ગોધરામાંથી પસાર થતી મેસરી નદી એક જમાનામાં ઉંડી હતી. ચોમાસા દરમયાન આ નદીમાં પૂર આવે તો પાણીનો નિકાલ થઈને પાણી આગળ વહી જતું હતું. પરંતુ પાછલા કેટલાક સમયથી મેસરી નદીમાં કચરો નાખવામાં અાવતા તથા નદીમાં ઝાડી ઝાંખરા ઉગી નિકળતા પાણીના વહેતા પ્રવાહને અડચણ રૂપ અને નદી છીછરી થઇ રહી છે.
જેને કારણે દિન પ્રતિદિન નદીની પરિસ્થતિ ખરાબ થતા નદી અેક નાળાના સ્વરૂપમાં જોવા મળી રહી છે. નદીના ગોન્દ્રા વિસ્તારની આસપાસનો ભાગ કચરાના કારણે પુરાતા ચોમાસાના સામાન્ય વરસાદમાં પૂર જેવી પરિસ્થિતી સર્જાતા ગોન્દ્રા વિસ્તારના નદી કિનારાના અમુક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘુસી જતા લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવતા હોય છે.
વધુમાં ગોન્દ્રા પાસે આવેલ ક્રોઝવે પુલની આસપાસ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. જેને કારણે કોઝવેના નાળા સદંતર પુરાઈ જતા હોય છે. અને અસહ્ય ગંદકીને કારણે નદીમાંથી પસાર થતી વખતે રાહદારીઓને માથું ફાડી નાખે તેવી દુર્ગંધનો સામનો કરવો પડે છે. વધુમાં અા માર્ગ ઉપરથી ગોધરા કોર્ટ તથા સિવિલ જવા માટે લોકો અવર જવર કરતા હોય છે. જેતે વિભાગ દ્વારા નદીની સાફ સફાઇ કરાય તે જરૂરી છે.
રજૂઆતોને ધ્યાન પર લેવામાં આવેલ નથી
નદીની સાફસફાઈ કરવા માટે તંત્રને અનેક વાર ઉચ્ચ કક્ષાની રજૂઆતો મૌખિક તથા લેખિત કરી ચુક્યા છે. પણ રજૂઆતોને ધ્યાન પર લેવામાં આવેલ નથી. જો સમયસર નદીની સાફસફાઈ અને ઊંડાઈની કામગીરી કરવામાં નહીં આવે તો ચોમાસાના પૂરને લઈ ને ભારે હોનારત સર્જવાની શક્યતાઓ છે. - યાકુબભાઈ બક્કર, વોર્ડ કાઉન્સિલર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.