ફાગણ સુદ પૂનમનો તહેવાર સમગ્ર ભારતમાં હોળી પર્વ તરીકે માનાવવામાં આવે છે. ત્યારે મધ્ય ગુજરાતના દાહોદ પંચમહાલ જિલ્લામાં પણ હોળી પર્વની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હોળી પર્વનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે અને પર્વને લઈને એક અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. હોળી પર્વને આડે માત્ર હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. હોળીના તહેવારને લઈને ગોધરા સહિત જિલ્લાના અન્ય તાલુકાઓ અને બજારમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે, ત્યારે હોળીના પર્વને અનુલક્ષીને વ્યાપારીઓએ પોતાની દુકાનોમાં ખજૂર અને હારડાનો સ્ટોક ભરી દીધો છે.
સાથે સાથે ધાણી, ગોળ, ચણા પણ બજારમાં વેચાઈ રહ્યા છે અને તેને ખરીદવા ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ઉમટી પડ્યા છે. જોકે ગત વર્ષ કરતાં ખજૂર હારડાના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે તેવું વેપારીએ જણાવ્યું હતું. પંચમહાલ જિલ્લામાં આવેલા ઘોઘંબા મોરવા હડફ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેલી આદિવાસી પ્રજા માટે હોળીનો તહેવાર આગવું મહત્ત્વ આપે છે અને અન્ય તહેવારો ભલે વતનમાં ન ઉજવાય પરંતુ હોળીનો તહેવાર તો વતનમાં જ ઉજવવો એવું તેમનું કહેવું છે. ખાસ કરીને અહીંના આદિવાસી વિસ્તારના લોકો સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ મજૂરીકામ માટે જતા હોય છે અને હોળીના તહેવાર ઉજવવા પોતાના માદરે વતન પાછા ફરી રહ્યા છે.
હોળીના બીજા દિવસે ઉજવાતા ધુળેટી તહેવારનું પણ અનોખું મહત્ત્વ છે. ત્યારે ગોધરા સહિત જિલ્લાના અન્ય તાલુકા નગરોમાં અવનવી પિચકારીઓ તેમજ રંગો ગુલાલની પણ દુકાનો ખુલી ગઈ છે. આજકાલ બંદૂક વાળી પિચકારીઓ બાળકોમાં ખૂબ જ પ્રિય બની છે. ધુળેટી નજીક આવતા તેની ખરીદીમાં વધારો થઈ રહ્યો છે તેવું પિચકારીઓના વેપારીઓનું કહેવું છે. પંચમહાલના ગ્રામ્ય વિસ્તારોમાં તો રંગથી ધુળેટી ઓછી રમાય અને કેસુડાના દેશી રંગથી ધુળેટી રમાય છે. બજારોમાં મળતા રંગોમાં કેમિકલ હોવાના કારણે તે શરીરની ચામડીને નુકસાન કરે છે. જ્યારે કેસુડાના રંગથી કોઈ શરીરને ચામડી કે નુકસાન થતું નથી. ઉલ્ટા ચામડીના રોગો મટી જાય છે.
હોળીના તહેવાર તો ખાસ કરીને ઘઉંની સેવ ખાવાની પણ બોલબાલ છે. ગોધરા જેવા શહેરી વિસ્તારોમાં તો સોસાયટી ફળિયાની બહેનો ભેગા મળીને ઘઉંની સેવ વણતી હોય છે. અત્યારે તો બજારોમાં તૈયાર ઘઉંની સેવ પણ વણેલી જોવા મળી રહે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ હોળીના દિવસે ઘઉંની સેવ વણીને તેની લીજ્જત માણવાની મજા લેતા હોય છે. હાલ ગ્રામ્ય વિસ્તારોમાં નગારાઓની ગુંજ, હોળીના આગમનના વધામણા કરી રહ્યા છે.
પંચમહાલ જિલ્લો આમ તો વિકાસશીલ જિલ્લો કહેવામાં આવે છે. જિલ્લાના આદિવાસી વિસ્તારોમાંથી કેટલાક પરિવારો કામ ધંધા માટે સૌરાષ્ટ્રના શહેરોમાં કે પછી સુરત, અમદાવાદ તરફ જતા હોય છે અને પોતાનું પેટિયું રબતા હોય છે. પણ હોળીનો તહેવાર ઉજવણી તો પોતાના વતનમાં આવીને જ ઉજવતા હોય છે. હાલમાં હોળીનો તહેવાર નજીક હોવાથી આદિવાસીઓ વતન વાપસી કરી રહ્યા છે તેને લઈને ગોધરા એસટી ડેપો પર પણ વતન વાપસી કરતાની ભીડ જોવા મળી રહી છે. પોતાના વતનમાં આવીને હોળીના પર્વને ઉજવવાનો થનગનાટ અત્યારથી જ જોવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.