પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય જયદ્રહસિંહજી પરમાર તથા સમિતિના સંલગ્ન અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ ગત તથા અગાઉની મીટીંગમાં અધ્યક્ષસ્થાનેથી ચર્ચાયેલ કામગીરીની પ્રગતિ, એક્સટેન્સન રિપોર્ટ, જે તે કચેરીને સીધી મળેલ પડતર અરજીઓના નિકાલ, વિવિધ યોજનાઓ તથા તેના લક્ષ્યાંકો, લોકાભિમુખ વહીવટ, નાગરીક અધિકાર પત્રની અરજીઓ, જિલ્લાના તાકિદના પ્રશ્નો, સરકાર તરફથી વિવિધ કચેરીઓને સોંપાયેલ 100 દિવસની કામગીરીની પ્રગતિ વગેરે વિષયો પર જરૂરી સલાહ સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં ધારાસભ્ય જયદ્રહસિંહજી પરમાર દ્વારા ગત પ્રશ્નો બાબતે વિવિધ ખાતાઓએ કરેલ કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં અગાઉના વીજળી, જમીન દસ્તાવેજ, પાણી, આરોગ્યને લગતા પ્રશ્નો, કામદારોના પ્રશ્નો બાબતે થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે મદદનીશ શ્રમ આયુકત એમ.જે.સોનીએ જિલ્લામાં ઈ-શ્રમ પોર્ટલ પર થયેલ કામગીરીની વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લામાં અત્યારસુધી જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં 3 લાખ 80 હજારથી વધુ લોકોના ઈ-શ્રમ કાર્ડ નીકાળવામાં આવ્યા છે. દરેકના ઈ-શ્રમ કાર્ડ સમયમર્યાદામાં નીકળી જાય તેવા પ્રયાસો હાથ ધરવા તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક જિલ્લા કલેક્ટર એમ.ડી.ચુડાસમાએ કર્યુ હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયા, સર્વ પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.