ગોધરા તાલુકાના સામલી ગામની પરિણીતાએ તેના પતિ દ્વારા 'તું મને ગમતી નથી અને તારા બાપના ઘરે જતી રહે અને મેં બીજી પત્ની રાખી છે તેને તારે અપનાવી પડશે' તેમ કહી માં-બેન સમા અપશબ્દો આપી ગડદાપાટુંનો માર મારી અને કહેવા લાગેલા કે 'તું મને છુટાછેડા નહીં આપે તો હું તને જાનથી મારી નાખીશ'. એવી ધમકીઓ આપતા આખરે પરિણીતાએ ગોધરા મહિલા પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને તેને રાખેલી બીજી પત્ની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ હતી.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગોધરા તાલુકાના સામલી ગામમાં આવેલા ટીમલી ફળિયા અને હાલ ગોધરા તાલુકાના વેગનપુર ગામે રહેતી અલકાબેન કમલેશભાઈ ધુળાભાઈ પરમારની દીકરી અને સંજયભાઈ ડાયાભાઈ પરમારની પત્ની પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલ કે, છેલ્લા ત્રણેક વર્ષથી સંજયભાઈ ડાયાભાઈ પરમાર મને એમ કહે છે કે, તું મને ગમતી નથી તારા બાપના ઘરે જતી રહી અને જો તારે આ ઘરમાં રહેવું હોય તો સાવિત્રીબેન વસરામભાઈ પરમારને પણ તારે અપનાવી પડશે. તેમ કહી ગુસ્સેથી માં-બેન સમા અપશબ્દો બોલી ગડદાપાટુંનો માર મારતા હતા અને છૂટાછેડા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હેરાન પરેશાન કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.
સાવિત્રીબેન વસરામ ભાઈ પરમારે મને ફોન દ્વારા કહેતી હતી કે, 'હું સંજય જોડે તેની પત્ની તરીકે રહેવાની છું. તું સંજયને છુટાછેડા આપી દે' તેમ ફોન ઉપર ધમકીઓ આપી અપશબ્દો બોલતી હતી. જેથી અલકાબેન પરમારે ગોધરા મહિલા પોલીસ મથકે સંજયભાઈ ડાયાભાઈ પરમાર અને સાવિત્રીબેન વસરામભાઈ પરમાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મહિલા પોલીસે ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.