જાહેરનામું પ્રસિધ્ધ:ગોધરા પાલિકાને વાવડી બુઝર્ગ, ભામૈયા તથા ચિખોદ્રા પંચાયતનો ચાર્જ સોંપવા જિ.પં.ને પત્ર

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઇકોર્ટમાં પંચાયતની પિટિશન ડિસમિસ કરવાના હુકમથી પાલિકામાં સમાવેશ થશે
  • વાવડી, ભામૈયા, ચિખોદ્રાને પાલિકામાં લેવા વર્ષ 2015માં નોટિફિકેશન જાહેર કર્યુ હતું
  • વહીવટી ચાર્જની મંજૂરી મળ્યા બાદ સરપંચ તથા સભ્યોની સત્તાનો અંત અાવશે
  • પાલિકાઅે ગ્રામ પંચાયતમાં ~6.5 કરોડનો ખર્ચ કરીને વિવિધ સુવિધાઅો અાપી હતી

વર્ષ 2015ના 13 અોગસ્ટના દિવસે ગોધરા શહેરની આસપાસની વાવડી, ભામૈયા, ચિખોદરા ગ્રામ પંચાયતની અંદાજીત 20 હજાર વસ્તીને નગર સેવાસદનમાં સમાવેશ કરવાનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં અાવ્યું હતું. જેની અમલવારી હેઠળ તાલુકા પંચાયત દ્વારા વિધિવત દરખાસ્ત મોકલાવીને સંમતિ અસંમતિ માંગતાં વાવડી, ભામૈયા, ચીખોદરાના સરપંચ તથા સભ્યો દ્વારા વિરોધ દર્શાવીને હાલના પંચાયતી વિસ્તારમાં રહેવુ મુનાસીબ માન્યુ હતુ. જેમાં - 3 ગ્રામપંચાયતને પાલિકામાં સમાવેશ કરવાની હિલચાલ સામે વિરોધ કરીને અસંમતિનો ઠરાવ કરીને વર્ષ 2016માં હાઇકોર્ટમાં ગયા હતા.

હાઇકોર્ટમાં વાવડી બુઝર્ગ, ભામૈયા તથા ચિખોદ્રા ગામના અમુક સર્વેને પાલિકાના સમાવેશ નહિ કરીને સ્ટેની માંગણી કરી હતી. સુનાવણી ચાલતી હોવાથી કોર્ટે 1/9/2022 સુધીનો પાલિકામાં સમાવવાનો સ્ટે અાપ્યો હતો. હાઇકોર્ટના સીંગલ બેચમાં કરેલી પિટિશન દાખલ કરતાં જેની તબ્બકાવાર સુનાવણીઅો થઇ હતી. બાદમાં ચિખોદ્રાની પીટીશન પાછી ખેંચી લેવામાં અાવી હતી.

જયારે વાવડી બુઝર્ગ અને ભામૈયા ગ્રામ પંચાયતની પીટીશનની સુનાવણી દરમ્યાન પાલીકાના વકીલ દ્વારા પાલિકા દ્વારા વર્ષ 2016થી અત્યાર સુધી વાવડી સહીતની ગ્રામ પંચાયતમાં રસ્તા, પાણી, ભુગર્ભ ગટર સહીતની સુવિધાઅો અાપીને રૂા.6.5 કરોડની ગ્રાન્ટ વાપરી હોવાના પુરાવા સાથેની દલીલ કરી હતી. જેના કારણે કોર્ટે 1/9/22 સુધીનો સ્ટે વધુ 4 અઠવાડીયા લંબાવવાની વાવડી અને ભામૈયાની અરજી ફગાવીને તેઅોની પીટીશન ડીસમીસ કરી દેવામા અાવી હોવાનો હુકમ કર્યો હતો.

