ચૂંટણીના મહાસંગ્રામનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. દરેક રાજકીય પક્ષો પોત-પોતાની સત્તાઓ હાંસિલ કરવા માટે એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે. તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન કરવા માટે લોકશાહી અવસર અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ ચૂંટણીના મહાપર્વમાં આમ જનતા પણ પોતાનું રોદ્ર રૂપ ધારણ કરી વિધાનસભાની ચૂંટણીઓના મહા સંગ્રામમાં આવેલો અવસર ચુંટણીના બહિષ્કારના બેનરો દ્વારા પોતાના રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ગોધરાના રાટા પ્લોટમાં રહેતા સ્થાનિક લોકોએ જાહેર મુખ્ય માર્ગો ઉપર વીજ પુરવઠામાં 'લો-વોલ્ટેજનું નિરાકરણ નહીં તો વોટ નહીં' તેવા ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
લો-વોલ્ટેજની સમસ્યાથી અનેક ઉપકરણોને નુકસાન
ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા રાટા પ્લોટ મદની મસ્જિદ વેજલપુર રોડના લઘુમતી સમાજના સ્થાનિક રહીશો MGVCL દ્વારા નાખવામાં આવેલ રાટા પ્લોટમાં ટીસીની લાઇન પરથી કાયદેસરનું વીજ જોડાણ ધરાવે છે. પરંતુ છેલ્લા કેટલા સમયથી MGVCL દ્વારા ખાલપા પ્લોટ જુના જકાતનાકા ઉપર આવેલ ટીસી પરથી આડેધડ વીજ કનેક્શન આપવાથી ઓવરલોડને કારણે લો-વોલ્ટેજની સમસ્યાઓથી અનેક ઉપકરણોનું નુકસાન થાય છે.
MGVCL તંત્રને જાણ કરવા છતાં કોઈ નિર્ણય નહીં
અવાર-નવાર વીજ પુરવઠો ખોરવાઈ છે. ઉપરાંત એક ફેઝ ચાલુ એને એક ફેઝ બંધ થવાથી પણ અનેકવાર ફરિયાદો ઉઠી છે. એક ફેઝ બંધ થવાથી બીજા ફેઝમાં હાઈ વોલ્ટેજની સમસ્યા ઉદ્દભવાથી પણ વીજ ઉપકરણો નુકસાન થાય છે. રાટા પ્લોટ વિસ્તારમાં 200 ઉપરાંત મકાનો આવેલા છે. જ્યાં 1 હજાર કરતાં વધારે લોકો વસવાટ કરે છે, ત્યારે રાટા પ્લોટની ટીસી ખરેખર રાટા પ્લોટમાં હોવી જોઈએ પરંતુ તે જગ્યાએ નથી. તેની જગ્યાએ ખાલપા પ્લોટમાં ટીસી નાખેલ છે. જેના કારણે રાટા પ્લોટમાં પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો પહોંચતો નથી. જેના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વારંવાર MGVCL તંત્રને જાણ કરવા છતાં પણ કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવતાં આખરે રાટા પ્લોટના સ્થાનિક નાગરિકોએ આજરોજ રાટા પ્લોટ વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. વીજ પુરવઠમાં 'લો- વોલ્ટજનું નિરાકરણ નહીં તો વોટ નહીં' તેવા બેનરો લગાવી પોતાનો રોષ બતાવ્યો હતો.
દીવા તળે અંધારું જેવી પરિસ્થિતિ
ગોધરાના રાટા પ્લોટ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલા સમયથી MGVCL તંત્રને લો-વોલ્ટેજ બાબતે રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ લાવતા નથી. આ કારણે 6 કલાક સુધી લાઇટ વગર રહેવા મજબૂર બનવું પડે છે. આ બાબતે MGVCLના ઉચ્ચ અધિકારી વડોદરા ગોધરા છેલ્લે દિલ્હી સુધી પણ રજૂઆત કરી છે. પરંતુ દીવા તળે અંધારું જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. માટે રાટા પ્લોટના 1400 જેટલા લોકો આ વખતે વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરશે અને 'લો-વોલ્ટેજનું નિરાકરણ નહીં તો વોટ નહીં' તેવા બેનરો લગાવી પોતાના રોષ ઠાલવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.