PMOનું નામ વટાવી ઠાઠ ભોગવતા અમદાવાદના કિરણ પટેલે અનેક લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે મહાઠગ કિરણ પટેલનો ભોગ બનેલા ગોધરાના કેતન ગાંધી સાથે છેતરપિંડી થયા હોવાનું બહાર આવ્યું છે. વર્ષ 2018માં વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રીની ઈવેન્ટ કર્યા બાદ એજન્સીઓના નાણાં બાકી રાખી કિરણ પટેલે છેતરપિંડી કરી હતી તેવો ઘટસ્ફોટ થયો છે. ગોધરાના ભોગ બનેલા કેતન ગાંધીએ નવલખી ગ્રાઉન્ડમાં નવરાત્રી ડેકોરેશનનું કામ કર્યું હતું. જેમાં નાણાં ન આપતા આખરે કેતન ગાંધીએ એગ્રીમેન્ટ કર્યો હતો, પરંતુ તેમ છતાં પોતાના નાણાં નહીં મળતા તેમણે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
2018માં વડોદરામાં આવેલ નવલખી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિની ઇવેન્ટમાં ગોધરાના ફરાશખાનાનું કામ કરતા કેતન ગાંધીએ પણ પોતાનું ફરાશખાના નવલખી નવરાત્રિ ઇવેન્ટમાં મોકલ્યું હતું. જેમાં તેમના પોતાના નાણાં ન મળતા તેઓએ કોર્ટમાં કેસ કર્યો હતો. જેમાં ફરિયાદ બાદ મહાઠગ કિરણ પટેલે તેમની પત્નીના એકાઉન્ટના ચેક આપ્યા હતા અને ત્યારબાદ કિરણ પટેલ પોતે PMO અધિકારી તરીકે પોતાની ઠાઠ જમાવતા હતા. જે તે વખતે વડોદરાના ધારાસભ્ય સહિતના મોટી વગ ધરાવતા અને ખ્યાતિ પ્રાપ્ત લોકો પણ આ ઠગની વાતોમાં આવી ગયા હતા.
ગોધરાના કેતન ગાંધીએ રાવપુર પોલીસ મથકે આ મહાઠગ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારબાદ રાવપુર પોલીસ સ્ટેશનમાં પણ આ મહાઠગ આરોપી હોવા છતાં પણ પોલીસ સ્ટેશનની બહાર સિગારેટ પીતો હોય તેવો વીડિયો વાયરલ થતા ભારે વિવાદ સર્જાયો હતો. હાલમાં ગોધરાના ફરાશખાના ધરાવતા કેતન ગાંધીના દસ લાખ જેટલી રકમ બાકી છે. જ્યારે અન્ય અનેક એજન્સીઓ સાથે છેતરપિંડી કરી છે. માટે આ મહાઠગને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.