મહીસાગર બન્યું મિનિ સુરત:મહીસાગર જિલ્લામાં જ હીરા ઘસવાના 50થી વધુ ધમધમતા કારખાના

ગોધરા,લુણાવાડા2 મહિનો પહેલાલેખક: પ્રતિક સોની
  • કૉપી લિંક
  • કોરોના બાદ વતન આવેલા કારીગરોએ જ સાહસ ખેડ્યું : 1500 કામદારો રોજના 20 હજાર હીરા ઘસે છે

રોજગારી માટે એક માત્ર હિજરત જ વિકલ્પ હોય તેવા આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં હજારો શ્રમીકો સુરત હિરા ઘસવા જતાં હતાં. જોકે બાદમાં કોરોનાના કપરાકાળમાં રોજગારીનો પ્રશ્ન સર્જાતાં લોકોએ જાતે જ ઘંટી શરૂ કરીને સ્થાનિક સ્તરે રોજગારી શરુ કરીને સામાજિક પ્રસંગો સાચવવાની સાથે રોજગારી પણ સચવાઇ રહી છે. દાહોદમાં હિરા ઘસવાની ઘંટીઓ કાર્યરત હોવાની સાથે મહિસાગર જિલ્લામાં પણ હિરાના કારખાનાં માટેનું મીની સુરત બન્યું છે. જિલ્લામાં હિરા ઘસવાના 50 થી વઘુ કારખાનાં આવેલા છે.

જિલ્લામાં હીરા ઘસવાના કારખાના આમ તો છેલ્લા 10 થી 15 વર્ષથી ચાલે છે. પણ કોરોના બાદ 35 જેટલા વધુ કારખાનાં શરૂ થતા સ્થાનીક યુવાનોને સ્થાનિક સ્તરે રોજગારી મળે છે. જિલ્લામાં 50થી વધુ કારખાનામાં રોજ 20 હજાર જેટલા હીરાને ઘસીને સુરત મોકલવામાં આવે છે.

મહિસાગરમાં મીડીયમ હીરાનું કામ થયા છે. જેમાંથી મોટાભાગના હીરા ચાઇના સહિત વિદેશોમાં જાય છે. હિરા ઘસવાના કારખાનાંમાં કુલ 1500 જેટલા રત્ન કલાકારો કામ કરીને રોજગારી મેળવે છે. કોરોના મહામારીમાં લોકડાઉન બાદ મહિસાગર જિલ્લાના 700 જેટલા કારીગરો સુરતને બદલે મહિસાગરમાં હીરા ઘસવાનું કામ શરૂ કર્યુ હતું. જે હાલમાં ધમધમી રહ્યુ છે.

હિરાનું 25 ટકા કામ સૂરતમાં થયા બાદ 75 ટકા કામ મહિસાગર જિલ્લામાં કરવામાં આવે છે. રોજ એક કારીગર 100 થી 150 ડાયમંડનું કામ કરીને મહિને 10 થી 12 હજારની કમાણી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. હીરાના કારખાનાંના સંચાલકોને સરકાર તરફથી યોગ્ય માર્ગદર્શન સાથે સહાય આપવામાં આવે તો મહિસાગર હીરા ઘસવાનું સુરત બાદ મુખ્ય કેન્દ્ર બની શકે તેમ છે.

હીરાનું 75% કામ મહીસાગરમાં થાય છે
મહિસાગરમાં લીમડીયા ચોકડી પર 16, વડાગામમાં 11, વિરપુર તાલુકામાં 5, બાકોરમાં 2, લુણાવાડામાં 5, મુનપુરમાં 1, કડાણામાં 1, મલેકપુરમાં 1 તથા વરધરી સહિત જિલ્લામાં 50 થી વધુ હિરા ઘસવાના કારખાનાં આવેલા છે. કારખાનામાં એક હિરો ત્રણ રત્નકારોના હાથમાંથી પસાર થઇને તૈયાર થયા છે. સૂરતથી 25 ટકા કામ કરીને ઘાટ વાળો મિડીયમ ડાયમંડ મહિસાગર આવ્યા બાદ રત્નકાર ડાયમંડના મથાળાં કરવાના 4.50 થી 6 રૂ, પેલ કાપવાના 4.30 થી 6 રૂ તથા તળીયાનું કામ 7 થી 9 રૂ સુધીનું કામ કરીને 75 ટકા હીરાનું કામ પુર્ણ કરે છે. રત્નકારો રોજ 100 થી 150 હિરાનું કામ કરે છે.

મહિસાગરમાં કેમ કારખાનાં ખુલ્યા ?
કોરોનામાં સૂરતના રત્ન કલાકારો બેકાર થતાં વતન આવીને 25 હજારમાં હીરા ઘસવાની ઘંટી લઇને કારખાનાં શરૂ કર્યા હતાં. સ્થાનિક યુવાનોને 15 દિવસમાં કામ શિખવીને તૈયાર કરે છે. સૂરત કરતા ઓછી મજુરી હોવાથી વઘુ કારખાનાઓ શરૂ થયા.

કોરોના બાદ 700 કારીગરોને વતનમાં રોજગાર મળ્યો
અમે મહિસાગરમાં છેલ્લા 12 વર્ષથી હીરા ઘસવાના કાખાનાં ચલાવીએ છે. લોકડાઉન બાદ 700 જેટલા કારીગરો પાછા આવતાં જિલ્લામાં વઘુ 35 કારખાનાં શરૂ થતાં તેઓને રોજગાર મળ્યો. જિલ્લામાં 50 કરતાં વધુ કારખાનાંમાં 1500 જેટલા સ્થાનિક યુવાનોને રોજી મળે છે. અહિ સૂરતથી મીડીયમ ડાયમંડનું કામ આવે છે. રોજ 20 હજાર જેટલા ડાયમંડ ઘસાય છે. ચાઇના અને તાઇવાનના યુધ્ધના ભણકારને લઇને હાલ માલ ઓછો આવી રહ્યો છે. અહિં 500 રૂ કેરેટથી લઇને એક લાખ રૂપિયા કેરેટ સુધીના હીરાનું કામ થયા છે. > નરેશભાઇ ડીમાણી, હીરાના કારખાનાંના માલીક

અન્ય સમાચારો પણ છે...