જે અોર્ડરની કોપી પાલીકામાં અાવતાં પાલિકા તંત્ર અેક્ટિવ થઇને વાવડી બુઝર્ગ, ભામૈયા તથા ચિખોદ્રા ગામનો વહીવટ સોપવા પાલિકાઅે જિલ્લા પંચાયતને લેખીતમા જાણ કરી હતી. ત્યારે ગોધરા નગર પાલિકાની 1.44 લાખની વસ્તીમાં વધુ 3 ગ્રામ પંચાયતની વસ્તી ઉમેરાતાં પાલિકાની વસ્તીમાં વધારો થશે. જયારે બીજી બાજુ 3 ગ્રામ પંચાયત પાલિકામાં સમાવેશના હીલ ચાલને લઇને રાજકીય ચર્ચાઅો પણ ઉઠી હતી.

પાલિકામાં સમાવેશ થતાં ફાયદા- નુકસાન

ફાયદાે
ગ્રામ્ય વિસ્તારના પાણી, સ્ટ્રીટલાઇટ, ગટર વ્યવસ્થા, રસ્તા જેવી પ્રાથમિક સુવિધાની સવગડ સમયસર મળતી થશે. જયારે સરકાર દ્વારા યોજના અનુસાર જાહેર કરાતી ગ્રાન્ટ મળશે. અને શહેરના અન્ય વિસ્તારમાં વિવિધ વિકાસ કામો હાથ ધરાશે. સાથે સરકારની આવાસ સહિતના કામો કરવામાં મદદરૂપ થવામાં ફાયદો થશે. આમ, પંચાયતોને પાલિકામાં સમાવેશ કરવાથી આ પ્રકારના લાભ થઇ શકે છે.

નુકસાન

ગ્રામ્ય વિસ્તારના ગામોનુ અંતર લાંબુ છે. તેમજ ગ્રામ્ય કક્ષાના ખેડૂતો ખેતી ઉપર આધારિત હોઇ આવનાર સમયમાં પાલિકામાં તેઓનો સમાવેશ થાય તો મસમોટી રકમ કરવેરા, મકાનવેરા, પાણીવેરો, લાઇટવેરો, સફાઇ વેરો ભરવા અસક્ષમ છે. જેથી તેઓને નગરપાલિકામાં સમાવેશ કરતા અાર્થિક ભારણ વધશે. ગ્રામ્ય વિસ્તારના કામો માટે છેક ગોધરા આવવું પડશે.

પંચાયત પર પાલિકાનો હક થશે
હાઇકોર્ટમાંથી પીટીશન ડીસમીસ થયાના હુકમ તથા સરકારના નોટીફીકેશનની કોપી સહીત વાવડી બુઝર્ગ ગ્રામ પંચાયત, ભામૈયા ગ્રામ પંચાયત તથા ચિખોદ્રા ગામનો વહીવટી ચાર્જ પાલિકાને સોપવા લેખીતમાં જાણ કરી છે. જિલ્લા પંચાયતમાંથી મંજુરી મળ્યા સરપંચ તથા સભ્યોની સત્તાનો અાપોઅાપ અંત અાવશે અને સમાવેશ કરેલી ગ્રામ પંચાયત પર પાલિકાનો હક થઇ જશે. નવા સમાવેશ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઅો સહીતનો વિકાસ કરીશું.> અાર.અેચ.પટેલ, ચીફ અોફિસર, પાલિકા

​​​​​​​ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોની સત્તાનો અંત અાવશે
જિલ્લા પંચાયત વાવડી બુઝર્ગ તથા ભામૈયા ગ્રામ પંચાયત તથા ચિખોદ્રા ગામને પાલિકા હસ્તક થઇ જશે તો 3 ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોની સત્તાનો અંત અાવશે. ગ્રામ પંચાયતની અોફિસ પર પાલિકાના બોર્ડ લાગી જશે. હાલ હાઇકોર્ટની સીંગલ બેચે હુકમ કર્યો છે. જો હુકમને ડબલ બેચમાં પડકારશે તો પાછો કાયદાની અાંટાઘુટીમાં વધારે સમય બરબાદ થઇ શકે તેમ છે. સરકારી પ્રક્રીયા પુર્ણ થયા બાદ 3 ગ્રામ પંચાયત પાલિકા હસ્તક થશે તેના પડધા અાવનારી વિધાનસભામાં પણ સંભળાઇ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...