જનતાને વિકાસ કાર્યોની લહાણી:ગોધરા ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમનું આયોજન; ગોધરા-કાલોલના કુલ 4.81 કરોડના 286 કામોનું ખાતમૂહુર્ત-લોકાર્પણ કરાયું

પંચમહાલ (ગોધરા)23 દિવસ પહેલા

ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન હેઠળ રાજ્ય-જિલ્લા-પ્રાંત કક્ષાએ વિવિધ વિભાગના સહયોગથી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત જેવા લોકાભિમુખના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત આજ રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત બી.આર.જી.એફ હોલ ખાતે ધારાસભ્ય સી.કે.રાઉલજીની અધ્યક્ષતામાં પ્રાંત કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અત્રે વિવિધ મહાનુભાવો અને પદાધિકારીઓની ઉપસ્થિતીમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોના સ્વાગત થકી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય સી કે રાઉલજીના હસ્તે જિલ્લાના વિવિધ વિકાસના કાર્યોની તકતીનું લોકાર્પણ કરાયું હતું. ઉપસ્થિત તમામ લોકોએ વિશ્વાસથી વિકાસ યાત્રા ફિલ્મને નિહાળી હતી.

પંચમહાલ જિલ્લામાં વિશ્વાસથી વિકાસ યાત્રા પ્રાંત કક્ષાના કાર્યક્રમમાં 3 કરોડ 16 લાખ 90 હજાર રૂપિયાના કુલ 202 કામોનું ખાતમૂહુર્ત અને 1 કરોડ 64 લાખ 10 હજાર રૂપિયાના 84 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ કુલ 4 કરોડ 81 લાખના 286 કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય સી કે રાઉલજીએ પોતાના ઉદ્દબોધનામાં જણાવ્યું હતું કે છેલ્લા વીસ વર્ષના સમયગાળામાં જિલ્લામાં સિંચાઇ,આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે અનેક વિકાસના કાર્યો થયા છે. તેમણે પાનમ વિસ્તારમાં સિંચાઇ માટે જણાવ્યું કે અગાઉ 324 કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવાઇ હતી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પંચમહાલની મુલાકાત લઈ આ વિસ્તારમાં સિંચાઇ માટે વધુ 128 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. આનાથી સિંચાઇ ક્ષેત્રે છેલ્લા 15 વર્ષથી ચાલી આવેલ સમસ્યાને હલ કરવામાં આવી છે. સરકાર તરફથી ગોધરા ખાતે ટ્રાફિકની સમસ્યાને હલ કરવા ઓવબ્રિજ, રેલ્વે ઓવરબ્રિજ સહિતના કાર્યો માટે 118 કરોડની માતબર રકમ ફાળવાઇ છે. પંચમહાલ જિલ્લો આરોગ્ય ક્ષેત્રે આત્મનિર્ભર બને તેના અનુસંધાને રૂપિયા 141 કરોડના ખર્ચે નવીન મેડિકલ કોલેજની મંજૂરી મળી છે. શિક્ષણ માટે વિજોલ મુકામે 100 એકર જમીનમાં યુનિવર્સીટી માટેનું કાર્ય પૂર્ણ થવાના આરે છે. આજે આયુષ્યમાન યોજના થકી જિલ્લાના દરેક વ્યક્તિને 5 લાખનું વિમા કવચ મળ્યું છે. ગોધરા ખાતે નવીન ટાઉનહોલ માટે 5 કરોડની રકમ મંજૂર થયેલી છે. નળ સે જળ યોજના અંતર્ગત જિલ્લામાં 80 ટકા કાર્ય પૂર્ણ થયેલ છે. સરકાર તરફથી છેવાડાના વ્યક્તિ અને દરેક કુટુંબની ચિંતા કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત તરફથી શાબ્દિક સ્વાગત અને શ્રી ભાભોર તરફથી આભારવિધિ કરવામાં આવી હતી. આજના આ પ્રસંગે કાલોલ ધારાસભ્ય સુમનભાઈ ચૌહાણ, ગોધરા તાલુકા પંચાયત પ્રમુખ સુનિતાબેન બારીયા, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત દંડક અરવિંદસિંહ પરમાર, ગોધરા અને કાલોલ તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...