'ગમે તેટલી વાર બનાવશો અમે તોડી નાખીશું':ખેતરમાં બનાવેલી ફેન્સીંગ વાડ તોડી નાખનાર ચાર સામે ફરિયાદ; ગોધરા એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથધરી

પંચમહાલ (ગોધરા)23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોધરાના ચાંદની ચોક ખાતે આવેલા સર્વોદય સોસાયટીમાં રહેતા અને જાફરાબાદ વિસ્તારમાં આવેલા પોતાના માલિકીના ખેતરમાં ચારેય તરફ દીવાલ બનાવી ફેન્સીંગ કરી હતી. જેને ગોધરાના પંચાલ હોસ્પિટલની બાજુમાં આવેલા ભોઈવાડા ખાતે રહેતા ચાર જેટલા ઈસમોએ ખેતરમાં બનાવેલી દીવાલ અને ફેન્સીંગ તોડી નાખી આશરે 75 હજાર રૂપિયાનું નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

આ બનાવ સંદર્ભે ગોધરા ચાંદની ચોક વિસ્તારમાં આવેલા સર્વોદય સોસાયટીમાં રહેતા દક્ષેશ હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે, પોતાની માલિકી સર્વે નંબર 120 વાળી જમીનમાં કેટલાક લોકો ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા હતા. જેથી તેમને પોતાની માલિકીની જગ્યામાં દિવાલ કરી ફેન્સીંગ બાંધી હતી. જેને ગોધરાના પંચાલ હોસ્પિટલ પાસે આવેલા ભોઈવાડા ખાતે રહેતા જીતેન્દ્ર અશોકભાઈ ભોઈ, વિજય અશોકભાઈ ભોઈ, સંજય અશોકભાઈ ભોઈ અને જીતેન્દ્ર અશોકભાઈ ભોઇની પત્ની જેનું નામ ખબર નથી આ તમામ લોકોએ બળજબરીપૂર્વક દક્ષેશ હસમુખભાઈ પટેલને પોતાની માલિકીની જગ્યામાં ગેરકાયદેસર પ્રવેશ કરીને તેમના ખેતરમાં ચારેબાજુ બનાવેલી દિવાલ અને ફેન્સીંગ તોડી નાખી આશરે 75 હજાર જેટલું નુકસાન કર્યું હતું.

જ્યારે આ બાબતે ખેતરમાં રહેતા હસન આદમભાઈ છકડાએ આ નુકશાન કરી રહેલા ચારેય લોકોને કહ્યું કે, તમો કેમ ફેન્સીંગ અને દીવાલ તોડીને નુકસાન કર્યું. તો ચારેય લોકો કહેવા લાગ્યા હતા કે, હા અમે આ ફેન્સીંગ અને દિવાલ તોડી છે, ગમે તેટલી વાર બનાવશો અમે આ ફેન્સીંગ અને દીવાલ તોડી નાખીશું, તમારાથી જે થાય તે કરી લેજો, હવેથી ફેન્સીંગ બનાવશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. આખરે જમીનના માલિક દક્ષેશ પટેલે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે આ ચારેય લોકો સામે ફરિયાદ દાખલ નોંધાવી હતી. ગોધરા એ ડિવિઝન પોલીસે ચારેય લોકો ઉપર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે.

અન્ય સમાચારો પણ છે...