હાલોલમાં કેજરીવાલનો ભવ્ય રોડ શો:ચૂંટણીના જંગમાં ભાજપ હારી રહી છે, કોંગ્રેસની ડીપોઝીટ જપ્ત થઈ રહી છે અને આપની સરકાર બની રહી હોવાનો કેજરીવાલનો લલકાર

પંચમહાલ (ગોધરા)10 દિવસ પહેલા

હાલોલ વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવારના રાજકીય પ્રચારના રોડ શો માટે હાલોલ આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની એક ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં ઉમટી પડેલા માનવ મહેરામણના આવકારતા દ્રશ્યો જોઈને ખુદ કેજરીવાલ પણ ભારે ઉત્સાહમાં ઝૂમી ઉઠ્યા હતાં. હાલોલ કણજરી ચોકડીથી બસ સ્ટેન્ડ સુધીના જાહેર રોડ શોના માર્ગ ઉપર હૈયે હૈયું દબાય એવી લોકપ્રિયતા વચ્ચે હાલોલ નગરમાં આમ આદમી પાર્ટીનો જાદુ પ્રસરી જવા પામ્યો હતો.

ભાજપનો કિલ્લેબંધી જેવા ગઢ ગણાતા હાલોલ બેઠકના આપના ઉમેદવાર ભારત રાઠવાના ચૂંટણી પ્રચાર માટે જનસભા સંબોધન નહીં પરંતુ કંજરી ચોકડી પાસે ભાજપના ઉમેદવાર જયુદાદાના ભાજપ કાર્યાલય પાસેથી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના હાલોલ બસ સ્ટેન્ડ સુધી જાહેર રોડ શોનું આયોજન કરાતું હતું. નિર્ધારીત સમય કરતાં અંદાઝે દોઢ કલાક મોડા આવેલા કેજરીવાલના આગમનની રાહ જોતા હજારોની સંખ્યામાં જનમેદની સત્કાર માટે આતુરતાપૂર્વક રાહ જોઈ હતી. 'એક મોકો આમ આદમી પાર્ટીને' હવામાં લહેરાતા હજારો બેનરો વચ્ચે હાલોલના રોડ શો ઉપરથી પસાર થયેલા અરવિંદ કેજરીવાલ પણ ભારે જનમેદનીની આવકારથી ઝૂમી ઉઠ્યા હતા.

હાલોલના હાર્દસમા કહેવાતા બસ સ્ટેન્ડ વિસ્તારમાં રોડ શો પૂર્ણ થયા બાદ ગાડીમાં ઉભા રહેલા અરવિંદ કેજરીવાલે ઉપસ્થિત જનમેદનીને પોતાની આગવી અદાઓમાં સંબોધતા ગુજરાતીમાં કેમ છો.? બધા મજામાં છો ને કહીને ભાષણની શરૂઆતમાં પ્રજાજનોને જણાવ્યું હતું કે, બધા યુવાનો પોતાના મોબાઈલ ઉપર આજના દ્રશ્યો મીડિયા ભલેના દેખાડે પરંતુ તમે બધા ફેસબુક ઉપર લાઈવ કરો કે, ગુજરાતમાં ભાજપ હારી રહી છે અને આમ આદમી પાર્ટીની સરકાર બની રહી હોવાનો દાવો કર્યો હતો. અને વધુમાં જણાવ્યું હતું કે, મોંઘવારી ખૂબ જ વધી ગઈ છે તમે ચિંતા ના કરશો સૌથી પહેલા મોંઘવારી દૂર કરાશે અને ૧લી માર્ચથી તમારે લાઈટબીલ પણ નહીં ભરવું પડે. કારણ કે ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં પરિવર્તનના જબરદસ્ત બદલાવ સાથે આમ આદમી પાર્ટીની સરકાર બનશે નો લલકાર કરતા ઉપસ્થિત જનમેદનીમાં પણ હર્ષભેર આવકાર મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...