કેદીઓનો કહેર:અમારી બદલી કરો અથવા તો જેલના કેદીઓની બદલી કરો, ગોધરા સબજેલ સ્ટાફની નિવાસી અધિક કલેક્ટરને રજૂઆત

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ જાપ્તામાં સિવિલ લાવેલા કાચા કામના કેદીઓની દાદાગીરી, ખાવામાંથી ગોળીઓ મળ્યાના ફોટા વાયરલ
  • જેલ સ્ટાફ ચાલુ નોકરીએ કલેક્ટર પાસે દોડી આવ્યા: કેદીઓએ બબાલ કરતાં જેલ સ્ટાફે સાયરન વગાડી

ગોધરા સબજેલમાં 165ની ક્ષમતા કરતાં 340થી વધુ કેદીઓને રખાયા છે. બુધવારે પોલીસ જાપ્તામાં સિવિલમાં લાવેલ કેદીઓએ જાપ્તા પોલીસને ધમકી આપતાં 2 ફરિયાદ નોધાઇ હતી. તેમજ ગોધરા એલસીબીને ચેકિંગ કરતાં કેદી પાસેથી બે સીમ કાર્ડવાળો મોબાઇલ મળી આવતાં ફરિયાદ થઇ હતી.

કેદીઓએ બબાલ કરતાં જેલ સ્ટાફે સાયરન વગાડી
બાદ ગોધરા સબજેલના બેરેક 4ના કાચાકામના કેદીઓએ બબાલ કરતાં જેલ સ્ટાફે સાયરન વગાડી હતી. કેદીઓની દાદાગીરીથી ડરેલા સબ જેલના સહાયક, જેલ સિપાહી સહિત સ્ટાફે ચાલુ નોકરીએ જઇ નિવાસી અધિક કલેકટરને પોતાની વેદના કહી હતી કે બેરેક 4ના કેદીઓ સ્ટાફ સાથે બબાલ કરી ધમકી આપે છે.

હુમલો કરીને ધમકી આપતા હોવાની રજૂઆત
​​​​​​​
આ કેદીઓની જેલ બદલી કરાય અથવા સ્ટાફની બદલી કરવામાં આવે તેવી માંગ કરી હતી. બેરેક 4ના માથાભારે કેદીઓ અમારી પર હુમલો કરીને ધમકી આપતા હોવાની રજૂઆત કરી હતી. તેમજ જેલ સુપ્રિન્ટેન્ડન્ટને ફરિયાદ કરતાં તેઓ અમારું સાંભળતા નથી અને અમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા.

ફરિયાદ -1: બેરેક-4ના કેદી પાસેથી મોબાઇલ ફોન મળ્યો, એલસીબી પોલીસ દ્વારા બેરેક તેમજ કેદીઓની તપાસ હાથ ધરાઇ હતી
ગોધરા એલસીબી પોલીસ દ્વારા ગોધરા સબજેલમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એલસીબી પોલીસે સબજેલના બેરેકની તપાસ તથા કેદીઓની તપાસ કરી હતી. તે દરમિયાન સબજેલના બેરેક નં- 4ના કાચાકામના કેદી સીકંદર ઇશાકબેલી પાસેથી બે સીમકાર્ડવાળો મોબાઇલ ફોન મળી આવ્યો હતો.

