કામગીરીને આખરી ઓપ:દશામાંની મૂર્તિઓ બનાવવાની કામગીરી પૂરજોશમાં, ગોધરાનો પ્રજાપતિ પરિવાર દર વર્ષે 1થી 5 ફૂટની આશરે 2,000 મૂર્તિઓ તૈયાર કરે છે

ગોધરા2 મહિનો પહેલા
  • દિવાળીની શરૂઆતની સાથે સાત મહિના સુધી મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે
  • વ્રતના વીસ દિવસ પહેલાં એડવાન્સ બુકીંગ કરી મૂર્તિઓ મોકલવામાં આવે છે

ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં આગામી અષાઢ વદ અમાસથી શરૂ થતા દશામાંના વ્રતને લઈ કારીગરો દ્વારા દશામાંની મૂર્તિઓ તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આવા જ મૂર્તિઓ બનાવતા ગોધરાના સહજાનંદ મૂર્તિ ભંડાર નામની દુકાનના કારીગરો પાસે દિવ્ય ભાસ્કર પહોંચ્યું હતું અને તેમની સાથે વાતચીત કરી હતી.

દશામાંની મૂર્તિઓ બનાવવાની કામગીરી પૂરજોશમાં
ગોધરા શહેરના રેલ્વે ફાટક પાસે આવેલા કુંભારવાડા વિસ્તારમાં રહેતા અશોકભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ ઉર્ફે મુન્નાભાઈ, દિનેશભાઈ પ્રજાપતિ, બાબુભાઇ પ્રજાપતિ આ ત્રણેય ભાઈ સહજાનંદ મૂર્તિ ભંડાર નામની દુકાનમાં દશામાંની મૂર્તિઓનું વેચાણ કરે છે. શરૂઆતના સમયમાં તેમના પિતા પ્રજાપતિ ઈશ્વરભાઈ અંબાલાલ ઈંટોના ભઠ્ઠામાં ઈંટો બનાવવાની કામગીરી કરતા હતા. જેમ-જેમ સમય વીતતો ગયો તેમ-તેમ તેમના ત્રણેય દીકરાઓ પરિપક્વ બની ગયા અને વર્ષ 1993-94ની સાલથી દશામાંની મૂર્તિ માટીમાંથી બનાવવાની કામગીરી શરૂ કરી હતી. જેમ જેમ દિવસ પસાર થતો ગયો તેમ તેમ માર્કેટમાં પીઓપી આવ્યું એટલે માટીની મૂર્તિઓ સાથે સાથે પીઓપીમાંથી દશામાંની મૂર્તિ બનાવવાની શરૂઆત કરી હતી.

કેમિકલ ઉમેરી રબરની ડાઈ તૈયાર કરવામાં આવે છે
ઉલ્લેખનીય છે કે દશામાંની મૂર્તિ બનાવવા માટે જે પીઓપી વાપરવામાં આવે છે, તેમાં પહેલા તો કેમિકલ ઉમેરી રબરની ડાઈ તૈયાર કરવામાં આવે છે. તેમાં પીઓપીની ડાઈ બનાવી ફર્મો તૈયાર કરી ત્યારબાદ દશામાંની મૂર્તિ બનાવવામાં આવે છે.

મૂર્તિ બનાવવાની કામગીરી દિવાળી પૂર્વે કરવામાં આવે છે
ગોધરાના શહેરા ભાગોળ ફાટક પાસે આવેલ કુંભારવાડા વિસ્તારમાં રહેતા અશોકભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ ઉર્ફે મુન્નાભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે દશામાંની મૂર્તિ બનાવવાની કામગીરી દિવાળીની શરૂઆતની સાથે સાત મહિના સુધી મૂર્તિઓ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવે છે. તેમજ બાકીના 3 મહિના અમે કલરકામ કરી મૂર્તિ તૈયાર કરીએ છીએ. જેમાં 1 ફૂટથી લઈ 5 ફૂટ સુધીની મૂર્તિ બનાવવામાં આવે છે અને અંદાજીત 2000 જેટલી મૂર્તિ તૈયાર કરી રાખીએ છીએ.

દશામાંની મૂર્તિ લેવા માટે એડવાન્સ બુકીંગ કરવામાં આવે છે
અષાઢ વદ અમાસ હરિયાળી અમાસ એટલે કે દિવાસાથી શરૂ થઈ રહેલા દશામાંના વ્રતને લઈને ગોધરા સહિત પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં મૂર્તિઓ મોકલવા માટે દશામાંના વ્રતના વીસ દિવસ પહેલાં એડવાન્સ બુકીંગ કરી મૂર્તિઓ મોકલવામાં આવે છે. સાથે-સાથે દશામાંની મૂર્તિઓનો સોળ શણગાર, ચોપડી, કોડિયાં, ધૂપ વગેરે ફ્રીમાં આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અશોકભાઈ પ્રજાપતિ ઉર્ફે મુન્નાભાઈ દશામાંની મૂર્તિ બનાવવાની સાથે સાથે ગણપતિ બાપા, અંબા માતાની મૂર્તિ અને દિવાળી દરમિયાન અવનવા કોડિયાં સહિત માટીના રમકડાં વગેરે પણ બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...