ગોધરા શહેરમાં આવેલા કનેલાવ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે સિનિયર સિટીઝન મહિલાઓ માટે ખાસ રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ સ્પર્ધામાં જિલ્લાના 100થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ભાગ લેનાર બહેનોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજ્યના નાગરિકો શારીરિક રીતે મજબૂત બને તેમજ રમત ગમત ક્ષેત્રે ગુજરાતના નાગરિકો પણ અવ્વલ રહે તે માટે રાજ્ય સરકારના રમતગમત વિભાગ દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રમત ગમત ક્ષેત્રે યુવાનો અને યુવતીઓની સાથે સાથે સિનિયર સિટીઝન મહિલાઓ પણ સંકળાય તે માટે સરકારના રમતગમત વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, ગોધરા શહેરના કનેલાવ ખાતે આવેલા જિલ્લા રમતગમત સંકુલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ તથા G20 સમિટ અંતર્ગત મહિલા દિન સપ્તાહની ઊજવણી પ્રસંગે સિનિયર સિટીઝન મહિલાઓ માટે વિશેષ રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પંચમહાલ જિલ્લા રમતગમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા સમગ્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિનિયર સિટીઝન મહિલાઓ માટે એથલેટિક્સ, રસ્સાખેંચ, ચેસ, યોગાસન અને ગોળાફેંક જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાની 100 ઉપરાંત મહિલાઓએ વિવિધ રમત સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. વિજેતા થયેલા બહેનોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ કું.કામિનીબેન સોલંકી સહિતના મહિલા મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.