ઘોઘંબા તાલુકાના સરસવા ગામના સરપંચ વિરુદ્ધ ઉભા થયેલા જન આક્રોશનો માહોલ આજરોજ ધોધંબા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી જઈને ટી.ડી.ઓ વિરુદ્ધ સૂત્રોચાર કરીને સરપંચને છાવરતા હોવાના આક્ષેપો વચ્ચે ગરમાયેલા માહોલને લઈને રાજગઢ પોલીસ તંત્ર કાફલો ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે દોડી આવતા સરસવા ગામનો ગરમાયેલો માહોલ અંતે શાંત બન્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી સરસવા ગામના સરપંચ દ્વારા સ્મશાન જતા રસ્તા ઉપર આવતા એક ખેતરમાંથી ડાઘુઓ માટે પ્રવેશબંધી ફરમાવતા ભારે વિવાદો ઉભા થયા હતા. ત્યારબાદ ગ્રામ પંચાયતના કેટલાક સદસ્યો દ્વારા સંરપચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની માંગણી પણ કરવામાં આવી હતી. જોકે સરસવા ગ્રામ પંચાયતના ગરમાયેલા આ માહોલને લઈને ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારી દ્વારા કાયદેસર કાર્યવાહીઓ કરવામાં થઈ રહેલા આ વિલંબથી રોષે ભરાયેલા ગ્રામજનો આજરોજ ધોધંબા તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બર સમક્ષ પહોંચી જઈને ટી.ડી.ઓ અને સરપંચ વિરુદ્ધમાં ભારે સૂત્રોચારો કરતાં ઘોઘંબા તાલુકાનો રાજકીય માહોલ વધુ એક વખત ગરમાયો છે.
ઘોધંબા તાલુકાના સરસવા ગામ સતત વિવાદોમાં ઘેરાયેલું રહેતું હોય છે. વર્ષોથી સરસવા ગામના સરપંચ દ્વારા સ્મશાનમાં જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જગ્યાની માલિકી હાલોલના એક ઈસમની હોવા છતાં સરસવાના સરપંચ દ્વારા ગેરકાયદેસર રીતે તે જગ્યા ઉપર કબજો જમાવી દેવામાં આવેલો હોવાનો ઉલ્લેખ હાલોલના જમીન માલિક દ્વારા કરવામાં આવી રહ્યો છે. સ્મશાનમાં જવાના રસ્તા ઉપર વારંવાર આડશો કરીને ડાઘુઓને નહીં જવા દઈને મૃતદેહોને કલાકો સુધી રોકી રાખવામાં આવે છે.
તે ઉપરાંત પંચાયતના સરપંચ દ્વારા ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચારો કરવામાં આવ્યા હોવાનું તેમજ ગૌચર જગ્યાઓ પર પોતાની માલિકી કરી દેવા હોવાનું પણ ગ્રામજનો જણાવી રહ્યાં છે. ગ્રામજનો દ્વારા સરપંચ ઉપર ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા હતા. તે ઉપરાંત સરસવા ગામમાં ગ્રામ પંચાયતમાં થતી મીટીંગોમાં પોતાને ન બોલવા દઈને પોતાની મરજી મુજબ મીટીંગો ગોઠવીને નિર્ણયો લેવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે.
રાજગઢ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોવા છતાં પણ સરપંચ દ્વારા જ્યારે પણ સ્મશાનમાં જવાનું થાય, ત્યારે તે રસ્તે નહીં જવા દઈને ધાક ધમકીઓ આપવામાં આવતી હોય છે. ગામ લોકો દ્વારા આરોપ કરવામાં આવ્યો છે કે, ઘોઘંબા તાલુકાનું આ સરસવા ગામના ધારાસભ્ય હાલોલના જયદ્રથસિંહજી પરમાર હોવા છતાં પણ કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા અમોને વારંવાર દબાવવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત સરસવાના સરપંચ હીરાભાઈ દ્વારા ઘોઘંબાના ટી.ડી.ઓ પોતાના ઈશારે જ કામ કરી રહ્યા હોવાના રાજકીય દેખાવમાં સરસવા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી છે, પરંતુ કોઈ પગલા લેવામાં આવતા નથી અને રાજકીય દબાણ વશ થઈને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. એવો આક્રોશ આજ રોજ પ્રજાજનો દ્વારા કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.