​​​​​​​વાર્ષિક 1.75 દર્દીઓને ફાયદો થશે:ગોધરાની મેડિકલ કોલેજને મંજૂરી તો મળી પણ સંકુલ બનાવવા જમીન જ નક્કી નહીં!

ગોધરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2017માં મેડિકલ કોલેજ ખુલવાની જાહેરાત થઇ હતી, નેશનલ મેડિકલ કમિશને વર્ચ્યુઅલ સર્વે કરીને મંજૂરી આપી
  • મંજૂરી મેળવવા​​​​​​​ માટે વડોદરા, અમદાવાદથી તબીબ શિક્ષકો સહિતના સ્ટાફની હંગામી ભરતી કરવામાં આવી હતી

ગોધરા ખાતે વર્ષ 2017 માં મેડિકલ કોલેજ ખુલશે તેવી જાહેરાત બાદ ચંચોપા ખાતે જમીન ફાળવાઇ હતી. મેડિકલ કોલેજ ખોલવા ગોધરા સિવિલ હોસ્પિટલને અપગ્રેડ કરી હતી. જેમાં બેડની સુવિધા 360 સુધી કરાઇ હતી. દિલ્હીની મેડિકલ ટીમે બે વાર સર્વે કરતાં ત્રુટીઅો જણાવીને મંજુરી અાપી ન હતી. કોલેજ માટે તબીબી શિક્ષકો સહિતના સ્ટાફની હંગામી ભરતી કરાઇ હતી. તેમજ છબનપુર ખાતે નવીન લેબોરેટરી, વર્ગખંડ તેમજ હોસ્ટેલની સુવિધા પણ ઉભી કરાઇ હતી. બાદ દિલ્હીની નેશનલ મેડિકલ કમિશન દ્વારા વર્ચ્યુઅલ મેડિકલ કોલેજનો સર્વે કર્યો હતો.

વર્ચ્યુઅલ સર્વે બાદ મંગળવારે ગોધરા ખાતે મેડિકલ કોલેજની મંજૂરી મળી હતી. મંજૂરી મળતાં રાજ્યના અારોગ્ય મંત્રી નિલીમાબેન સુથાર તથા ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલની મહેનતે કોલેજની મંજૂરી મળતાં ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. કોલેજની મંજૂરી તો મળી ગઇ પણ તે બનાવવા જમીન હજુ નક્કી થઇ નથી.

કોલેજ બનાવવાની જમીનને લઇને બે ગુટ પડી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. અેક ગુટ ચંચોપા ખાતે બનાવવા તો બીજું જાફરાબાદ બનાવવવા અેડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. છબનપુરની એન્જિ. કોલેજ ખાતે મેડિકલ કોલેજ શરૂ કરાશે. 15 અોગસ્ટ બાદ 100 બેઠકથી કોલેજનું પ્રથમ સત્ર શરૂ કરાશે.

સિવિલ હોસ્પિટલમાં વર્ષે 22 હજાર જેટલા ઇન્ડોર દર્દીઅો સારવાર લે છે
ગોધરા | મેડિકલ કોલેજ બનતાં સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના તબીબો ઉપલબ્ધ રહેશે. વર્ષ 1870માં ગોધરા ખાતે ડિસ્પેંસરીની શરુઅાત થઇ હતી. જે વર્ષ 1892 માં 30 પથારીની સિવિલ હોસ્પીટલમાં રૂપાતર થઇ હતી. વર્ષ 1960માં મુંબઇ સરકારમાંથી ગુજરાત સરકાર અલગ થતાં રૂપિયા 28 લાખના ખર્ચે હાલની ગોધરા જનરલ હોસ્પીટલનુ બિલ્ડીંગ બન્યું હતું.

210 પથારીની હોસ્પીટલ પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજસ્થાન, મધ્યપ્રદેશના સરહદી વિસ્તારના 50 લાખને સારવાર આપતું હતંુ. ગોધરા સિવિલ હોસ્પિટલમાં વાર્ષિક 1,75,000 દર્દીઅો અોપીડી દ્વારા અને 22000 ઇન્ડોર સારવાર લે છે. દર વર્ષે અારોગ્યલક્ષી માટે 5 લાખ લોકો હોસ્પિટલની મુલાકાત લે છે.

3 વાર દિલ્હી મેડિકલ ટીમે સર્વે કર્યો
વર્ષ 2017માં મેડિકલ કોલેજની મંજૂરી મળતાં માન્યતા માટે 2021માં અેપ્લિકેશન કરી હતી. જેમાં દિલ્હીની ટીમેે 27 ત્રુટીઅો મળતાં ત્રણ માસનો સમય અાપીને અેપ્લિકેશન રિજેકટ કરી હતી. 2021ના ડિસેમ્બરમાં ફરી અેપ્લીકેશન કરી હતી. માર્ચ 2022માં ફરી 17 ત્રુટી મળી આવી હતી.

44 કરોડનું ઇમરજન્સી સેન્ટર બનશે
જે જમીન પર મેડિકલ કોલેજ બનશે તે 512 કરોડમાં બનશે. કોલેજ, હોસ્ટેલ, સ્ટાફ કવાર્ટસ, લેબોરેટરીઅો, હોસ્પિટલ સહિતની તમામ સુવિધા હશે. નવીન કોલેજ બનશે તો ગોધરા સિવિલ ત્યાં ખસેડાશે. નવી મેડિકલ કોલેજની બાજુમાં 44 કરોડમાં અદ્યતન ઇમરજન્સી સેન્ટર બનશે.

અન્ય સમાચારો પણ છે...