જાણો હાર્ટફુલનેસ સંસ્થા વિશે:ગોધરામાં SRP ગ્રુપ ખાતે ત્રિ-દિવસીય હાર્ટફુલનેશ પદ્ધતિથી ધ્યાનસત્રનું આયોજન; 200થી વધુ જવાનોએ લાભ લીધો

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા

આજના આધુનિક યુગમાં સ્ટ્રેસ ઘણા પ્રકારના છે, એટલે વ્યક્તિએ 24 કલાક લડવા કે ભાગવા તૈયાર રહેવું પડે છે. આજના સ્ટ્રેસ એવા છે કે લડવા કે ભાગવાથી તે દૂર થતા નથી, પરિણામે વ્યક્તિના વર્તન સ્વભાવ અને વલણમાં ઝડપી ફેરફાર થાય છે અને સંખ્યાબંધ શારીરિક અને માનસિક રોગો થાય છે. ત્યારે આ બધા માનસિક તાણવથી દુર રહેવા માટે ગોધરાના એસઆરપી ગ્રુપના સેનાપતિ તેજલ પટેલના માર્ગદર્શન હેઠળ તથા ડો. જયકિસન તોલારામાણીના નેતૃત્વ હેઠળ ત્રિ-દિવસીય હાર્ટફુલનેશ પદ્ધતિથી ધ્યાનસત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગોધરા એસઆરપી ગ્રુપના 200થી વધારે અધિકારીઓ અને જવાનોએ ભાગ લીધો હતો.

આંતરિક સુલેહ શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે રાજ્ય સ્થળે ઊભું કરવામાં આવેલું અર્ધ લશ્કરી સલામતી દળ એટલે એસઆરપી. જે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પોતાના પરિવારથી વિમુખ રહી પોતાની ફરજ બજાવતા હોય છે. ક્યારેક બંદોબસ્ત માટે આ જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવું પડે છે, તો ક્યાંક વીઆઈપી બંદોબસ્ત, તો ક્યાંક કોમ્યુનલ બનાવને લઈને અડીખમ ફરજ બજાવતા હોય છે. આવા સંજોગોમાં એસઆરપી ગ્રુપના અધિકારીઓ અને જવાનો માનસિક તણાવ અનુભવતા હોય છે. કેમ કે, ક્યારેક પરિવારથી અલગ તો ક્યારેક પ્રસંગોપાત અથવા તો સામાજિક કાર્યમાં જઈ શકતા નથી. 365 દિવસ સુધી પોતાની નોકરી કરતા રહેવું પડે છે.

હાર્ટફૂલનેસના ત્રિ-દિવસીય શિબિરનું આયોજન
આમ, તો એસઆરપી પોલીસના જવાનો ફિઝિકલ પરેડ, રનિંગ કસરત વગેરે તો કરતા હોય છે. પરંતુ આ બધાથી માનસિક શાંતિ મળતી નથી. માટે પ્રતિદિન માનસિક તણાવમાં પોતાનું જીવન પસાર કરવું પડે છે. જેથી આ બધી જંજાવતમાં માનસિક શાંતિ મળે તે માટે ગોધરાના એસ.આર.પી ગ્રુપ 5 ખાતે એસઆરપી પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો તથા તેમના પરિવારના લોકો માટે સ્ટ્રેસ મેનેજમેન્ટના હેતુથી હાર્ટફૂલનેસના ત્રિ-દિવસીય શિબિરનું આયોજન કરાયું છે. જેમાં હાર્ટફૂલનેશના અભ્યાસી ડો. જયકિશન તોલારામાણી દ્વારા પોલીસ અધિકારીઓ અને જવાનોના રોજબરોજના જીવનમાં તેમના કામના લીધે જે તણાવ ઉત્પન્ન થાય છે, તેના નિવારણ હેતુ ત્રિ-દિવસીય ધ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાર્ટફુલનેસ પદ્ધતિથી રિલેક્સેશન, ધ્યાન, સફાઈ અને પ્રાર્થના વગેરેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

આ સંસ્થા હૈદરાબાદ ખાતે કાર્યરત છે
હાર્ટફુલનેસ સંસ્થા જે હાલ કાન્હા શાંતિવનમ હૈદરાબાદ ખાતે કાર્યરત છે. જેમાં ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, આર.એસ.એસના સરસંઘ ચાલક ડો. મોહન રાવ ભાગવત તથા બાબા રામદેવ જેવી મહાન હસ્તીઓએ પણ આ હાર્ટફૂલનેશ કાર્યક્રમનો હૈદરાબાદ ખાતે લાભ લીધેલો છે.

