ગણેશ વિસર્જનની તૈયારીને આખરી ઓપ:ગોધરા નગરપાલિકાએ ખાસ આયોજન કર્યું; વિસર્જન રૂટનું સમારકામ કરી લાઈટીંગ ગોઠવવામાં આવી, 60 તરવૈયાની ટીમ રહેશે હાજર

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા

ગોધરા શહેરમાં આવતીકાલે પાંચ-પાંચ દિવસ સુધી આતિથ્ય માનનાર દુંદાળા દેવ ગણપતિ બાપાના વિસર્જન યાત્રાને અનુલક્ષીને ગોધરા નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલી કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. શહેરના જે મુખ્ય માર્ગ પરથી વિસર્જનયાત્રાના વરઘોડા નીકળવાના છે તે તમામ રૂટ પર નગરપાલિકા દ્વારા ખાડાઓ પૂરી તેના પર યોગ્ય સમારકામ કરી દેવામાં આવ્યું છે. તેમજ ગોધરાના રામસાગર તળાવ ખાતે ત્રણ ક્રેઇન સાથે તરાપાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે પાલિકા દ્વારા કૃત્રિમ તળાવનું આયોજન કરવામાં આવેલ નથી માટે તમામ પ્રતિમાઓનું વિસર્જન રામસાગર તળાવમાં કરવામાં આવશે. 60 જેટલા તરવૈયાઓની ટીમ શહેરના તમામ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરનાર છે.

ગોધરા નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ સોનીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે, ગણેશ વિસર્જન યાત્રાને અનુલક્ષીને નગરપાલિકાની કામગીરી એક મહિના પહેલા શરૂ કરી દેવામાં આવી હતી. જે રૂટ પરથી ગણેશ વિસર્જનના વરઘોડા નીકળવાના છે તે તમામ રોડ રસ્તાના ખાડા પૂરી તેના પર રોલર ફેરવી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ સવારથી જ પાલિકા દ્વારા ફરીથી આ વિસર્જન રૂટ પર રેતી-કપચી નાખી કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત તમામ વિસર્જન રૂટ પર લાઇટીંગની વ્યવસ્થા તેમજ રામસાગર તળાવ ખાતે ત્રણ ક્રેઇન સાથે તરાપાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વિસર્જન યાત્રાના વરઘોડા દરમિયાન કોઈપણ મંડળને અગવડ ન પડે તે માટે નગરપાલિકા પ્રયત્નશીલ રહેશે. આ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...