વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ:ગોધરા પોલીસે લોક દરબાર યોજયો, જિલ્લા SPએ લોકોને કહ્યું, વ્યાજખોરોથી ડરો નહીં પોલીસને માહિતી આપો, અમે કડક કાર્યવાહી કરીશું

પંચમહાલ (ગોધરા)25 દિવસ પહેલા

ગોધરા શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની આર્થિક મજબૂરીનો ફાયદો ઉઠાવી ઉંચા દરે વ્યાજ વસૂલનો ધંધો કરતાં વ્યાજખોરો સામે પંચમહાલ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ લોકોમાં જાગૃતિ આવે તે માટે પંચમહાલ પોલીસ અધિક્ષક દ્વારા લોક દરબારનું આયોજન કરાઈ રહ્યું છે.

જેમાં આજરોજ ગોધરાના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલી પોલીસ તાલીમ ભવનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના-મોટા વેપારીઓ સહિત ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સ્થાનિક લોકોને વ્યાજખોરો હેરાન કરતા હોય અથવા ગેરકાયદેસર ઊંચું વ્યાજ વસૂલ કરતા હોય તો તેવા વ્યાજ ખોરોની માહિતી આપવા પોલીસ અપીલ કરી હતી. અને આવા વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ખાતરી પણ આપવામાં આવી હતી.

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના મજબુર લોકોની આર્થિક મજબૂરીનો ફાયદો ઉપાડી ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજદરે વ્યાજ વસૂલનો ધંધો કરતા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે 31મી જાન્યુઆરી સુધી પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત કેટલાક બનાવોમાં લોકો પોલીસ ફરિયાદ કરતા ડરી રહ્યાં છે. તો બીજી તરફ લોકોમાં જાગૃતિનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. જેને લઇને પંચમહાલ પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આજરોજ ગોધરાના પોલીસ તાલીમ ભવન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લોક દરબારમાં પંચમહાલ જિલ્લા ગોધરાના નાયબ પોલીસ મહા નિરીક્ષક ચિરાગ કોરડીયા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાયબ પોલીસ અધિક્ષક પી.આર રાઠોડ સહિત પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા નાના મોટા વ્યાપારીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. જ્યારે પંચમહાલ જિલ્લા ગોધરા રેન્જના નાયબ પોલીસ મહા નિરીક્ષક ચિરાગ કોરડીયાએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર રીતે જે બમણું વ્યાજ વસૂલ કરતા હોય તેવા લોકો સામે રાજ્ય સરકાર ગંભીર છે અને લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેમજ માનસિક રીતે હેરાન પરેશાન કરી પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે અને જરૂર જણાશે તો આવા વ્યાજખોરો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...