શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સ:આગામી તારીખ 14 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ; પરીક્ષાના સુચારુ સંચાલન અને વ્યવસ્થાના ભાગરૂપે આયોજન

પંચમહાલ (ગોધરા)25 દિવસ પહેલા
  • કૉપી લિંક

આગામી તારીખ 14 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે પરીક્ષાના સુચારું સંચાલન અને વ્યવસ્થાના ભાગરૂપે શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં પંચમહાલ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાના અધ્યક્ષતા હેઠળ રચવામાં આવેલી કમિટીના સભ્યોએ વીડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જિલ્લા કલેક્ટર દ્વારા જણાવ્યું હતું કે, તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ સાથે પંચમહાલ જિલ્લામાં પણ પરીક્ષાનું સુચારુ આયોજન થાય તેના અનુસંધાને સબંધીત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને જરૂરી સલાહ સૂચનો કરાયા હતા.

પંચમહાલ જિલ્લામાં ધોરણ 10 અને 12 માટે કુલ 54 પરિક્ષા કેન્દ્ર, 143 યુનિટ અને 1595 બ્લોક પર કુલ 46,605 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં ધો. 10 માટે 33 કેન્દ્ર પર 28,255 વિદ્યાર્થીઓ તથા ધો.12 માટે 21 કેન્દ્ર પર 18,350 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. જિલ્લામાં ધોરણ 10 માટે 87 યુનિટ, 947 બ્લોક અને ધોરણ 12 માટે 56 યુનિટ અને 648 બ્લોક પર પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો ખાતે સીસીસીટી રેકોર્ડિંગ સાથે પરીક્ષા લેવામાં આવશે. આજની આ કોન્ફરન્સમાં નિવાસી અધિક જિલ્લા કલેક્ટર એમ.ડી.ચુડાસમા, જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ પટેલ સહિત કમિટીના સબંધીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...