સબજેલમાં મોબાઇલ પ્રતિબંધિત હોવા છતાં કોની મદદથી જેલમાં ઘૂસાડવામાં આવેલ છે, તેમજ જેલમાં રહેલા કયા કયા કેદીઓએ અનઅધિકૃત રીતે ઉપયોગ કરેલ છે તથા આ મોબાઇલ અને સીમકાર્ડ દ્વારા ગુનાહીત પ્રવૃત્તિ આચરવામાં આવેલ છે કે નહિ આ અંગેની ઉંડાણપૂર્વક ઘનિષ્ઠ તપાસ થવી જરૂરી હોવાથી પોલીસ દ્વારા મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો હતો. ગોધરાના એ ડિવિઝન પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદ -2​​​: જાપ્તા પોલીસને બંદૂક વડે ઉડાવી દેવાની ધમકી આપી, કેદીને મોબાઇલ પર વાત કરવા ના પાડતાં 3 કેદીઓ ઉશ્કેરાયા
ગોધરા જાપ્તા પોલીસ ટીમ સબજેલના તૈયબ ઇકબાલ જાનકી, ઇશાક બિલાલ બદામ અને સલમાન મહમ્મદ હનીફ ભાગલીયા ઉર્ફે ચૂચલા નામના ત્રણ કેદીઓને મેડિકલ ચેકઅપ માટે લઈ ગયા હતા. જ્યાં ઇશાક બિલાલ બદામ નામનો કેદી મોબાઇલ ફોન પર વાત કરતાં જાપ્તા પોલીસ દ્વારા તેને ફોન પર વાત કરવાની ના પાડતાં તૈયબ ઇકબાલ જાનકી, ઇશાક બિલાલ બદામ અને સલમાન મહમ્મદ હનીફ ભાગલીયા ઉર્ફે ચૂચલા ત્રણેય ઇસમોએ ભેગા મળીને જાપ્તા પોલીસને અપશબ્દો બોલીને તમારી પાસે શું બંદૂકો છે, અમારી પાસે ચાર-પાંચ બંદૂકો છે, તમને અમારી પાસેની બંદૂકોથી ઉડાવી દઈશું તેવી ધમકી આપી હતી. જાપ્તા પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી હોવાની ફરિયાદ ગોધરા શહેર A ડિવિઝન પોલીસ મથકે નોંધાવવામાં આવી છે.

ફરિયાદ -3: હાથકડી ખોલો, પછી હું મારો પાવર બતાઉં છું, બહાર લઇ જાવ ત્યારે તમામ સુ‌વિધા મને આપવી કહી ધમકી આપી હતી
ગોધરા સિવિલ હોસ્પિટલમાં ગત 31મી તારીખે સિકંદર ઇશાક બેલી અને અન્ય કેદીઓને દવા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યારે સિકંદર ઇશાક બેલીએ પીએસઆઈ ભરતભાઈ રાવલને કહ્યંુ હતું કે ‘તમે મારા હાથમાં લગાવેલી હાથકડી ખોલી નાખો, પછી હું તમને મારો પાવર બતાઉં છું’, તેમ કહીને અપશબ્દો બોલવા લાગ્યો હતો. વધુમાં જેલ સ્ટાફને સિકંદર ઇશાક બેલીએ જણાવ્યું હતું કે, જ્યારે મને બહાર લઇ જાવ ત્યારે તમારે મને તમામ સુવિધાઓ આપવી, તમે મને બહાર સુવિધાઓ નહિ આપો તો હું જેલમાંથી છૂટીને આવું એટલે તમને બધા પોલીસને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ કેદી સિકંદર ઇશાક બેલીએ આપી હોવાની પોલીસ ફરિયાદ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે નોધાઇ હતી.

મોબાઇલ મળતાં કાર્યવાહીથી બચવા ખોટી રજૂઆત કરે છે..
એલસીબીએ જેલમાંથી મોબાઇલ શોધી કાઢયો અને કાર્યવાહીથી બચવા ખોટી રજૂઆત જેલ સ્ટાફે કલેકટરને કરી છે. એવી કોઇ ઇમર્જન્સી ન હોવા છતાં નિષ્કાળજી દબાવવા સ્ટાફે ખોટી રીતે સાયરન વગાડી. જેની જવાબદારી છે તેની સામે કાર્યવાહી કરવા લેખિત જાણ ઉચ્ચકક્ષાએ કરી છે. જરૂર હશે તો જેલ સ્ટાફ કે કેદીઓની બદલી કરાશે. - એમ.અન. રાઠવા, જેલ સુપ્રિન્ટેન્ડન્ટ, ગોધરા

અન્ય સમાચારો પણ છે...