શ્રેષ્ઠ કામગીરીને સન્માન:ગોધરાની બહેરામુંગા-શાળાના શિક્ષક રાજ્યકક્ષાના એવોર્ડથી પ્રમાણિત; દિવ્યાંગ બાળકોને આપી રહ્યાં છે શિક્ષણ

પંચમહાલ (ગોધરા)21 દિવસ પહેલા

પંચમહાલ અનુસુચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ‘ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા વિદ્યાલય, ગોધરામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હિરેનકુમાર જયંતિલાલ ગોહેલને ‘દિવ્યાંગ બાળકોના ખાસ શિક્ષક'ની કેટેગરીમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનીત કરવામાં આવતા પંચમહાલ શિક્ષણ પ્રેમીઓમાં ખુશી જોવા મળી હતી. હિરેનકુમારની દિવ્યાંગ મૂક બધિર વિદ્યાર્થીઓના શિક્ષણ અને પુનર્વસનની કામગીરી તેમજ સમાજ સેવાની વિવિધ કામગીરીની નોંધ લઈ રાજ્ય સરકાર દ્વારા તારીખ 5 સપ્ટેમ્બરે અમદાવાદનાં ટાગોર હૉલ ખાતે ગુજરાત રાજ્યના મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ શાલ ઓઢાડી સન્માન કર્યું. તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનીત કર્યા હતા. ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ 51,000/ રૂપિયા રોકડ પુરસ્કાર આપી તેમને સન્માનીત કર્યા હતા. પંચમહાલ જિલ્લામાથી સૌ પ્રથમવાર આ દિવ્યાંગ બાળકોના ખાસ શિક્ષકની કેટેગરીમાં હિરેનકુમારની પસંદગી રાજ્ય પરિતોષિક માટે થઈ હોય એ સમગ્ર પંચમહાલ જિલ્લા માટે તેમજ દિવ્યાંગ મૂક બધિર બાળકો માટે ગૌરવ લેવા જેવી વાત છે.

તારીખ 5મી સપ્ટેમ્બર સમગ્ર ભારતમાં ડો. સર્વપલ્લી રાધાક્રિષ્ણનના જન્મ દિવસે ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે વર્ષ 2022 માટે ગુજરાત સરકાર દ્વારા કુલ 44 શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગોધરા ખાતે આવેલ ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા સ્કૂલમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા હિરેન ગોહેલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, શિક્ષકનો વ્યવસાયએ એવા વ્યવસાય સાથે સંકળાયેલો છે કે જેમ મોચી હોય તે પોતાના સાધનો ઉપર ચંપલ સીવતાં હોય છે, લુહાર છે એ એરણ ઉપર લોખંડને ટીપતો હોય છે, આ બધા સાધનો ઉપર જે પ્રક્રિયા થાય છે તે તમામ સાધનોરૂપી શિક્ષક હોય છે.

લોકો પોતાના જીવનમાં પોતાના અંગત સ્વાર્થને બાજુમાં મૂકી પોતાનું કાર્ય કરતા હોય છે. ચાણક્યએ કીધું હતું કે, પ્રલય ઓર નિર્માણ શિક્ષક કી ગોદ મેં પલતે હે. ઘણા લોકો આનો અર્થ અલગ કાઢતા હોય છે. પરતું મારા મંતે આનો અર્થ એ થાય છે કે પ્રલય એટલે કે બાળકોની અંદર જે ખોટી આદતો, માન્યતાઓ, ગેરસમજની અજ્ઞાનતા છે. એની ઉપર પ્રલય લાવવાનો તેને દૂર કરીને એની અંદર સારા નાગરિકનું નિર્માણ કરવાનું છે. આ ઉપરાંત તેઓ જણાવ્યું હતું કે, ગોધરાની જનતા તેમજ વહીવટી તંત્ર અધિકારીઓ સહિત સ્ટાફના માણસોએ સારો સપોર્ટ કર્યો છે. માત્ર 15 બાળકોથી શરૂ કરેલ ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા સ્કૂલમાં આજે 116 મૂક બધિર દિવ્યાંગ બાળકો અભ્યાસ કરે છે. આ બધી કામગીરીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરી ગુજરાતના રાજ્યપાલના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...