ગોધરામાં વરસાદનું રૌદ્ર સ્વરુપ:મોટા ભાગના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં; ઘરવખરી સહિત વાહનો પણ પાણીમાં ગરકાવ

ગોધરા3 મહિનો પહેલા
  • પીવાના પાણી માટે પણ રહીશોનો ભારે સંઘર્ષ
  • ગોધરામાં 4 અને જાંબુઘોડામાં 3.5 ઇંચ, જિ​​​​લ્લામાં સિઝનનો કુલ 51 ટકા વરસાદ

પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદના કારણે ગોધરા શહેરમાં પણ તેની અસર જોવા મળી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં વરસાદને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. શહેરના સિધુરી માતા મંદિર તેમજ ખાડીફળિયા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં જવાના માર્ગ ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત રહી હતી. ત્યારે તેનો કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.

સંપૂર્ણ રહેણાંક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે
સંપૂર્ણ રહેણાંક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે

ચિત્રાખાડી વિસ્તારની કફોળી સ્થિતિ
ગઈકાલે રાત્રિના સુમારે 95 મી.મી જેટલો વરસાદ નોંધાયો હતો. જેના કારણે પશ્ચિમ વિસ્તારમાં આવેલી સોસાયટીઓ વરસાદથી ભારે પ્રભાવિત થયા હતા. વરસાદની સૌથી વધારે અસર ગોધરાના ખાડીફળિયા વિસ્તારમાં જોવા મળી હતી. જેમાં આવેલ ચિત્રાખાડી વિસ્તાર પાણીમાં અડધો ગરકાવ થઈ ગયો હતો, એટલું નહીં પણ સોસાયટીમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ફરી વળતાં ઘરવખરી પણ પલળી જવાથી ભારે નુકસાન થયું હતું, અને આજુબાજુના સોસાયટીના લોકોના રીક્ષા સહિતના સાધનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

અમુક રહીશોના પૂરેપૂરા ઘર પાણીમાં સમાઈ ગયા હતા
અમુક રહીશોના પૂરેપૂરા ઘર પાણીમાં સમાઈ ગયા હતા

પાણીનો વ્યવસ્થિત નિકાલ કરવાની રહીશોની માગ
સ્થાનિક લોકોએ દિવ્ય ભાસ્કરની ટીમ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ભલે અમારા ઘરવખરી સામાનનું નુકસાન થયું, અમારે કોઈ સહાય નથી જોઈતી, પણ બસ અમારો એક જ અવાજ અમારા વિસ્તારમાં પાણીનો નિકાલ કરી આપો. 20 વર્ષથી આ સમસ્યા વેઠી રહ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના નક્કર પગલાં લેવામાં આવતા નથી. સ્થાનિક ચુંટાયેલા સભ્યો આવે છે અને આવી ને જતા રહે છે. અમારા બાળકો બીમાર પડી જાય છે અને વારંવાર દવાખાનામાં લઇ જવા પડે છે. ચુંટણી વખતે ખાલી વોટ લેવા માટે સ્થાનિક કોર્પોરેટર આવે છે અને વોટ લઈ પાંચ વર્ષ સુધી જોવા મળતા નથી. બીજી બાજુ વરસાદના વધારે પ્રવાહના લીધે રાત્રિ દરમિયાન ઝેરી જીવજંતુઓ નીકળે છે જેના લીધે રોગચાળો ફાટવાનો ડર રહે છે.

લોકો પાસે પિવાનું પાણી સમાપ્ત થઈ ગયુ છે જેથી પિવાલાયક પાણીની સમસ્યા ઉભી થઈ છે
લોકો પાસે પિવાનું પાણી સમાપ્ત થઈ ગયુ છે જેથી પિવાલાયક પાણીની સમસ્યા ઉભી થઈ છે

અન્ય એક રહીશે જણાવ્યું હતું કે સરકાર તરફથી ફાળવવામાં આવેલા પૈસાથી અહીંયા કોઈ વિકાસના કામ થતા નથી. અવાર-નવાર પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે ગોધરા નગરપાલિકા દ્વારા 70 થી 80 લાખ રૂપિયા ગટર લાઈન બનાવવા માટે પાસ કરવામાં આવ્યા છે પણ ગ્રાઉન્ડ લેવલે કોઈ પણ કામ હાથ ધરવામાં આવ્યુ નથી.

અન્ય સમાચારો પણ છે...