કાલોલ તાલુકાના એરાલ ગામે રહેતા અને પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે મજૂરી અર્થે વડોદરા જિલ્લાના આજવા ગામે ગયેલા શ્રમિક હોળીના તહેવારને અનુલક્ષીને પોતાના ઘરે હોળી અને ધુળેટીના તહેવાર માટે આવ્યા હતા જ્યાં પંચાયત દ્વારા પોતાના ઘરે સરકારી શૌચાલય બનાવી આપ્યું હતું, પરંતુ દપટ ખોદવાની બાકી હતી. જેથી તેઓ પોતાના ઘરના કુટુંબના ભાઈને બોલાવી દપટ ખોદવાની કામગીરી અને આજૂબાજૂ વાડ બનાવી રહ્યા હતા. ત્યારે તેમના જ કુટુંબીજનોના દાદીનો છોકરો આ શ્રમિકભાઈ પાસે આવીને કહેવા લાગ્યો હતો કે, તમે પેલા મોટીબાના મકાન માટે જે જગ્યા આપી છે. ત્યાં કેમ મકાન બનાવો છો તેમ કહી ઝપાઝપી કરી મા-બેન સમા અપશબ્દો બોલીને નરાશ લઈને માથાના ભાગે ફટકા મારીને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી ભાગી ગયો હતો. જેથી તેમને તેમના પરિવારના સભ્યોએ તાત્કાલિક 108 દ્વારા મલાવ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા. જ્યાં તેમને સારવારની વધુ જરૂર હોવાથી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
આ બનાવ સંદર્ભે કાલોલ તાલુકાના એરાલ ગામે આવેલ ડુંગરી ફળિયામાં રહેતા જગદીશ નાયકે જણાવ્યું હતું કે, આજથી બે દિવસ પહેલા તેમના કુટુંબના પોતાના દાદીનો છોકરો દશરથ ઉર્ફે બોડિયો કનુ નાયક તેમના ઘરે આગળ આવીને તેમના પિતા શના નાયકને કહેવા લાગ્યો હતો કે, મોટીબા સવીબાના નામે જે સરકારી ઘર મંજૂર થયેલું છે તે ઘરમાં તમે ખેતર કેમ બનાવો છો. ત્યાંથી અમારે આવવા જવા માટે તથા પશુઓ ચઢાવવા માટે નદીમાં જવાનો રસ્તો છે. માટે તું ત્યાં ઘર બનાવીશ તો અમારે ક્યાંથી આવવા જવાનું. માટે તું ઘર બનાવીશ નહીં તેમ કહીને ઝપાઝપી કરવા લાગ્યો અને મા-બેન સમા અપશબ્દો બોલવા લાગ્યો . જેની ના પાડતાં દશરથ નાયક લોખંડની નરાસ વડે શના નાયકના માથાના ભાગે તેમજ શરીરના કમરના ભાગે ત્રણથી ચાર ફટકા મારીને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડતા તાત્કાલિક મલાવ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં તેમને વધુ સારવારની જરૂર પડતા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હાલ વેજલપુર પોલીસે દશરથ ઉર્ફે બોડીયા કનુ નાયક વિરુદ્ધ ઇપીકો કલમ 302, 504 તથા જીપીએક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.