મુકબધીરો દ્વારા મતદાન જાગૃતિ:ગોધરાની ગાંધી સ્પેશ્યિલ બહેરા મૂંગા વિદ્યાલયના બાળકોએ વિવિધ પ્રકારની રંગોળી બનાવી; મતદારોને મત આપવા પ્રેરિત કર્યા

પંચમહાલ (ગોધરા)10 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા લોકશાહી પર્વની ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રકારના કાર્યક્રમમાં યોજી મતદાન જાગૃતિ કરવામાં આવી રહી છે. આજે ગુરૂવારના રોજ ગોધરા શહેરમાં આવેલા ગાંધી સ્પેશ્યિલ બહેરા મૂંગા વિદ્યાલયના 20 જેટલા બાળકોએ મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રકારની રંગોળી બનાવી મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા.

વોટ આપે તેવા ચિત્ર દોરવામાં આવ્યા
ગોધરા શહેરમાં આવેલ ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા વિદ્યાલયમાં મુકબધીર બાળકો દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીના અનુલક્ષીને મતદારોને પ્રેરિત કરવા માટે અને અવશ્ય મતદાન કરે તે હેતુથી વિવિધ પ્રકારની રંગોળી બહેરા મૂંગા બાળકોએ પોતાના હસ્તે દોરી હતી. જેમાં PWD મતદારો પણ મતદાન કરી શકે તે માટે તેમજ પ્રત્યેક મતદાર મતદાન મથક ઉપર જઈ મતદાન કરી વોટ આપે તેવા પ્રકારના ચિત્ર દોરવામાં આવ્યા હતા. બેલેટ પેપર ઉપર બેલેટનો ઉપયોગ કરતું ચિત્ર તૈયાર કરવામાં આવ્યું હતું. તેમજ એકપણ મતદાર મતદાન કર્યા વગર ન રહી જાય તે માટે તે દર્શાવતું ચિત્ર દોરવામાં આવ્યું હતું.

કલાને પ્રદર્શિત કરતી રંગોળીઓ તૈયાર કરી
ગોધરાના ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા વિદ્યાલયના ઉદ્યોગ શિક્ષક ગીરીશ પટેલે જણાવ્યું હતું કે, આવનાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રત્યેક મતદાર અવશ્ય મતદાન કરે તે માટે અમારી શાળાના 20 જેટલા બહેરા મૂંગા વિદ્યાર્થીઓએ પોતાની કલાને પ્રદર્શિત કરી વિવિધ પ્રકારની રંગોળી તૈયાર કરી હતી. જેમાં મતદારોને જાગૃતિ, વોટીંગ મશીન અને પ્રત્યેક મતદાર મતદાન મથક ઉપર જઈ મતદાન કરે તેવું પ્રેરિત થતું ચિત્ર તથા પ્રત્યેક મતદાર પોતાના ડાબા હાથ ઉપર નિશાન કરી મતદાનનું ગૌરવ અનુભવે તે પ્રમાણેની રંગોળી તૈયાર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...