ગોધરા શહેરમાં વર્ષ 2007થી કેન્દ્રીય વિદ્યાલય શરૂ થઇ હતી. ગોધરામાં કેન્દ્રીય વિદ્યાલય બે સ્થળે પટેલવાડા અને દલુનીવાડીમાં ચાલી રહી છે. કેન્દ્ર સરકારમાં રજૂઆત કરતા વર્ષ 2016માં ગોધરા પાસેના અબ્રાહમ પટેલના મુવાડા પાસે 7.70 એકર જમીન સરકારે એક રૂપિયાના ટોકનથી કોઇ પણ જાતના ચાર્જ નહીં ભરવાની શરતે શૈક્ષણિક હેતુ માટે આપી હતી. પણ બિલ્ડીંગની કામગીરી 6 માસ સુધી ચાલુ થઇ ન હતી. બાદમાં કોરોના લીધે લોકડાઉન હોવાથી જમીન પર બિલ્ડીંગ સમય મર્યાદામાં ન બનાવાતા ફરીથી રીવ્યુ અરજી કરી હતી.
પણ રાજ્ય સરકારના રેવન્યુ વિભાગે વિદ્યાલયની જમીન માટે રૂા.51,89,480નો કર ભરવાની નોટિસ આપી હતી. રેવન્યુ કરની ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતાં રાજ્ય સરકારે વર્ષ 2023 સુધીમાં નવું બિલ્ડીગનું કામ શરૂ કરવા જણાવ્યું હતું. જ્યારે કેન્દ્રીય વિદ્યાલયની જમીનની ફેર માપણીમાં વિદ્યાલયની જમીન 7.70 એકરમાંથી 0.35 એકર જતી રહેતા 7.35 એકર સર્વેયરે કરી દેતા આચાર્ય દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.
તેમજ બિલ્ડીંગ બનાવવા પાલિકા પાસે મંજૂરી માગતાં પાલિકા દ્વારા સૂચિત ટી.પી.અેસમાં અબ્રાહમ પટેલના મુવાડા વાળી જમીન આવતા હાલ પરમિશન મળી શકે તેમ નહિ તેવું આચાર્યે જણાવ્યું હતું. આમ કેન્દ્રીય વિદ્યાલયની જમીન ફાળવ્યાને 5 વર્ષ થયા હોવા છતાં બિલ્ડીંગ બનાવવામાં કોઇને કોઇ અડચણ આવતાં વિદ્યાલયનું બિલ્ડીંગ બનવામાં વિલબ થઇ રહ્યો છે. જ્યારે જિલ્લા કલેક્ટરે કેન્દ્રીય વિદ્યાલયને જમીનનો વહેલી તકે નિરાકરણ લાવીને બિલ્ડીંગનું કામ ચાલુ થઇ જશે તેમ કહ્યુ હતું.
નવી પ્રક્રિયામાં સમય થશે તો ફરીથી દિલ્હીથી મંજૂરી મેળવવી પડશે
કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય દ્વારા જણાવ્યું કે બિલ્ડીંગ બનાવવાનો કોન્ટ્રાકટ વર્ષ 2021માં અપાઇ ગયો છે. ત્યારે સર્વેયરે જમીનમાં કાપ મુકતા નવી પ્રક્રિયા કરતાં સમય થશે તો કોન્ટ્રાકટર જૂનો ભાવ રદ કરશે તો નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવી દિલ્હીથી મંજૂરી મેળવવી પડશે. તેમજ કેન્દ્રીય વિદ્યાલયની જમીનથી લઇને બિલ્ડીંગની પરમિશનને લઇને સ્થાનિક પ્રસાશનના સહયોગ આપતો ન હોવાનું જણાવેલ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.