મહિલાએ રડતાં રડતાં કહ્યું, 'સાહેબ, અમારી સામે તો જુઓ...':ગોધરામાં ઘરો પાણીમાં ડૂબતાં પરિવારો આખી રાત ભૂખ્યા-તરસ્યા બેસી રહ્યાં, ચારેકોર પાણી વચ્ચે માસૂમ ફસાઈ

ગોધરા3 મહિનો પહેલા
  • ઝૂલેલાલ સોસાયટી, સિંધુરીમાતા મંદિર, તીરઘરવાસ વગેરે વિસ્તારો પાણીમાં ગરકાવ
  • દર વર્ષે આવી જ પરિસ્થિતિમાં ભૂખ્યાં-તરસ્યાં રહીએ છીએ - બાળકીની દાદી

ગોધરા શહેરમાં ગઈકાલે સાંજના સુમારે ધીમે ધારે વરસાદ વરસી રહ્યો હતો. જેમ જેમ સમય પસાર થતો રહ્યો એમ એમ વરસાદ પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરી અનરાધાર વરસતો રહ્યો હતો. સમગ્ર શહેરમાં પાણી જ પાણી, જ્યાં જાઓ ત્યાં બસ એક જ વાત સાંભળવા મળે કે ગોધરા શહેરના યોગેશ્વર સોસાયટીમાં ઝૂલેલાલ સોસાયટી, સિંધુરીમાતા મંદિર, વાલ્મીકિવાસ, તીરઘરવાસ વગેરે વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમને આ બાબતે જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આવા જ એક પીડિત પરિવારની મુલાકાત લઈ તેમની મુશ્કેલીઓ સાંભળી હતી.

તંત્રના એકપણ અધિકારીએ વિસ્તારની મુલાકાત ન લીધી
જોકે એકબાજુ, કુદરતી વરસાદનો પ્રકોપ અને બીજી બાજુ, ગોધરા શહેરના અતિપછાત ગણાતા એવા વાલ્મીકિવાસ, નવા તીરઘર વાસ, ઢોલીવાસ, છકડાવાસ વગેરે સ્લમ વિસ્તારોમાં પાણી ફરી વળતાં ત્યાંના લોકો બેહાલ બની ગયા હતા, પરંતુ વહીવટી તંત્રના એકપણ અધિકારીએ આ વિસ્તારની મુલાકાત લીધી ન હતી. જો કે બાદમાં વહીવટીતંત્ર પણ દોડતું થઇ ગયું હતું. એમાં નગરપાલિકા ટીમ દ્વારા જે વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં એમાં જેસીબી મશીન દ્વારા પાણીનો નિકાલ કરાયો હતો.

સ્લમ વિસ્તારોમાં પાણી ફરી વળતાં ત્યાંના લોકો બેહાલ બની ગયા
સ્લમ વિસ્તારોમાં પાણી ફરી વળતાં ત્યાંના લોકો બેહાલ બની ગયા

ચોમાસા દરમિયાન પૂરની પરિસ્થિતિ ઊભી થાય છે - સ્થાનિક
ત્યાં રહેતાં મોરીબેન ચંદુભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા ઘરની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે મુખ્ય કેનાલ આવી છે, જેને નિયમિત રીતે સફાઈની કામગીરી હાથ ધરવામાં ન આવતાં ચોમાસા દરમિયાન પૂરની પરિસ્થિતિ ઊભી થાય છે અને આખા નવા તીરઘરવાસ, વાલ્મીકિવાસ, છકડાવાસ સિંધુરીમાતાના મંદિર વગેરે વિસ્તારમાં પાણી ઘરોમાં ઘૂસી જાય છે, જેને કારણે ઘરવખરી સાધનસામગ્રીઓ પાણીમાં તણાઈ જાય છે અને પારિવારિક તકલીફ ભોગવવી પડે છે.

પાણીમાં ઘરવખરી તણાઈ, એક માસૂમ બાળકી ચારેકોર પાણીની વચ્ચે ફસાઈ
પાણીમાં ઘરવખરી તણાઈ, એક માસૂમ બાળકી ચારેકોર પાણીની વચ્ચે ફસાઈ

બાળકીની ચારેબાજુ પાણી જ પાણી
દિવ્ય ભાસ્કરની ટીમે આ વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો, જ્યાં તેમની નજર એક બાળકી પર પડે છે, જે એક ઘરમાં એક પલંગ પર ચારેબાજુ જાણે નદીના વહેણ વહેતા હોય એમ તે બાળકી એક પલંગમાં ચારેબાજુ પાણી જ પાણીમાં સૂતેલી જોવા મળી હતી અને તેના પિતા સહિત તેમના પરિવારના સભ્યો તેને ચારેબાજુ પાણીમાં લઈ બેસી રહ્યા હતા. બાળકીની દાદીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે દર વર્ષે આવી જ પરિસ્થિતિમાં રહીએ છીએ. ઘણી વખત વીજપુરવઠો બંધ થઈ જાય તો એમ અમારા પરિવારના સભ્યો સાથે ભૂખ્યા-તરસ્યા પાણીમાં બેસી રહીએ છીએ અને રાતના ભૂખ્યા સવારે ઘરમાંથી પાણી ઓસરી જાય ત્યારે અમે અન્નનો દાણો મુખે મૂકીએ છીએ.

પરિવારને ભૂખ્યા-તરસ્યા આખી રાત પાણીમાં કાઢવાનો વારો આવ્યો
પરિવારને ભૂખ્યા-તરસ્યા આખી રાત પાણીમાં કાઢવાનો વારો આવ્યો
અન્ય સમાચારો પણ છે...