BJPના શાસન વચ્ચે કોણ મારશે બાજી?:પંચમહાલની 5 બેઠક પર 2017નો ઇતિહાસ જુઓ અહીં; 2022માં કયો પક્ષ કોના પર પડશે ભારે

પંચમહાલ (ગોધરા)3 મહિનો પહેલા

પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકમાં સમાવેશ થતી શહેરા, મોરવા હડફ, ગોધરા, કાલોલ અને હાલોલ બેઠક ઉપર આ વખતની ચૂંટણીમાં રસાકસી જોવા મળશે. પાંચ બેઠકોને લઈને ક્યાંક ઉમેદવારો પ્રત્યે નારાજગી તો ક્યાંક કોંગ્રેસ કાર્યાલય ઉપર પથ્થર મારો તો ક્યાંક કેટલાક સક્રિય ભાજપ અને કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો દ્વારા રાજીનામાં કરી દીધા છે. તો આ તમામ બાબતોને લઈને 2017નો ઇતિહાસ અને આવનાર 2022માં કયા પ્રકારનો માહોલ સર્જાશે આ તમામ બાબતની સવિસ્તાર માહિતી જોઈએ.

પાંચેય બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન
પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા ક્ષેત્રમાં વર્ષ 2017માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીઓમાં ગોધરા, શહેરા, કાલોલ અને હાલોલ એમ ચાર સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીએ બહુમતી હાંસિલ કરી હતી. જ્યારે એક સીટ ઉપર મોરવા હડફ બેઠક પર અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ હતી. પરંતુ અપક્ષ બેઠક ઉપર ચૂંટણી લડેલા ઉમેદવારના ખોટા આદિવાસી પ્રમાણપત્રના લીધે અપક્ષ ઉમેદવારીને સસ્પેન્ડ કરવામાં આવી હતી. ત્યારબાદ અહીં મોરવા હડફ બેઠક ઉપર વિધાનસભાની પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં આ સીટ પણ ભારતીય જનતા પાર્ટીએ હાંસિલ કરી હતી. હાલની વર્તમાન સ્થિતિમાં પાંચેય જિલ્લાની પાંચેય બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે.

ત્રણ બેઠકો પર સૌથી વધુ ક્ષત્રિય સમાજ મજબૂત વોટ બેંક
પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભાની વાત કરવામાં આવે, તો ગોધરા વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ લઘુમતી સમાજનું પ્રભુત્વ ધરાવતું વોટબેંક છે. જ્યારે શહેરા વિધાનસભા બેઠક ઉપર સૌથી વધારે ક્ષત્રિય સમાજના વોટ વધારે છે. તે છતાં પણ અહીં બેઠક ઉપર ભરવાડ સમાજના જેઠા ભરવાડને ઉમેદવાર તરીકે પસંદ કરી ક્ષત્રિય સમાજ વોટ આપે છે. જ્યારે મોરવા હડફ બેઠક ઉપર સૌથી વધુ આદિવાસી સમાજનું પ્રભુત્વ અને કાલોલ વિધાનસભા ક્ષેત્રમાં પણ સૌથી વધારે ક્ષત્રિય સમાજ લોકોના વોટ છે. હાલોલ વિધાનસભા ક્ષેત્રમાં પણ સૌથી વધારે ક્ષત્રિય સમાજના લોકોનું પ્રભુત્વ છે આમ પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભાની વાત કરવામાં આવે તો સૌથી વધુ શહેરા, કાલોલ અને હાલોલ એમ ત્રણ બેઠકો પર સૌથી વધુ ક્ષત્રિય સમાજ મજબૂત વોટ બેંક છે. જ્યારે ગોધરા વિધાનસભા સીટ ઉપર લઘુમતી સમાજ અને મોરવા હડફ બેઠક ઉપર આદિવાસી સમાજનું પ્રભુત્વ છે.

