ગુજરાત રાજ્યમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ પોતાની સરકાર બનાવી લીધી છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરા શહેરની જનતા જ્યારે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકીને ખોબલે ભરી મત આપ્યા હોય ત્યારે પ્રજાની પણ સરકાર પાસે અપેક્ષા હોય જેથી ગોધરા શહેરમાં આવેલા શહેરા ભાગોળ રેલવે ફાટક અંડર પાસ બ્રિજ બનાવવા માટે વહેલી તકે કામગીરી હાથ ધરવામાં આવે તે માટે લોકોએ માંગ કરી છે.
10 મહિના પહેલા અંડરપાસ બ્રિજ બનાવવા ખાતમુહૂર્ત કરાયો હતો
ગોધરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવા માટે આજથી 10 મહિના પહેલા ગુજરાત રાજ્ય કક્ષાના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદીના વરદ હસ્તે ગોધરા શહેરના શહેરા ભાગોળ ફાટક પાસે અંડરપાસ બ્રિજ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો. પરંતુ ચોમાસાની સિઝનના લીધે અંડરપાસ બ્રિજ બનાવવાની કામગીરી અટકી ગઈ હતી અને દિવાળી પછી તરત જ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી હતી. આદર્શ આચારસંહિતાના લાગુ પડતા તમામ સરકારી કામો અટકી ગયા હતા.
વિકાસલક્ષી કામોને ફરી ગતિશીલ બનાવે તેવી અપેક્ષા
પરંતુ હવે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પતી ગઈ છે અને આદર્શ આચારસંહિતાને પણ હટાવી દેવામાં આવી છે. બીજી બાજુ ગુજરાત રાજ્યમાં ફરી એકવાર પ્રજાએ ભાજપ સરકાર પર વિશ્વાસ મૂકી સરકાર બનાવવાની વધુ એક તક આપી છે. ત્યારે ગોધરા શહેરમાં વર્ષો જૂની સમસ્યા શહેરા ભાગોળ રેલવે ફાટક પાસે ટ્રાફિક સમસ્યા જેના લીધે કલાકો સુધી રાહદારીઓ અને વાહન ચાલકોને ઊભા રહેવું પડે છે. માટે ગોધરા શહેરની જનતા નવી બનેલી ભાજપ સરકાર પાસે વહેલી તકે ગોધરા શહેરના શહેરા ભાગોળ ફાટક પાસે અંડર પાસ બ્રિજ સહિત અધૂરા રહેલા વિકાસલક્ષી કામોને ફરી એકવાર ગતિશીલ બનાવે તે માટે અપેક્ષા રાખી રહી છે.
કામગીરી વહેલી તકે શરૂ કરવા માગ
ગોધરામાં રહેતા સ્થાનિક સંજય તેહલ્યાણી એ જણાવ્યું હતું કે, ગોધરા શહેરા ભાગોળ ફાટક પાસે ટ્રાફિકની સમસ્યા એ સૌથી મોટી સમસ્યા છે. કેમ કે અહીંથી પસાર થતી ટ્રેન એક નહિ પરંતુ ત્રણ ટ્રેન નિકળે ત્યારબાદજ ફાટક ખોલવામાં આવે છે. જેના કારણે કલાકો સુધી રાહદારી અને વાહન ચાલકોને ઉભા રહેવું પડે છે. માટે ગોધરાની જનતા વતી તેમને માંગ કરી હતી કે, જે શહેરા ભાગોળ ફાટક પાસે અંડર પાસ બ્રિજ માટે ખાતમુહૂર્ત કરી ગયા છો, તેની કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે તે માટે નવી બનેલી સરકાર પાસે માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.