત નાબુદ કરવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ સૌપ્રથમ વખત એક ડ્રાઈવનું આયોજન કરીને 9મી જાન્યુઆરીના રોજ લોકદરબારનું આયોજન કર્યું છે. એમાં વ્યાજખોરોના ત્રાસના ભોગ બનેલા લેણદારો મુક્ત બને પોતપોતાની આપવીતી જણાવશે તો પોલીસ તંત્ર વ્યાજખોરોના ચહેરાઓ સામે સખત પગલાં લેવા તૈયાર હોવાના સંકેતો આપ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.