શહેરા તાલુકાના ડેમલી ગામમાં આવેલા ડુંગરપુર ડેરી ફળિયામાં દૂધ ભરવા બાબતે થયેલા તકરારમાં સામસામે ફરિયાદ કરવામાં આવી હતી.
પ્રથમ બનાવ સંદર્ભે શહેરા તાલુકાના ડેમલી ગામે ડુંગરપુર ફળિયામાં રહેતા કનુભાઈ વસાભાઈ ભરવાડે પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલ કે, ગઈકાલે ડેમલી ડુંગરપુર ડેરી ફળિયામાં દૂધ મંડળી ઉપર દૂધ ભરવા જતા હતા. ત્યારે નટવરસિંહ અભેસિંહ રાઠોડ, પુનમભાઈ કાળુભાઈ રાઠોડ, સંદીપભાઈ હઠીસિંહ રાઠોડ, પરાક્રમ છત્રાભાઈ રાઠોડ, ગોપાલભાઈ નાનુભાઈ બારીયા તથા બીજા 8થી 10 જેટલા માણસો એક સંપ કરીને કનુભાઈ વસાભાઈ ભરવાડને કહેવા લાગેલા કે દૂધમાં ફેટ કેમ ઓછા આપો છો. ત્યારે કનુભાઈએ કહ્યું હતું, મને શું કામ કહો છો જે કહેવું હોય તે મંડળીના સેક્રેટરીને કહો. તેમ કહેતા આ તમામ આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને કનુભાઈ ભરવાડ ઉપર લાકડી વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર પ્રકારે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બીજા બનાવ સંદર્ભે શહેરા તાલુકાના ખાડા ગામે રહેતા ગોપાલભાઈ નાનુસિંહ બારીયાએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલ કે, કાળુભાઈ નાનાભાઈ પગી, નિલેશભાઈ કાળુભાઈ પગી, વિનોદભાઈ કાળુભાઈ પગી, ગોકળભાઈ જીવાભાઇ આહીર, કનુભાઈ વસાભાઈ આહીર, ગોપાલભાઈ નારણભાઈ આહીર, નારણભાઈ જીવાભાઈ આહીર તથા બીજા 15થી 20 માણસોએ એક સંપ કરીને આવી માં-બેન સમા અપશબ્દો બોલી ગડદાપાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગોપાલભાઈ બારીયાના રહેણાંક ઘર ઉપર છુટા પથ્થરો મારી ઘરના નળિયાનું નુકસાન કરી જતાં રહ્યા હતા. જ્યારે ગોકળભાઈ આહિર, ગોપાલભાઈ આહીર અને નારણભાઈ આહીર, ડુંગરપુર ફળિયા ખાતે આવેલા દૂધ મંડળી ઉપર ગોપાલભાઈ બારીયાને કહેવા લાગ્યા તમે અહીંયા દૂધ ભરવા આવ્યા છો, તેમ કહી ગડદાપાટુંનો માર તથા લાકડી વડે માર મારી માથાના ભાગે ઈજા કરી હતી. શહેરા પોલીસે બંને પક્ષની સામસામે પોલીસ ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.