ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં વ્યાજના વિષચક્રમાં સપડાયેલા કેટલાક લોકો પાયમાલ થઈ ગયા છે. વ્યાજખોરોએ ધાકધમકી આપીને મિલકત પડાવીને કોરા ચેક ઉપર સહી કરાવી નિર્દોષ પ્રજાજનોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. વ્યાજખોરોના વિષચક્રને નષ્ટ કરવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ડ્રાઈવનું પણ આયોજન કર્યું હતું. જોકે સ્થિતિ જેવીને તેવી છે. ત્યારે ગોધરામાં વ્યાજખોરોએ વ્યાજના નાણાં વસૂલવા વ્યક્તિ પાસેથી કોરા ચેક પર બળજબરીપૂર્વક સહી કરાવી, ઘરને તાળું મારી ઘરમાંથી બહાર કાઢી મૂક્યો અને જાનથી મારવાની ધમકી આપી હતી. પીડિત જ્યાં સુધી વ્યાજ સાથે રૂપિયા નહીં ચુકવે ત્યાં સુધી ઘરમાં પ્રવેશ કરવો નહીં તેવી ધમકી આપી હતી. આ મામલે પીડિતે ગોધરા શહેરના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ગોધરા શહેરના ગોકુલધામ સોસાયટી નારે કેન્દ્ર પાસે રહેતા મિહિરકુમાર ભરતભાઈ રાણાએ લાયસન્સ વગર લોન આપતા મનોજ હસમુખભાઈ રાણા પાસેથી માસિક 10% લેખે 1,20,000 રૂપિયા લીધા હતા. વ્યાજખોરે મિહિર પાસેથી સિક્યુરિટી પેટે કોરા ચેક લીધા હતા. પીડિતે ફરિયાદમાં કહ્યું છે કે દિનેશ કાળુભાઈ દંતાણીએ 70,000 નાણા આપ્યા હતા અને સિક્યુરિટી પેટે કોરા ચેક લઈ અને બળજબરીપૂર્વક વ્યાજ સહિત નાણા વસૂલ કરી વધારાના પાંચ લાખ નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપી મારા મકાનમાં તાળું મારી મકાનમાં પ્રવેશ નહીં કરવા માટે કહ્યું હતું.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું કે ધાક ધમકી આપી વધારાના રૂપિયા 10,000 લીધા બાદ પૂરા પાંચ લાખ સહિત વ્યાજના નાણાં આપીશ તો જ મકાનનું તાળું ખોલીશ એમ વ્યાજખોરે કહ્યું હતું. જ્યારે અમુતા દિનેશભાઈ દંતાણી એ વધારાના નાણાં પડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ત્રણેય વ્યાજખોરો ઉપર ગુનો દાખલ કરી પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ (1.)મનોજભાઈ હસમુખભાઈ રાણા (2.)દિનેશભાઈ કાળુભાઈ દંતાણી (3.) અમૃતાબેન દિનેશભાઈ દંતાણી. આ ત્રણેય વ્યાજખોરોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.