ગોધરા નગરપાલિકા વિભાગમાં ફરજ બજાવતા લાઇટ વિભાગના કર્મચારીઓનો છેલ્લા સાતથી આઠ મહિના સુધી પગાર ન ચૂકવવામાં આવતા કર્મચારીઓની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે આવા કર્મચારીઓને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું અઘરું બની ગયું છે. સ્વાભાવિક છે કે કોઈપણ વ્યક્તિ 10 કે 15 દિવસ સુધી પગારની રાહ જોઈ શકે છે. પરંતુ છેલ્લા સાતથી આઠ મહિનાઓ સુધી લાઈટ વિભાગમાં જીવના જોખમે કામ કરતા કર્મચારીઓ પગારથી વંચિત રહી પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવતા રહ્યાં છે. છેલ્લા આઠ મહિના સુધી લાઈટ વિભાગના રોજમદાર કર્મચારીને પગાર માટે રઝળપાટ કરવી પડે છે. વારંવાર નગરપાલિકા તંત્રમાં ઉચ્ચ અધિકારીઓને પગાર બાબતે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઈ પણ અધિકારી પગાર બાબતે નિરાકરણ લાવવા પ્રયાસ કરતાં નથી અને લાઈટ વિભાગના રોજમદાર કર્મચારીઓનું કોઈ પણ સાંભળવા તૈયાર નથી.
નોકરી કરવા છતા પૈસા માટે રઝળપાટ
ગોધરા નગરપાલિકામાં આવેલા લાઈટ વિભાગમાં પાંચ જેટલા રોજમદાર કર્મચારીઓ ફરજ બજાવે છે. ગોધરા શહેરની વિવિધ જગ્યાઓની લાઈટની એલઇડી વગેરેની કામગીરી કરે છે. જીવના જોખમે સ્ટેટ લાઈટમાં ચાલુ લાઈનમાં કામગીરી કરે છે. ત્યારે આવા જ કર્મચારીઓને છેલ્લા સાતથી આઠ મહિનાઓ સુધી પગાર ન આપવાથી તેઓના પરિવારજનોનું ગુજરાન ચલાવવું અઘરું બની ગયું છે. આવા કર્મચારીઓ પોતાના નાના બાળકોને શિક્ષણ કઈ રીતે આપે? કઈ રીતે સ્કૂલની ફી ભરે? નોકરી કરવા છતાં પણ બીજાઓ જોડે ભીખ માંગવી પડે છે.
પાલિકાતંત્ર આ મામલે પગલા લે એ જરૂરી
લાઈટ વિભાગમાં ફરજ બજાવતા એક રોજમદાર કર્મચારીએ પોતાની વેદના દર્શાવી હતી કે, અમો જ્યારે કરિયાણા વાળા પાસે જઈને અનાજ ઉધાર માંગીએ, ત્યારે તેઓ અનાજ આપવા પણ રાજી નથી. કરિયાણા વાળાની વાત તો બાજુમાં રહી પરંતુ જે વ્યાજે પૈસા આપે છે. તેવા લોકો પણ વ્યાજે પૈસા આપવા તૈયાર નથી. જેથી અમારે અમારા પરિવારનું ભરણપોષણ કરવું તો કઈ રીતે કરવું તે સમજણ પડતી નથી. અમારે કોઈ બાજુ ચારો રહ્યો નથી, અમારી પરિસ્થિતિ કથળાઈ ગઈ છે. તો હવે જોવાનું રહ્યું કે પાલિકાતંત્ર આ મામલે શું પગલા લે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.