1. 124 શહેરા વિધાનસભા બેઠક
શહેરા વિધાનસભાની વાત કરવામા આવે તો આ બેઠક ભાજપનો ગઢ માનવામા આવે છે. અહીં 2002થી ભાજપની ટિકિટ પરથી જેઠા ભરવાડ જીતીને આવે છે. આ બેઠક પર જાતિવાદી સમીકરણ જોવામા આવે તો અહી બારિયા ક્ષત્રિય મતદારોની વસ્તી વધારે છે. છતા પણ અહી ભરવાડ સમાજના ઉમેદવાર જીતીને આવે છે. ખાસ કરીને અહીં ભાજપને વરેલા મતદારો હોવાથી ભાજપ તાલુકા પંચાયત તેમજ જીલ્લા પંચાયત કે પછી નગરપાલિકામાં પણ પોતાનો દબદબો ધરાવે છે. 2017માં જેઠા ભરવાડ સામે વિરોધ ઉભો થયો તેમા ક્ષત્રિય સમાજને ટિકિટ આપવામા આવે તેવી રજુઆત ભાજપના નેતાઓને કરવામા આવી હતી. પરંતુ ભાજપ દ્વારા અહી ફરી રિપીટ થીયરી અપનાવીને જેઠા ભરવાડને ટિકિટ આપવામા આવી હતી અને તેઓ જીતી ગયા હતા. આ 2022ની વિધાનસભા માટે ક્ષત્રિય ચહેરાને વિધાનસભામાં પ્રભુત્વ આપવામા આવે તેવી માંગ કરવામા આવી રહી છે. આ વખતે એવુ બન્યુ કે ભાજપમાંથી એક સાથે 12 જણાએ ટિકિટ માંગી છે. જેમા સિટીંગ ધારાસભ્ય જેઠા ભરવાડ પણ છે. ત્યારે ક્ષત્રિય અગ્રણી ખાતુ પગી પણ ટિકિટની માંગણી કરી હતી. આ વખતે ભાજપ કોને ટિકિટ આપે તે માટે ભારે ખેંચતાણ ચાલી હતી. પરંતુ આ વખતે પણ ભાજપ દ્વારા રિપીટ થીયરી આપનાવી જેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેના પરિણામે ક્ષત્રિય સમાજના અગ્રણી ખાતુ પગીએ ભાજપમાંથી છેડો ફાડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો અને કોંગ્રસમાંથી ટિકિટ આપી. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ગત વખતે શિવસેના પણ હતુ, આ વખતે તેની ખાલી જગ્યા આમ આદમી પાર્ટી ભરશે. આ બેઠક પર અપક્ષ ઉમેદવારો પણ અહીથી ઝંપલાવી શકે છે. આમ આ વખતે શહેરા વિધાનસભાની ચુટણી ભારે રસાકસી વાળી રહે તો નવાઈ નહી.

2. 125 મોરવા હડફ વિધાનસભા બેઠક
125 મોરવા હડફ વિધાનસભા બેઠક પર વિધાનસભાનું છેલ્લું પરિણામ આ બેઠક કોંગ્રેસના ફાળે હતી અને 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સવિતા ખાટનો વિજય થયો હતો. જો કે ત્યારબાદ ચૂંટણીના પરિણામમાં સવિતા ખાટનું અવસાન થતા 2013માં ફરી પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં નિમિષા સુથારને ભાજપમાંથી ઉતારવામાં આવ્યા હતા અને તેમનો વિજય થયો હતો. ત્યારબાદ 2017માં આ બેઠક ઉપર ભાજપમાંથી વિક્રમ ડીંડોર અને બીટીપીમાંથી અલ્પેશ ડામોર તથા અપક્ષમાંથી ભુપેન્દ્ર ખાટે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જેમાં અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્ર ખાટનો વિજય થયો હતો. પરંતુ સમયાંતરે બોગસ આદિવાસી પ્રમાણપત્રમાંથી ચૂંટણી લડ્યા હતા તેવું પુરવાર થતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ફરી પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં નિમિષા સુથારનો વિજય થયો હતો. આ બેઠક આદિવાસી સમાજના લોકોનું પ્રભુત્વ ધરાવતી બેઠક છે. અહીં પણ હાલના ધારાસભ્ય અને હાલના રાજ્યના આરોગ્ય મંત્રી નિમિષા સુથારનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવો પણ સાચા આદિવાસી નથી ને બોગસ પ્રમાણપત્રના આધારે મંત્રી પદ હાંસિલ કર્યું હતું. ત્યારે ફરી એકવાર ભાજપમાંથી નિમિષા સુથારને ટિકિટ આપી છે. ને તેમની સામે કોંગ્રસના ઉમેદવાર સ્નેહલતા ખાંટ છે. ત્યારે આ બેઠક ઉપર પણ ભારે રસાકસી જોવા મળશે. ત્યારે મોરવા હડફ બેઠક કોણ બાજી મારશે તે સમય બતાવશે.

