સાહસિકતાથી સ્વાલંબન:ગોધરામાં એન્જીનીયર મહિલાએ શરૂ કર્યો ગૃહ ઉદ્યોગ, આજે લાખોની કમાણી કરી બન્યા મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત

પંચમહાલ (ગોધરા)13 દિવસ પહેલા
  • 21 વર્ષીય મહિલા હિનલ પટેલે નીલકંઠ ગૃહ ઉધોગ કર્યો શરૂ
  • સરકારની શ્રી બાજપાઈ બે‍ન્કેબલ યોજના અંતર્ગત સાહસિક મહિલાનું આર્થિક જીવન ધોરણમાં આવ્યો બદલાવ
  • મહિલા સ્વાલંબન દિને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરતા પટેલને કરાયા સન્માનિત

રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના ઉત્થાન અને મહિલા સશક્તિકરણ માટે અનેકવિધ અદમ્ય પ્રયાસો થકી મહિલાઓએ આત્મસુઝથી સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. ત્યારે મહિલાઓ સ્વનિર્ભર થઈને પોતાનો ખુદનો વ્યવસાય કરીને સશક્ત બની આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કર્યો છે. આજ દિશામાં વધુ નક્કર કદમ ભરી નારી સંરક્ષણ અને સન્માન માટે નારી વંદન ઉત્સવના ત્રીજા દિવસે મહિલા સ્વાલંબન કાર્યક્રમમાં જિલ્લા ઉધોગ કેન્દ્રની શ્રી બાજપાઈ બે‍ન્કેબલ યોજનાનો લાભ લઇ નીલકંઠ ગૃહ ઉધોગ સાથે સંકળાયેલ સાહસીકતાથી સ્વાલંબન તરફ પ્રયાણ કરનાર ગોધરાના સિવિલ એન્જીનીયર મહિલા હિનલ પટેલ કે જેમનું આજે સન્માન થયું છે. જેના થકી તેઓ અન્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

બેંકમાંથી લોન લઈ ઉદ્યોગ શરૂ કર્યો
આ અંગે પ્રતિભાવ આપતાં હિનલ પટેલે જણાવ્યું હતુ કે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સહયોગથી મને શ્રી બાજપાઈ બે‍ન્કેબલ યોજના અંતર્ગત બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાંથી રૂા.3.30 લાખની લોન મળી છે. જે ખૂબ ઓછા દરે લોન મળી છે. જેના થકી મે નીલકંઠ ગૃહ ઉધોગની શરૂઆત કરી હતી. આ લોન દ્વારા ઇલેકટ્રીક બે ઓટોમેટીક મશીન વસાવ્યા છે. આ ઉપરાંત મને સરકાર દ્વારા રૂા.92.200/- સહાય મળી છે. મારા આ ગૃહ ઉધોગમાં અમે પાપડ, મઠીયા, ચોળાફળી, વડી, સુવાંળી સહિત પાણીપુરીની વસ્તુઓ બનાવીને વેચાણ કરીએ છીએ. આ મશીન થકી તૈયાર થયેલ પાપડના જથ્થાબંધ વેપારીઓ, છુટક દુકાનદારો ઘેર બેઠા લેવા આવતા હોવાથી અમોને ઓર્ડર પણ સરળતાથી મળી રહ્યાં છે. જેના થકી મારી આવકમાં વધારો થયો છે. આ ઉધોગ દ્વારા હું અને બીજી ત્રણ મહિલાઓને રોજગારી પુરી પાડું છું. આ ગૃહ ઉદ્યોગ થકી ઉત્પાદન કરીને વધારાની આવક મેળવી કુટુંબને આર્થિક રીતે મદદ કરી કુટુંબનું ભરણપોષણ કરી શકું છું. તેઓ વધુમાં જણાવે છે કે, સરકારની શ્રી બાજપાઈ બે‍ન્કેબલ યોજના હેઠળ મળેલ લાભથી મારા પરિવારનું આર્થીક જીવન ધોરણ ઉંચુ આવ્યું છે. જિલ્લા ઉદ્યોગની યોજના અંતર્ગત મળેલ લાભથી હું સરકારનો આભાર વ્યક્ત કરૂ છું.

આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત
સરકારની અનેકવિધ મહિલાલક્ષી યોજનાઓ થકી આજે સમાજમાં દરેક મહિલા આ પ્રકારના કાર્યો હાથ ધરી તેઓનું જીવનધોરણ પરિવર્તન કરી શકે છે. સૌ બહેનોએ આવા કાર્યમાં જોડાવા પ્રયત્નશીલ બનવું જોઈએ. જેના થકી આત્મનિર્ભર ગુજરાત આત્મનિર્ભર ભારતની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરિકલ્પનાને બળવંત બનાવશે.

અન્ય સમાચારો પણ છે...