વિસર્જનમાં ટ્રાફીક વ્યવસ્થાને લઈ જાહેરનામું:ગોધરામાં ગણેશ વિસર્જનને અનુલક્ષીને એસટી વિભાગ દ્વારા લાલબાગ બસ સ્ટેન્ડને ભુરાવાવ ખસેડાયું; જાણો શું હશે નવો રૂટ

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા

ગોધરામાં સોમવારે બાપા મોરયાના ગગનભેદી નાદ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે રિદ્ધિ સિદ્ધિના સ્વામી ગણપતિ ગજાનંદને શોભયાત્રા સ્વરૂપે ભાવભરી વિદાય આપવામાં આવનાર છે. ત્યારે વિસર્જનને લઈને નીકળનાર શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો જોડાનાર છે. જેથી પોલીસતંત્ર અને નગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જનને લઈને રામસાગર તળાવ પાસે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. સાથે કાયદો અને વ્યવસ્થાને અનુલક્ષીને પોલીસ દ્વારા ઠેર-ઠર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે ગણેશ વિસર્જન યાત્રાને અનુલક્ષીને ગોધરા એસટી વિભાગ દ્વારા લાલબાગ બસ સ્ટેન્ડને એક દિવસ માટે ગોધરાના અમદાવાદ હાઇવે ઉપર આવેલ ભૂરાવાવ એસ.ટી વર્કશોપ ખાતે ખસેડવામાં આવેલ છે.

જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યુ
આવતીકાલે ગોધરા શહેર ખાતે ગણેશ વિસર્જન સમયે ટ્રાફીક જામ ન થાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મા.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, પંચમહાલ, ગોધરા દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાં અનુસાર તા.૦૫/૦૯/૨૦૨૨ ના રોજ સવારના ૦૮.૦૦ કલાકથી સાંજના ૧૭:૦૦ કલાક સુધી કામચલાઉ ધોરણે એક દિવસ માટે લાલબાગ એસ.ટી.બસ સ્ટેન્ડને અમદાવાદ હાઇવે ઉપર આવેલ ભૂરાવાવ વિભાગીય માંત્રાલય સામે ડેપો વર્કશોપ ખાતે ખસેડવામાં આવેલ છે. જેની જાહેર જનતાને વિભાગીય નિયામક દિનેશભાઈ જેઠવાએ જણાવેલ છે.

વાહનોની અવરજવર માટે ડાયવર્ઝન
ગોધરા શહેરમાં વિસર્જનના દિવસે વિશ્વકર્મા ચોક ખાતે વિસર્જનમાં ભાગ લેવા સવારથી તમામ વિસ્તારોમાંથી ગણેશ મંડળો ગણેશજીની પ્રતિમા તથા ડી.જે. સાથે વહેલી સવારથી સ્થાપના સ્થળેથી વિસર્જનના સ્થળે જનાર છે. જેને જોવા વિશાળ જનસમુદાય પગપાળા અને વાહનોમાં અવરજવર કરતા હોઈ તે કારણસર ગોધરા શહેરના તમામ રોડ ઉપર ટ્રાફીક જામની પરિસ્થિતિ સર્જાય છે. આ દરમિયાન ગોધરા શહેરના તમામ વાહનો અને શહેરમાં પ્રવેશતા વડોદરા, દાહોદ અને અમદાવાદ જિલ્લા તરફથી આવતા વાહનોથી ટ્રાફીકની સમસ્યા વિકટ બનતી હોઈ ગોધરા શહેરમાં ગણેશ વિસર્જનના દિવસે ગોધરા શહેરમાં આવતા વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયો છે અને વાહનોની આવ-જાવ માટે ડાયવર્ઝન આપવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.

ગોધરા શહેરમાં નીચે મુજબ વાહનવ્યવસ્થા નક્કી કરાઈ છે
(૧) વડોદરા, દાહોદ તથા અમદાવાદ જિલ્લા તરફથી આવતા તમામ પ્રકારના વાહનોનો ગોધરા શહેરમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ રહેશે.
(૨) ગોધરા શહેરમાં લુણાવાડા તથા અમદાવાદ તરફ જતાં વાહનોનું ડાયવર્ઝન તૃપ્તિ હોટલથી બાયપાસ, પરવડી ચોકડી, પોપટપુરા ઓવરબ્રીજયી રહેશે.
(૩) એસ.ટી. બસો તથા ગોધરા શહેરના વ્યક્તિઓ તથા અન્ય બહાર ગામથી ગોધરા શહેરમાં આવતા-જતાં વ્યક્તિઓના વાહનો કંકુથાંભલા બાયપાસ ચોકડીથી ગોવિંદી ગામ થઈ એફ.સી.આઈ,ગોડાઉન થઈ ગોધરા-ભુરાવાવ આવ-જાવ કરી શકશે. ગોધરા ભુરાવાવથી પોપટપુરા ઓવરબ્રીજ સુધી એસ.ટી.બસો તથા ખાનગી વાહનો જઈ શકશે. પોપટપુરા ઓવરબ્રીજથી ભુરાવાવ ગોધરા તરફના રોડ ઉપર કોઈ પણ વાહન કે એસ.ટી.બસ આવી શકશે નહી.
(૪) લાલબાગ બસ સ્ટેન્ડથી રવિ કોર્પોરેશન તરફ જતાં નગરપાલિકાના રોડ પર તમામ પ્રકારના ખાનગી વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ રહેશે. આ રોડ ઉપર ફક્ત લાલબાગ પાસે તળાવમાં ગણપતિ વિસર્જન કરવા આવતાં વ્યક્તિઓ/વાહનોની અવર-જવર ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...