ગોધરાના દાહોદ હાઈવે પાસે આવેલ વાવડી બુઝર્ગ જલારામ મંદિર ખાતે એક નેપાલિયન પરિવારના મકાનમાં લાઈટના મીટર વાયરમાં શોર્ટ સર્કિટ લાગવાથી આગ લાગી હતી. જેમાં ચાર જેટલા નેપાલિયન પરિવારના લોકો ઘરમાં ફસાયા હતા. જેથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુના લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરી હતી. અને તાત્કાલિક ફાયર બ્રિગેડના ચીફ સુપ્રિટેન્ડન્ટ પી.એફ.સોલંકી સહિત ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી આવી ચાર લોકોને હેમખેમ બહાર નીકળવામાં આવ્યા હતા. જેમાં એક નેપાલિયન યુવાનને શરીરે ગંભીર પ્રકારે દાઝી જવાથી તાબડતોબ ગોધરા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતો. પરંતુ ગોધરા હોસ્પિટલમાં કેસ ન લેતા તાત્કાલિક વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મીટરના વાયરમાં શોર્ટ સર્કિટ લાગવાથી આગ ભભૂકી ઉઠી
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરાના વાવડી બુઝર્ગ પાસે આવેલ જલારામ મંદિર પાસે એક ચાઈનીઝનો ધંધો કરતા એક નેપાલિયન પરિવાર રહે છે. આજે સવારે દશામાંના વ્રત હોવાના કારણે ઘરમાં માતાજીની આરતી કરી રહ્યા હતા એ દરમિયાન લાઈટના મીટરના વાયરમાં શોર્ટ સર્કિટ લાગવાથી આગ ભભૂકી ઉઠી હતી. આગે જોતજોતામાં દરવાજા પાસે લગાવેલ પડદાને ઝપેટમાં લેતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘરમાં રહેલા ગેસના બોટલામાં પણ આગ ફાટી નીકળતા ગેસ લીકેજ થતા અફડાતફડી મચી જવા પામી હતી.
સારવાર અર્થે વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
આગના કારણે ઘરવખરી સમાન સળગીને ખાખ થઈ ગયો હતો. આગમાં ચાર જેટલા લોકો ફસાયા હતા જેના કારણે આજુબાજુમાં રહેતા લોકોએ ફાયર બ્રિગેડના સ્ટાફને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના ચીફ સુપ્રિન્ટેન્ડન્ટ પી.એફ.સોલંકી અને તેમના ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અને ગેસના બાટલાને લીકેજ થતા તેને તાત્કાલિક ઊંચકીને પાણીના ખાબોચિયાં નાખી દીધા હતા. ત્યાર બાદ ઘરમાં ફસાયેલા ચાર લોકોને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જેમાં આશીષ કુમાર તમાંગને શરીરે ગંભીર પ્રકારે દાઝી જતાં તાત્કાલિક સારવાર માટે ગોધરા હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ અહીંયા ડોક્ટરે કેસ ન લેતા તાત્કાલિક સારવાર અર્થે વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.