3. 126 ગોધરા વિધાનસભા બેઠક
126 ગોધરા વિધાનસભા ક્ષેત્રની વાત કરવામાં આવે તો છેલ્લા બે ટર્મથી કોંગ્રેસની જીત થાય છે. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રવીણસિંહ ચૌહાણ અને કોંગ્રેસના સી.કે. રાઉલજી વચ્ચે સીધો જંગ થયો હતો. જેમાં ભાજપના પ્રવીણસિંહ ચૌહાણની હાર થઈ હતી અને ફરી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સી.કે. રાઉલજી કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા અને તેમને ફરીથી ટિકિટ આપવામાં આવતા તેઓ કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમાર સામે ઓછા લીડથી વિજય મેળવ્યો હતો. હાલમાં ભાજપમાં ટિકિટને લઇ અંદરો અંદર ખટપટ ચાલી રહી છે. પરંતુ ભાજપ દ્વારા ફરી એકવાર ધારાસભ્ય સી.કે. રાઉલજી ઉપર વિશ્વાસ મૂકી ટિકિટ આપવામાં આવી હતી. બીજી બાજુ સૌથી મોટી વોટ બેંક ગણાતી લઘુમતી સમાજ પણ પોતાના સમાજમાં માઈનોરીટીને કોંગ્રેસ પક્ષના ઉમેદવારને ટિકીટ આપે તે માટે રણશિંગુ ફૂંક્યું છે. પરંતુ ભારે ખેંચતાણ બાદ કોંગ્રેસ પક્ષમાંથી રશ્મિકા ચૌહાણને ટિકિટ આપતા માઈનોરીટી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેના પગલે માઈનોરીટી સમાજમાંથી અનસ અંધિ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવી ફોર્મ ભર્યું હતુ. બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ ગોધરાની સીટ હાંસિલ કરવા સક્ષમ ઉમેદવાર તરીકે રાજેશ પટેલને ટિકિટ આપી પસંદગી કરવામા આવી છે. સમાજવાદી પાર્ટી અને એમ.આઇ.એમ પણ પોતાના ઉમેદવારો ઝંપલાવશે. જ્યારે આ બેઠક પર 2017થી 2022 સુધી ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

4. 127 કાલોલ વિધાનસભા બેઠક
127 કાલોલ વિધાનસભાના 2012ના પરિણામમાં ભાજપના અરવિંદસિંહ રાઠોડ અને કોંગ્રેસના રાજેન્દ્રસિંહ જાદવ વચ્ચે સીધો જંગ થયો હતો. જેમાં ભાજપના ઉમેદવાર અરવિંદસિંહ રાઠોડ વિજેતા બન્યા હતા. 2017માં ભાજપના ઉમેદવાર સુમન ચૌહાણ અને કોંગ્રેસમાંથી પ્રદ્યુમનસિંહ ચૌહાણ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. જેમાં સુમન ચૌહાણ ભાજપમાંથી ભારે બહુમતીથી વિજેતા બન્યા હતા. અહીં જોવા જઈએ તો ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ધરાવતી બેઠક છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપમાંથી ફતેસિંહ ચૌહાણની પસંદગી કરી સુમન ચૌહાણને પડતા મૂકવામાં આવ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર સામે ભાજપમાંથી અલવિદા કરી કોંગ્રેસમાં જોડાયેલા પ્રભાતસિંહ ચૌહાણને કાલોલ વિધાનસભા બેઠક ઉપર ટિકિટ આપવામાં આવી છે. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી દિનેશ બારીયાએ ઝંપલાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણને બહુમતીથી વિજયી બનાવવા માટે પ્રભાતસિંહ ચૌહાણના પત્ની અને પુત્રવધુ મેદાને પડ્યા છે.

5. 128 હાલોલ વિધાનસભા બેઠક
128 હાલોલ વિધાનસભામાં છેલ્લા પરિણામની વાત કરવામાં આવે તો, ભાજપના જયદ્રથસિંહ પરમાર અને કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર વચ્ચે સીધો જંગ થયો હતો. જેમાં ભાજપના જયદ્રથસિંહ પરમારનો વિજય થયો હતો. ત્યારબાદ 2017માં ભાજપના ઉમેદવાર જયદ્રથસિંહ પરમાર અને કોંગ્રેસના ઉમેદવાર ઉદયસિંહ ચૌહાણ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. જેમાં જયદ્રથસિંહ પરમારનો વિજય થયો હતો. હાલોલ વિધાનસભા બેઠક ઉપર 1985થી 1998 કોંગ્રેસ અને ત્યારબાદ 2002થી 2022 સુધી ભાજપનો દબદબો રહ્યો છે. ત્યારે ફરી એકવાર હાલોલ વિધાનસભા બેઠક ઉપર જયદ્રથસિંહ પરમારની પસંદગી કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસમાંથી અનીશ બારિયાને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર એ પણ ઝંપલાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ બેઠક ઉપર ભાજપના જ આગેવાનોમાં જયદ્રથસિંહ પરમારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...