પંચમહાલ જિલ્લાની અભયમ ટીમની પ્રસંશનીય કામગીરી સામે આવી છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિત વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમની સુરક્ષા આપવા માટે સરકાર દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઈન ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK-EMRI દ્વારા સંકલિત રીતે 2015માં 8 માર્ચ (આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ)ના રોજ શરુ કરવામાં આવી હતી.પંચમહાલમાં છેલ્લા આઠ વર્ષમાં મહિલા અભયમની ટીમ દ્વારા મહિલા હેલ્પલાઈનમાં સલાહ, સૂચન, મદદ,માર્ગદર્શન માટે કુલ કોલ 43175 અને સ્થળ પર 7785 જેટલી મહિલાઓને મદદ પહોંચાડીને સરાહનીય કામગીરી કરી છે.
8 વર્ષમાં 11.76 લાખ મહિલાઓએ મદદ મેળવી
માત્ર 8 વર્ષનાં ટૂંકા સમયગાળામાં જ 11,76,102થી વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. 181એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ પર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલિંગ દ્વારા 2,37,901 જેટલી મહિલાને મદદ કરવામાં આવી છે. 1,49,335 જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કર્યો છે. 71,872 જેટલી મહિલાઓને ગંભીર પ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ પર જઈને તથા લાંબાગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ થકી મદદ કરવામાં આવી છે.
અમદાવાદમાં નવી 12 રેસ્ક્યુ વાન જાહેર કરાઈ છે
રાજ્યની મહિલાઓને સામાજિક અને આર્થિક રીતે સુદૃઢ બનાવવા “સેફ સિટી” પ્રોજેક્ટ હેઠળ અમદાવાદમાં નવી રેસ્ક્યુ વાન જાહેર કરવામાં આવી છે. ખૂબ જ ઓછા સમયમાં રેસ્ક્યુ વાનની સેવા મળી રહે તે હેતુથી નવી 12 અભયમ રેસ્ક્યુવાનને 181 અભયમ મહિલા હેલ્પલાઈન હેઠળ 5 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવી છે.
181 હેલ્પલાઇનની વિશેષતા
મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરવી, મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપવામાં આવે છે. 108ની સેવા તેમજ ટેક્નોલોજીનો ઉપયોગ કરી 24 કલાક સેવાઓ આપતી હેલ્પ લાઈન છે. પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું. મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી.
મહિલાઓને 181 અંતર્ગત નીચે મુજબની સેવાઓ
ફોન પર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સેલિંગની માહિતી, કોઈ મહિલા સાથે હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્ક્યુની સેવા આપવામાં આવે છે. જરૂરી માહિતીમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ જેવી કે મહિલા પોલીસ સ્ટેશન, વન સ્ટોપ સેન્ટર, મફત કાનૂની સહાય સેવાઓ, કાઉન્સેલિંગ સેન્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, મહિલા અને બાલ વિકાસ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા આયોગ, નારી સંરક્ષણ ગૃહ, મહત્ત્વના માળખાઓની સંપર્ક માહિતી તેમજ કોન્ફરન્સ દ્વારા સીધું જોડાણ કરવામાં આવે છે. સાથે જ સરકાર દ્વારા મહિલાઓના વિકાસ માટે શરુ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તે મેળવવા માટેના સ્થાનિક સંપર્કની માહિતી આપવામાં આવે છે.
કયા કયા પ્રકારની હિંસા સામે મહિલાને મદદ મળી શકે?
-મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળેને લગતી બાબતો)
-શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ
-લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો
-જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો
-કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી
-માહિતી (કાર્યક્રમો, યોજનાઓ, સેવાઓ)આર્થિક ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.