ઘોઘંબા તાલુકાના સરસવા ગામે અંતિમયાત્રા દરમિયાન ભારે બબાલ થઇ હતી. જેમાં ગામમાં સ્મશાનમાં જવાના રસ્તા બાબતે ભારે વિવાદ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે. ત્યારે ગઈકાલે ગામમાં ભીખા ભલીયાભાઈ રાઠવાના પુત્ર યુવરાજનું મોત થતા તેની સ્મશાનયાત્રા નીકળી હતી. જેમાં સ્મશાનયાત્રા દરમિયાન સમગ્ર સરસવા ગામના લોકો જોડાયા હતા. પરંતુ સ્મશાનયાત્રા દરમિયાન સ્મશાનમાં જવાના રસ્તા ઉપર સર્વે નંબર 21 વાળી જગ્યામાં ગામના સરપંચ દ્વારા તારની ફેન્સીંગ કરી અને રસ્તો બંધ કરી દેવાતા ગામ લોકોએ તેનો ભારે વિરોધ કરી રહ્યાં હતા. બાબતને લઇ આજે ગામમાં મરણ થતાં સ્મશાનયાત્રા લઈ જવા બાબતે ભારે રોષ જોવા મળ્યો હતો.
સરસવા ગામના લોકોએ થોડા દિવસ અગાઉ આ રસ્તો ખુલ્લો કરાવવા અંગે ઘોઘંબા મામલતદાર તથા ટીડીઓને આવેદનપત્ર પણ આપ્યું હતું. નાયબ જિલ્લા કલેક્ટરને પણ આ અરજી આપી રજૂઆત કરતા જિલ્લા અધિક કલેક્ટર દ્વારા ઘોઘંબા મામલતદારને સ્થળ ઉપર જઈ તપાસ કરી રિપોર્ટ કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે, તેવું જાણવા મળ્યું છે. ત્યારે ગઈકાલે અંતિમયાત્રા દરમિયાન વિવાદ વધારે થયો હતો.
વિવાદ વાળી જગ્યા ઉપર આવતા જ સ્મશાન યાત્રાને અટકાવવી પડી હતી. આ અંગે ગામ લોકો દ્વારા વિનંતી કરવા છતાં ફેન્સીંગ ખોલી રસ્તો આપવામાં ન આવતા ગામ લોકો વિફર્યા હતા અને સરપંચ દ્વારા ગેરકાયદેસર રીતે પારકી જમીનમાં કરેલી તારની ફેન્સીંગને તોડી નાખી હતી. જેના કારણે સામસામે બોલાચાલી પણ થઈ હતી અને પોલીસને પણ બોલાવવાની ફરજ પડી હતી. અંતે ગામ લોકો દ્વારા વિવાદાસ્પદ રસ્તાની વચ્ચે કરવામાં આવેલી ફેન્સીંગ તોડી નાખવામાં આવી હતી અને ત્યાંથી સ્મશાન યાત્રા પસાર કરવામાં આવી હતી. જેના કારણે ફેન્સીંગ કરનાર ગામના સરપંચના પિતા સાથે તુતુ મેંમેં પણ સર્જાયું હતું.
જો કે રાજગઢ પોલીસે સમયસર પહોંચી જઈ કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે પ્રકારે બાજી સંભાળી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, સરસવા ગામના લોકો દ્વારા થોડા દિવસ અગાઉ જ આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી હતી. કે જો દિવસ 10માં આ જગ્યા ઉપરથી રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ફરજ પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.