શરીર અને મનને શાંતિ મળે
ગોધરા એસઆરપી ગ્રુપના ડીવાયએસપી સી.એ. પટેલે જણાવ્યું હતું કે, આમ તો અમે રોજ ફિઝિકલી પરેડ રનીંગ કસરત કરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે મેડીટેશન દ્વારા અમને જે યોગ કરવામાં આવે છે જેના કારણે ઘણા બધા માનસિક તણાવ દૂર થતા હોય છે. જેના લીધે ગમે તે પરિસ્થિતિમાં કામગીરી કરી શકે અને સમતુલા જાળવી શકે છે. શરીર અને મનને શાંતિ મળે છે.

હાર્ટફૂલનેશથી ઘણી બધી તકલીફોમાં રાહત મળી શકે
એસઆરપી ગ્રુપ ગોધરાના ડીવાયએસપી ડી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, એસઆરપીની નોકરી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ કરવા જવું પડે છે. આવા સંજોગોમાં રજા મળતી નથી, ક્યારેક વીઆઇપી બંદોબસ્તમાં તો ક્યારેક કોમ્યુનલ બનાવના લીધે ફરજ પર હાજર રહેવું પડે છે. આવા સંજોગોમાં માનસિક તણાવ અનુભવિયે છીએ. પરંતુ જ્યારે મેડીટેશન કરવામાં આવે છે, ત્યારે માનસિક સંતુલન જાળવી શકીએ છીએ અને સ્ટ્રેસ ઓછો થઈ શકે છે. માટે આપણા જીવનમાં હાર્ટફૂલનેશથી ઘણી બધી તકલીફોમાં રાહત મળી શકે છે.

હાર્ટફુલનેસ સંસ્થા શું છે?
હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ (HFI) એ એક વૈશ્વિક બિન-લાભકારી સંસ્થા છે. જે વિશ્વના 150 દેશોમાં ફેલાયેલા લગભગ 4 મિલિયન સભ્યો ધરાવે છે. આંતરિક માનવ ક્ષમતાના વિકાસને સરળ બનાવવા અને સમાજમાં ટકાઉ પરિવર્તન લાવવા માટે આરામ અને હૃદય આધારિત ધ્યાન પ્રથાઓ પ્રદાન કરતી સંસ્થા છે.

હાર્ટફુલનેસના ફાયદા શું છે?
આ પ્રેક્ટિસમાં ઊંઘની ગુણવત્તામાં સુધારો કરવામાં, તણાવ દૂર કરવામાં અને રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. તે ઘણી રીતે જીવનની ગુણવત્તાને બહેતર બનાવવામાં પણ મદદ કરે છે. તમારે હાર્ટફુલનેસ મેડિટેશન શા માટે કરવું જોઈએ તેના કેટલાક સૌથી આકર્ષક કારણો અહીં છે. જેમાં સંબંધોમાં અણબનાવ, ગુસ્સો, ચિંતા, ડર અને ડિપ્રેશન આ બધામાં પણ રાહત મળે છે.

હાર્ટફુલનેસ વિશે શું વિશેષતા છે?
હાર્ટફુલનેસ મેડિટેશનમાં ટ્રાન્સમિશનનો ઉપયોગ શામેલ હોઈ શકે છે. જે પદ્ધતિની એક વિશિષ્ટ વિશેષતા છે. જે અમને અમારા ધ્યાનના અનુભવને વધુ ઊંડો કરવામાં મદદ કરે છે અને પ્રગતિને વિસ્તૃત વેગ આપી શકે છે. ટ્રાન્સમિશનને ખૂબ જ સૂક્ષ્મ સંવેદના અથવા ઊર્જા તરીકે વર્ણવી શકાય છે. જે તેની અસરોને સમજવા માટે અનુભવવી પડે છે. પરંતુ તે આપણા હૃદયને સ્પર્શે છે અને આપણને આપણા સ્વ સાથે જોડાણ પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...