ડભોઇની કોમર્સ કોલેજ ખાતે આયોજિત ગોવિંદગુરુ યુનિવર્સિટીની આંતર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમાયેલી ફાઈનલ મેચમાં કોમર્સ કોલેજ ગોધરાએ ડભોઇની આર્ટસ કોલેજને હરાવીને જવલંત વિજય મેળવ્યો છે. આ ટુર્નામેન્ટમાં કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મેચ ડભોઇની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અને ગોધરાની સાર્વજનિક કોમર્સ કોલેજ વચ્ચે રમાઈ હતી. જેમાં ગોધરાની ટીમે ભવ્ય વિજય પ્રાપ્ત કરી યુનિવર્સિટીમાં ચેમ્પિયન બનવાનું બહુમાન મેળવ્યું છે.
આ પ્રસંગે બરોડા ક્રિકેટ એસોસિએશનના વાસુભાઈ પટેલ રણજી ટ્રોફી પ્લેયર, સંજુ સાવંત રણજી ટ્રોફી પ્લેયર, પ્રિયંકા વર્મા એસ આર હેડ, નંદન સાવંત એડમીન હેડ, ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડાયરેક્ટર અશ્વિન પટેલ અને કમિટી મેમ્બર બહાદુરસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ડો.સાગર દેસાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. ટ્રોફી વિતરણ સમારંભમાં અધ્યક્ષ તરીકે વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંત પટેલે વિજેતા ખેલાડીને ટ્રોફી આપી પ્રેરણાદાયક પ્રવચન કર્યું હતું. જ્યારે કોમર્સ કોલેજના આચાર્ય ડો. કેયુરભાઈ પારેખે મહેમાનોનું સ્વાગત કરી ટુર્નામેન્ટની સફળતા વિશે માહિતી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટનું માયસ્પોર્ટસ એપ પર જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. વિજેતા ટીમને ગોધરા તાલુકા સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, સેક્રેટરી તથા જિલ્લા પંચાયતના પ્રમુખ કામિની ગોપાલસિંહ સોલંકી તથા કોમર્સ કોલેજ ગોધરા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. પ્રથમ બેટિંગ કરતા ગોધરાની કોમર્સ કોલેજે 156 રન 20 ઓવરમાં બનાવ્યા હતા. જેના જવાબમાં ડભોઇની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ માત્ર 96 રનમાં ઓલ આઉટ થતા કોમર્સ કોલેજ ગોધરાનો 60 અને ભવ્ય વિજય થયો હતો. ટીમના સફળ કેપ્ટન સાહિલે ટ્રોફી લીધી ત્યારે વાતાવરણ તાળીઓથી ગુંજી ઉઠ્યું હતું. મેન ઓફ ધી સીરીઝ તરીકે કોમર્સ કોલેજ ગોધરાના ભાવિન ભોઈ તથા મેન ઓફ ધ મેચ તરીકે કોમર્સ કોલેજ ગોધરાના રોનિત સોલંકીને જાહેર કરાયા હતા અને તેમનું ટ્રોફી આપી સન્માન કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.