પંચમહાલ ન્યૂઝ અપડેટ:ઝેરોક્ષની દુકાન ખુલ્લી રાખી જાહેરનામાનો ભંગ; ટ્રેનની અડફેટે યુવકનું મોત; આખો દિવસ ઘોઘબામાં વીજ પુરવઠો બંધ રહ્યો

પંચમહાલ (ગોધરા)13 દિવસ પહેલા
  • કૉપી લિંક

આખો દિવસ ઘોઘબામાં વીજ પુરવઠો બંધ રહેવા પામ્યો
આજરોજ ઘોઘંબા ખાતે એમજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન આખો દિવસ બંધ કરવામાં આવતા લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ ગયા હતા. એક બાજુ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ ચાલુ છે. બીજી બાજુ લગ્નસરાની મોસમ ચાલી રહી છે. ત્યારે ગઈકાલ સાંજના સુમારે અચાનક વાતાવરણમાં પલટો આવતાં આજે બપોરે ખૂબ જ બફારો અનુભવાયો હતો. જેમાં આજરોજ ઘોઘંબા તાલુકાના ગોઠ ગામે ફોરેસ્ટ વિભાગ દ્વારા રોડ વચ્ચેના વધી ગયેલા ઝાડી ઝાંખરા જેસીબી મશીન દ્વારા કાપવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ત્યારે ત્યાં પસાર થતા 1100 મેગા વોલ્ટનો વીજ પાવર ધરાવતો વીજ થાંભલો ચાલુ લાઈનમાં જેસીબીની ટક્કર વાગતા તૂટી પડ્યો હતો. ચાલુ વીજ લાઈનનો થાભલો રોડ ઉપર પડેલો હોવાથી એક રહીશ દ્વારા એમજીવીસીએલને જાણ કરવામાં આવતા mgvclમાં ફરજ બજાવતા મહેશભાઈ દ્વારા તાત્કાલિક ધોરણે આવીને વીજ પુરવઠો બંધ કરાવીને વીજ વાયર કાપીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. જેની થોડીક જ વારમાં ભેંસોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. જો સમયસર વીજ વાયર કાપવામાં આવ્યો ન હોત અને કનેક્શન બંધ કરવામાં આવ્યું ન હોત. તો કેટલી જાનહાનિ થઈ હોત. આખો દિવસ ઘોઘબામાં વીજ પુરવઠો બંધ રહેવા પામ્યો હતો.

ઝેરોક્ષની દુકાન ખુલ્લી રાખી જાહેરનામાનો ભંગ
ગોધરા શહેરના સિવિલ લાઇન્સ રોડ પર આવેલ બોર્ડ પરીક્ષાના પરીક્ષા કેન્દ્ર નજીક ઝેરોક્ષની દુકાન ખુલ્લી રાખીને જાહેરનામાનો ભંગ કરનાર દુકાનદાર સામે પોલીસે કાર્યવાહી કરી હતી. હાલમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. જેને લઇને પરીક્ષા કોઈપણ પ્રકારની ગેરરીતિ વિના યોજાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા બોર્ડ પરીક્ષાના પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં પરીક્ષા દરમ્યાન ઝેરોક્ષની દુકાન બંધ રાખવા માટે અધિક નિવાસી કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. ત્યારે ગોધરા શહેરના સિવિલ લાઇન્સ રોડ પર ઇકબાલ હાઇસ્કુલ ખાતે SSC અને HSC બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. ત્યારે ગત 15 તારીખે બપોરના સમયે ઇકબાલે હાઇસ્કૂલની પાછળ આવેલા કોમલ જનરલ સ્ટોર ખાતેની પોતાની ઝેરોક્ષ સેન્ટરની દુકાન બોર્ડની પરીક્ષા દરમિયાન ચાલુ રાખીને જાહેરનામાનો ભંગ કર્યો હતો. ત્યારે સમગ્ર મામલે ગોધરા શહેર A ડિવિઝન પોલીસ મથકે ઝેરોક્ષ દુકાનના સંચાલક સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધાવા પામ્યો છે.

ટ્રેનની અડફેટે યુવકનું મોત
ગોધરા ખરસાલીયા વચ્ચે આવેલા રેલવે ટ્રેક પરથી પસાર થતી મુસાફર ટ્રેનની અડફેટે અજાણ્યા ઇસમનું મૃત્યુ નીપજયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા રેલવે પોલીસમથકે PSO તરીકે ફરજ બજાવતા દીપસિંહ કેશરીસિંહે ગોધરા તાલુકા પોલીસ મથકે અકસ્માતે મોત અન્વયે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, ગત 15 તારીખે સવારના આઠ વાગ્યાના પહેલાના સમયગાળા દરમિયાન ગોધરા-ખરસાલિયા વચ્ચે આવેલા રેલવે ટ્રેક પર આવેલી મેશરી નદીના પુલ પાસેથી ટ્રેન નં 22901 બાંદ્રા-ઉદેપુર ટ્રેન પસાર થઈ રહી હતી. ત્યારે અજાણ્યો ઈસમ ટ્રેનની અડફેટે આવતા અજાણ્યા ઇસમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજયું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...