ફરિયાદ:બોડીદ્રા બુઝર્ગ ગામમાં મોટાભાઇના જ પરિવારેે નાના ભાઇને મોતને ઘાટ ઉતાર્યો

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેરાણીએ જેઠ સહિત પરિવારના 3 સભ્ય સામે ફરિયાદ કરી
  • ઝઘડા કરે છે કહેતાં વાત વણસી હતી, પોલીસે 3 સામે ગુનો નોંંધ્યો

ગોધરા તાલુકાના બોડિદ્રા બુઝર્ગ ગામે આવેલા વાખળા ફળિયામાં રહેતા મણીબેન બારીયાએ ગોધરા તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓના પતિ ભુપતભાઈ બારીયા સાતેક વર્ષ અગાઉ BSNL માંથી નિવૃત્ત થયા હતા, અને હાલ નિવૃત જીવન ગાળી રહ્યા હતા, ભુપતભાઈ અને મણીબેન તા.20ના રોજ ખેતરમાં મજૂરો બોલાવીને ડાંગરની કાપણી કરાવી રહ્યા હતા. ત્યારે તેઓના જેઠ કિરણસિંહ બારીયા, જેઠાણી કોકિલાબેન બારીયા અને ભત્રીજો કનક બારીયા ખેતરના શેઢા પર આવતાં તેઓને બોરના કાંટા ખેતરમાં કેમ નાખ્યા તેમ જણાવતા તેઓએ ગુસ્સે થઈ ગયા હતા અને ભુપતભાઈ સાથે ઝઘડો કરીને જતાં રહ્યા હતા, બીજી તરફ સાંજના સમયે ભૂપતભાઇ અને મણીબેન ખેતરથી ઘર તરફ જઈ રહ્યા હતા.

ત્યારે પતિ, પત્નિ અને પુત્ર પુનઃ આવ્યા હતા અને જણાવ્યું હતુ કે તમે અમારા ખેતરમાંથી કેમ પસાર થાવ છો, તેમ કહેતા ભુપતભાઈએ જણાવ્યું હતું કે હું તને કશું કહેતો નથી એટલે શું કામ જમીન બાબતે ઝઘડા કરે છે, જેને લઇને કિરણભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને કોકિલાબેન લાકડાનું ડફણુ અને તેઓનો પુત્ર કનક હાથમાં ધારિયું લઈને આવ્યા હતા, અને કિરણભાઈઅે મારા પતિને માર માર્યો હતો, તેમજ કોકિલાબેન અને કનકે ખેતરની ચીકણી માટીના રોડા ભૂપતભાઇને માર્યા હતા,

જેને લઇને ભુપતભાઈ પડી ગયા હતા, બાદમાં મણીબેન ભુપતભાઈને ઉભા કરીને ઘરે લઈ ગયા હતા, જેમાં ભુપતભાઇને ખાટલામાં સુવડાવ્યા બાદ તેઓએ બોલવાનું બંધ કરી દીધું હતું, જેને લઇને મણિબેને તેઓના જમાઈ અને દીકરીઓને જાણ કરતા તેઓ આવ્યા હતા, જેમાં ભુપતભાઇનું મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું, સમગ્ર બનાવ અંગે ગોધરા તાલુકા પોલીસમથકે ત્રણ ઈસમો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...