ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી:ગોધરા- વાવડી બુજર્ગ ગ્રામ પંચાયતને નગરપાલિકામાં સમાવતા વિરોધ, ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

પંચમહાલ (ગોધરા)16 દિવસ પહેલા

ગોધરા તાલુકામાં સમાવેશ થતી વાવડી બુઝર્ગ ગ્રામ પંચાયતના ગ્રામજનો ગોધરાના સર્કિટહાઉસ ખાતે ભેગા થઈને એક રેલી સ્વરૂપે હાથમાં પ્લેકાર્ડ સાથે પાછી આપો પાછી આપો અમારી પંચાયત પાછી આપો નહીં ચલેગી નહીં ચલેગી તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચાર સાથે ગોધરા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

સીંગલ જજે પીટીશન ફગાવી દીધી
સરકાર દ્વારા 2015ના પાડેલા જાહેરનામા પ્રમાણે વાવડી બુઝર્ગ ગ્રામ પંચાયતને ગોધરા નગર પાલિકામાં સમાવવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. આ બાબતે ગ્રામજનો વતી પંચાયતએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતી. જે હાલ સીંગલ જજે અમારી પીટીશન ફગાવી દીધી હતી. જે બાબતે નામદાર હાઇકોર્ટમાં એલપીએ /29835/2022થી પિટિશન દાખલ કરી છે.

સરમુખત્યાર શાહી જેવો નમૂનો ઊભો કર્યોઃ ગ્રામજનો
​​​​​​​
વાવડી બુઝર્ગ ગ્રામ પંચાયતની ચુંટણીને ત્રણથી ચાર મહિના થયા છે અને હજુ ચારથી સાડા ચાર વર્ષનો સમય ગાળો બાકી છે અને નગરપાલિકાની ચૂંટણી આવવાને પણ હજુ ત્રણથી ચાર વર્ષ બાકી હોવા છતાં સરકાર દ્વારા અમારી પ્રત્યે ઓરમાયું વર્તન રાખી અમારી પંચાયતના કોઈપણ વ્યક્તિને કે હોદ્દેદાર તેમજ પંચાયતી રાજના પ્રતિનિધિઓને જાણ કર્યા વગર ફક્ત સરકારી અધિકારીને સાથે રાખીને પંચાયતના દફતરનો ચાર્જ લઇ સરમુખત્યાર શાહી જેવો નમૂનો ઊભો કર્યો હતો. આથી વાવડી બુઝર્ગ ગ્રામ પંચાયતને ગોધરા નગરપાલિકામાં લેવાના સરકારના આ નિર્ણયને અમે પંચાયતના લોકો સખત શબ્દોમાં વખોડીએ છે.

લોકો નગરપાલિકાનો વેરો ભરી શકે તેમ નથી
વાવડી બુઝર્ગ ગ્રામ પંચાયત વિસ્તારમાં કામદારો લોકો મજૂરો આદિવાસી અને ગરીબ ખેડૂત પ્રજા રહે છે. જે મોટાભાગે બીપીએલ કાર્ડ ધારકના લાભાર્થીઓ છે અને સરકારના દ્વારા આપવામાં આવેલા આવાસમાં રહે છે. માટે આ લોકો નગરપાલિકાનો વેરો ભરી શકે તેમ નથી. આ વિસ્તારમાં 50 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો છે. જે આદિવાસીની 73 AA વાળી જમીનમાં વસે છે અને આ બાબતે આદિવાસીઓના એફિડેવિટ નામદાર હાઇકોર્ટમાં રજૂ કરેલ છે. અમારી વાવડી બુઝર્ગ ગ્રામ પંચાયતના ધોળાકુવા વિસ્તારને અલગ ગ્રામપંચાયતનો દરજજો આપવા અમે વખતો વખત રજૂઆત કરવા છતાં તે માંગણી હજુ સુધી સરકારે સ્વીકારી નથી.

ગોધરા જિલ્લા કલેકટરને આવેદનપત્ર
વાવડી બુઝર્ગ ગ્રામ પંચાયતને જો નગરપાલિકામાં સમાવવામાં આવશે તો વાવડી બુઝર્ગના ગ્રામજનો કોઈ પ્રતિનિધિ લાંબા સમય સુધી અસ્તિત્વ રહેશે નહીં. અમારા ગ્રામ પંચાયત વિસ્તારમાં રોડ લાઈટ અને પાણીની વ્યવસ્થા ખૂબ જ સારી છે. તથા અમારે રોજગારી માટે પશુ ઉદ્યોગ અને ખેતી કરીને જીવીએ છીએ અને ગ્રામ પંચાયતનો વેરો ભરીએ છે. તો આટલી સવલતો હોવા છતાં અમે નગરપાલિકાનો વધારે વેરો શા માટે ભરીએ અને આપણા પ્રધાનો ગામડાને વધુ પ્રાધાન્ય આપે છે. તેથી અમારું ગામડું ગામડું રહે તે માટે અમે ગ્રામજનોએ નક્કી કરેલ છે કે આવા અમાનુષી અન્યાય સામે આવનાર ગોધરા વિધાનસભાની ચૂંટણીમાં અમારા વિસ્તારના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરીશું. તેવા આક્રોશ સાથે આજરોજ ગોધરા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...