બે ઈસમો દ્વારા જીવલેણ હુમલો:ગોધરામાં બે માથાભારે ઈસમોએ 'તું કેમ અમારી પોલીસને બાતમી આપે છે' તેમ કહીંને ખંજર દ્વારા યુવક પર જીવલેણ હુમલો કરતાં ફરિયાદ

પંચમહાલ (ગોધરા)23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા યુવાનને બે માથાભારે ઈસમો દ્વારા તું કેમ અમારી પોલીસને બાતમી આપે છે. તેમ કહીને મા-બેન સમા અપશબ્દો બોલી ખંજર દ્વારા જીવલેણ હુમલો કરી ગડદાપાટુંનો માર માર્યો હતો. માર મારતા યુવાને ગોધરા બી-ડિવિઝન પોલીસ મથકે બે માથાભારે ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ગોધરાના રહેમતનગર ચિખોદ્રા તથા મૂળ રહે. મેદા પ્લોટ ઇમરાન મસ્જિદ સામે ગોધરાના ખાલીદ મુસ્તાક ઢુંઢિયાએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલ કે, શબ્બીર ઉર્ફે તત્યો હુસેન જબા અવાર નવાર રસ્તામાં આવતા જતા અપશબ્દો બોલતો હતો. જેથી ખાલીદ મુસ્તાક ઢુંઢિયાએ ફોન કરી વેજલપુરના નજરાના સર્વિસ સેન્ટર પાસે બોલાવતા શબ્બીર ઉર્ફે તત્યો હુસેન જબા અને સમીર ઇસ્હાક દેસાઈ જહરપુરા ગોહ્યા મહોલ્લા ગોધરા નાઓને કહ્યું કે, તમે મને અવાર નવાર રસ્તામાં જતા કેમ અપશબ્દો બોલો છો. તે બાબતે પૂછપરછ કરતાં શબ્બીર ઉર્ફે તત્યો હુસેન જબાએ કહ્યું હતું કે, તું અમારી બાતમી પોલીસને કેમ આપે છે. તેમ કહી મા-બેન સમા અપશબ્દો બોલી પેન્ટના નેફામાંથી ખંજર કાઢી ખાલીદ મુસ્તાક ઢુંઢિયાના પેટના ભાગે મારવા જતા તેઓએ જમણા હાથે પકડી પાડતાં જમણા હાથની આંગળીઓ ઉપર ઇજાઓ પહોંચી હતી. જ્યારે સમીર ઈસ્હાક દેસાઈએ ખાલીદ મુસ્તાકને ગડદાપાટુંનો માર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ખાલીદ મુસ્તાકે ગોધરા બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી બંને માથાભારે ઇસમોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...